તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 17th April 2026
સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા રવિવારે ૩૮મો સમૂહલગ્નોત્સવ : ૭ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ તા. ૧૭ : સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા આગામી તા. ૧૯ના રવિવારે ૩૮માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, લાખના બંગલા સામે, ગાંધીગ્રામ ખાતે તા. ૧૯ના રવિવારે સમુહલગ્નનું રૂડુ આયોજન કરાયુ છે. જેમાં ૭ યુગલો સમૂહમાં પ્રભુતામાં પગલા પાડશે.
સવારે ૬ વાગ્યે જાન આગમન, સવારે ૭.૩૦ વાગ્યે સામૈયા, શુભ ચોઘડીયે હસ્ત મેળાપ અને ૧૧ વાગ્યે સત્કાર સમારોહ યોજાશે. તેમજ બપોરે ૧.૩૦ વાગ્યે જાનને વિદાય અપાશે.
દાતાઓના સહયોગથી દરેક દીકરીઓને કરીયાવરમાં સોનાના દાણા, ચાંદીના જુડા, સાકળા, ફ્રીજ, કબાટ, ઇન્ડકશન ચુલા, ગ્રાઇન્ડર મીકસચર, સીલીંગફેન સહીત ૬૮થી વધુ વસ્તુઓ અપાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટના ઉપપ્રમુખ ગોપાલભાઇ દેવડીયા, માનદમંત્રી રાજેનભાઇ જાદવ, સહમંત્રી વિજયભાઇ ગોહેલ, ચેરમેન રમેશભાઇ પાણખાણીયા, જ્ઞાતિ અગ્રણી કારોબારી સભ્ય પ્રવિણભાઇ જેઠવા વગેરે નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:22 PM IST)










