તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 16th July 2026
કોઠારીયા-આણંદપર વચ્ચે વાહન અકસ્માતમાં દહીંસરાના ૨૧ વર્ષના હાર્દિક માલકીયાનું મોત
રાજકોટ-મોરબી હાઇવે પર કોઠારીયામાં પખવાડીયા પહેલા જ વાડી વાવવા રાખી હતીઃ કોળી પરિવારમાં કલ્પાંત : બાઇક હંકારી વાડીએથી ગામમાં વસ્તુ લેવા જતો હતો ત્યારે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયોઃ કોઇ વાહને ઠોકરે ચડાવ્યો કે બાઇક સ્લીપ થયું તે અંગે કુવાડવા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૬: જીવલેણ વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારે આશાસ્પદ યુવાન દિકરો ગુમાવી દીધો છે. રાજકોટ-મોરબી હાઇવે પર કોઠારીયા-આણંદપર (બાઘી) વચ્ચેના રસ્તા પર સાંજે હાલ કોઠારીયા રહેતાં અને વાડી વાવતાં જસદણના દહીંસરાના ૨૧ વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. બાઇક હંકારીને વાડીએથી ગામમાં કોઇ ચીજવસ્તુ લેવા માટે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. તેને ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ જીવ બચી શક્યો નહોતો.
જાણવા મળ્યા મુજબ કોઠારીયામાં વાડીમાં રહેતો હાર્દિકભાઇ મુકેશભાઇ માલકીયા (ઉ.વ.૨૧) નામનો યુવાન સાંજે પોતાનું બાઇક હંકારી વાડીએથી ગામમાં કોઇ ચીજવસ્તુ લેવા જવા નીકળ્યો ત્યારે કોઠારીયા-આણંદપર વચ્ચેના રસ્તા પર તેના બાઇકને અકસ્માત નડતાં તે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. કોઇએ બનાવની જાણ કરતાં હાર્દિકભાઇના પરિવારજનો અને બીજા લોકો દોડી ગયા હતાં અને તેને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હાર્દિકભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે મુળ જસદણના દહીંસરાનો વતની હતો. તેના પરિવારે હજુ પંદરેક દિવસ પહેલા જ કોઠારીયામાં વાડી વાવવા રાખી હોઇ બધા અહિ રહેવા આવ્યા હતાં. સાંજે તે વાડીએથી ગામમાં જતો હતો ત્યારે અકસ્માત નડયો હતો. તેનું બાઇક સ્લીપ થઇ ગયું કે પછી કોઇ વાહનનો ચાલક ઉલાળીને ભાગી ગયો? તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવાન અને આશાસ્પદ દિકરાના મૃત્યુથી માલકીય-કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(11:06 AM IST)










