<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

બાલાજી પાર્કમાં ઘરમાંથી ૧૬.૮૮ લાખની અને મહાદેવવાડીમાં દૂકાનમાંથી ૨.૭૮ લાખની ચોરી

રાજકોટમાં તાલુકા પોલીસ અને માલવીયાનગર પોલીસને તસ્‍કરોનો પડકાર : સીસીટીવી ફુટેજને આધારે તપાસ : ખેડુત રમેશભાઇ સખીયા અને પરિવારજનો ઘરમાં જ સુતા હતાં: ઉંઘમાં ખલેલ પાડયા વગર હાથફેરોઃ હાર્દિકભાઇ બોરીચાની દુકાનમાંથી રોકડા ૨.૨ લાખ અને બે મોબાઇલ છૂઃ એલસીબી ઝોન-૨ ટીમ પણ તપાસમાં સામેલ થઇ

 

રાજકોટ તા. ૨૫: શહેરમાં તસ્‍કરોએ તરખાટ મચાવી મકાન, દૂકાનમાંથી લાખોની માલમત્તા ચોરી જઇ પોલીસને પડકાર ફેંક્‍યો છે. તાલુકા પોલીસની હદમાં ૮૦ ફુટ રોડ બાલાજી પાર્કમાં રહેતાં મુળ લોધીકાના ખાંભાના ખેડુત પરિવારના ઘરમાંથી તસ્‍કરો રોકડ-દાગીના મળી રૂા. ૧૬,૮૮,૦૦૦ની મત્તા ચોરી ગયા છે. એક તસ્‍કર સીસીટીવીમાં કેદ થયો છે. આ પરિવારના સભ્‍યો ઘરમાં જ સુતા હતાં. પણ તેઓની ઉંઘમાં ખલેલ પાડયા વગર ચોર હાથ અજમાવી ગયો હતો. બીજા બનાવમાં માલવીયાનગર પોલીસની હદમાં મહાદેવ વાડીમાં મોબાઇલની દૂકાનમાંથી ચોર ૨,૦૨,૦૦૦ની રોકડ અને બે મોબાઇલ ફોન, ડીવીઆર મળી ૨,૭૮,૫૦૦ની મત્તા ચોરી ગયો છે. બંને બનાવમાં ભેદ ઉકેલવા પોલીસની ટીમો કામે લાગી છે.

પ્રથમ બનાવની જાણવા મળેલી વિગત મુજબ તાલુકા પોલીસે આ અંગે ૮૦ ફુટ રોડ સર્વોદય સ્‍કૂલ સામે બાલાજી પાર્ક ઘર નં. ૬માં રહેતાં મુળ લોધીકાના ખાંભા ગામના વતની ખેડુત રમેશભાઇ ગાંડુભાઇ સખીયા (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે.  રમેશભાઇ પત્‍નિ ભાનુબેન, બે કિદરા, દિકરીનો પરિવાર ધરાવે છે. રાજકોટ બાલાજી પાર્કનું મકાન તેમણે એક વર્ષ પહેલા જ ખરીદ કર્યુ છે.

ફરિયાદની વિગત મુજબ  તા. ૨૩/૭ ના રોજ રાત્રે આશરે ૧૧ વાગ્‍યાના સુમારે રમેશભાઇ સખીયા અને પરિવારજનો જમી-પરવારીને સુવા ગયા હતા. રમેશભાઇ અને તેમના પત્‍નિ ભાનુબેન ગ્રાઉન્‍ડ ફ્‌લોર પરના ડ્રોઇંગ રૂમમાં સુતા હતા, જ્‍યારે ઉપરના માળે આવેલ બેડરૂમમાં તેમના બંને દિકરાઓ સુતા હતા. સવારે સવા છ વાગ્‍યાના સુમારે ભાનુબેન મોટા દીકરા ધર્મેશને ઉઠાડવા માટે ઉપરના બેડરૂમમાં ગયા ત્‍યારે બાલ્‍કની વાળો રૂમ અને બેડરૂમના કબાટના દરવાજા ખુલ્લા જોવા મળ્‍યા હતા. તપાસ કરતા માલૂમ પડ્‍યું હતું કે કબાટમાં સંતાડીને રાખેલી ચાવી વડે જ ચોરે લોકર ખોલ્‍યું હતું. લોકરમાં રહેલા કિંમતી સોનાના દાગીના અને પર્સમાં રાખેલી રોકડ રકમ ગાયબ હતી.

તસ્‍કરો સોનાનો હાર ૩૦ ગ્રામનો કિંમત રૂા. ૩,૬૦,૦૦૦નો, સોનાનું મંગળસુત્ર ૩૩.૫ ગ્રામ કિંમત રૂા. ૪,૫૦,૦૦૦, સોનાની બંગડીઓ બે ૩૩.૫ ગ્રામની કિંમત રૂા. ૪,૫૦,૦૦૦, સોનાની ચેઇન ૨૦ ગ્રામની કિંમત રૂા. ૨,૪૦,૦૦૦, સોનાની વીંટી ૫ ગ્રામની કિંમત રૂા. ૬૦,૦૦૦, સોનાના કડીયા ચાર નંગ ૧૦ ગ્રામના કિંમત રૂા. ૧,૨૦,૦૦૦ અને રોકડા રૂા. ૮ હજાર ચોરી ગયાની જાણ થતાં તાલુકા પોલીસને જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણ અને ટીમે તપાસ શરૂ કરી હતી. ડોગ સ્‍ક્‍વોડ ફીંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતોની મદદ પણ લેવાઇ હતી. એલસીબી ઝોન-૨ ટીમ પણ તપાસમાં સામેલ થઇ હતી. તસ્‍કરો રાતે એકથી સવારના છ વચ્‍ચેના ગાળામાં ત્રાટક્‍યા હતાં. એક તસ્‍કર નજીકના એક સીસીટીવી કેમેરામાં કેદ થયો હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે. 

ચોરીની બીજી ઘટના માલવીયાનગર પોલીસ મથક હેઠળના મહાદેવ વાડી મેઇન રોડ પર શ્રદ્ધા જાંબુ બનામની મીઠાઇની દુકાન પાસે આવેલી મોમાઇ મોબાઇલ નામની દુકાનમાં બની હતી. એકે તસ્‍કર અહિથી રોકડા રૂા. ૨,૦૨,૦૦૦, બે મોબાઇલ ફોન,  સીસીટીવીનું ડીવીઆર તથા નેટ કનેક્‍શન રાઉટર મળી કુલ રૂા. ૨,૭૮,૫૦૦ની મત્તા ચોરી ગયો હતો.

આ બનાવ અંગે પોલીસે મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના વાળા રોડ પર રહેતાં અને મોબાઇલ વેચાણનો વેપાર કરતા હાર્દિકભાઇ ભરતભાઇ બોરીચા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે.  વિગત મુજબ ૨૦/૭ના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્‍યાની આસપાસ તેઓ તથા દુકાનમાં કામ કરતા ધવલભાઇ ચોવટીયા, કેતનભાઇ બગડા અને તોફીકભાઇ ડોડીયા સાથે મળી છેલ્લા ત્રણેક દિવસના વેપારનો હિસાબ કરી રહ્યા હતા. હિસાબ પૂર્ણ થતાં કેશ કાઉન્‍ટરમાં ભેગી થયેલી રૂા. ૨,૦૨,૦૦૦ની રોકડ રકમ કાઉન્‍ટરમાં રાખી, લોક મારીને દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા.

બીજા દિવસે સવારે સાડા નવેક વાગ્‍યે દુકાને કામ કરતા પ્રતિકભાઇ આવ્‍યા હતા અને તેઓ દુકાન ખોલવા જતાં તાળાં લાગેલા ન હોવાથી તેમણે હાર્દિકભાઇના મોટાભાઇ ધર્મેશભાઇને ફોન કરીને જાણ કરી હતી. ધર્મેશભાઇ અને હાર્દિકભાઇ તુરંત જ દુકાને પહોંચ્‍યા હતા. દુકાન અંદરથી તપાસતાં કેશ કાઉન્‍ટર તુટેલું મળ્‍યું હતું અને તેમાં રાખેલા રોકડા રૂા. ૨,૦૨,૦૦૦ ગાયબ હતા. આ ઉપરાંત કાઉન્‍ટરમાં રાખેલો ઓપ્‍પો કંપનીનો ૫૫ હજારનો મોબાઇલ અને બીજો સેમસંગ કંપનીનો જુનો પ હજારનો મોબાઇલ પણ ગાયબ હતાં.

તસ્‍કર ચોરીના પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લેતો ગયો હતો. ચોરીની આ ઘટના સામેની એક દૂકાનમાં કેદ થઇ હતી. જેમાં તસ્‍કર રાત્રીના બે વાગ્‍યે આવતો અને વજનદાર વસ્‍તુથી તાળા તોડતો અને અંદર પ્રવેશનો દેખાયો હતો. માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(3:07 PM IST)