તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 3rd November 2026
ગાયત્રીનગરના એમબીએના છાત્ર ૨૧ વર્ષિય અક્ષયનું ઢોલરામાં વિજકરંટથી મોતઃ એકનો એક દિકરો હતો
માતા-પિતા સાથે ઢોલરાના મકાને સાફસફાઇ કરવા ગયો ત્યારે બનાવઃ પાટડીયા-સોની પરિવારમાં કલ્પાંત : અભ્યાસની સાથે સાથે વિડીયોગ્રાફીનું કામ કરતો હતોઃ પિતા સોની કામની દુકાન ચલાવે છે

રાજકોટ તા. ૩: પરલોકનું તેડુ ક્યારે ક્યાં કેવી રીતે આવી જાય તેની કાળા માથાના માનવીને ખબર હોતી નથી. આવી જ એક કરૂણ દુર્ઘટનામાં રાજકોટના ગાયત્રીનગરમાં રહેતાં મુળ ઢોલરાના સોની દંપતિએ એકનો એક ૨૧ વર્ષનો દિકરો ગુમાવી દીધો છે.
એમબીએમાં અભ્યાસ કરતો આ છાત્ર ગઇકાલે માતા-પિતા સાથે ઢોલરાના પોતાના ઘરે હતો ત્યારે સાફસફાઇમાં મદદ કરતો હતો તે વખતે કોઇપણ કારણોસર ડ્રોઅરમાંથી વિજકરંટ લાગી જતાં તેનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ગાયત્રીનગર મેઇન રોડ ભોલેનાથ મંદિરવાળી શેરીમાં રેહતો અક્ષય નિતીનભાઇ પાટડીયા-સોની (ઉ.વ.૨૧) ગત સાંજે ઢોલરા ગામે પોતાના જુના મકાન ખાતે હતો ત્યારે ત્યાં વિજકરંટ લાગતાં બેભાન થઇ ગયો હતો. તેને તુરંત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પરંતુ અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. શાપર પોલીસે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
વધુ વિગતો મુજબ મૃત્યુ પામનાર અક્ષય પાટડીયા માતા હેતલબેન, પિતા નિતીનભાઇ પાટડીયાનો એકનો એક દિકરો હતો અને એમબીએનો અભ્યાસ કરવાની સાથે સાથે વિડીયોગ્રાફીનું કામ પણ કરતો હતો. પિતા નિતીનભાઇ ઢોલરામાં પોતાના જુના મકાન સાથે સોની કામની દુકાન ચલાવે છે. હાલમાં ગાયત્રીનગર ખાતે રહે છે.
દિવાળીનો સમય હોઇ ગઇકાલે પતિ, પત્નિ અને પુત્ર અક્ષય ઢોલરા જુના મકાને સાફસફાઇ માટે ગયા ત્યારે કોઇ ટેબલના ડ્રોઅરમાંથી અક્ષયને વિજકરંટ લાગી ગયાનું સગાએ જણાવ્યું હતું. એકના એક આશાસ્પદ, આધારસ્તંભ દિકરાને ગુમાવતાં પાટડીયા-સોની દંપતિ, પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.
(2:06 PM IST)










