<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

બેભાન હાલતમાં નિવૃત તબિબ સહિત ૪ના મૃત્‍યુ

જલારામ સોસાયટીમાં જયસુખભાઇ ગરાલા, જડેશ્વર પાર્કમાં માસુબેન રાઠોડ, કિરણ સોસાયટીમાં હરેશભાઇ કંડોલીયા અને ભક્‍તિનગર સર્કલ પાસે મોહમ્‍મદહનીફભાઇ બેભાન થઇ ગયા બાદ દમ તોડયો

રાજકોટ તા. ૨૦: બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થવાના ચાર બનાવ બન્‍યા હતાં. જેમાં જલારામ સોસાયટીમાં એકલા રહેતાં નિવૃત તબીબનું ઘરે બેભાન થયા બાદ સારવારમાં મૃત્‍યુ થયું હતું. જ્‍યારે જડેશ્વર પાર્કમાં મહિલાનું, કિરણ સોસાયટીમાં પ્રોૈઢનું અને ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટના પ્રોૈઢનું રસ્‍તા પર બેભાન થઇ ગયા બાદ સારવારમાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ૧૫૦ રીંગ રોડ જલારામ સોસાયટી-૬ ન્‍યુ એપાર્ટમેન્‍ટમાં રહેતાં નિવૃત ડોક્‍ટર જયસુખભાઇ લાખાભાઇ ગરાલા (ઉ.વ.૭૦) ગઇકાલે ઘરે બેભાન જેવા થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ વિરભદ્રસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસમાં થયેલી નોંધ મુજબ મૃતકના બેડ નીચેથી ઉંઘની ગોળીઓ મળી હતી. તેમના દિકરા-દિકરી વિદેશ રહે છે. પોતે એકલા અહિ રહેતાં હતાં.

બીજા બનાવમાં કોઠારીયા ચોકડી વેલનાથ સોસાયટી નજીક જડેશ્વર પાર્કમાં રેહતાં માસુબેન જશાભાઇ રાઠોડ (ઉ.વ.૫૯) ઘરે  બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ હયાત નથી. પેરેલીસીસનો એટેક આવી ગયા બાદ બેભાન થઇ જતાં મૃત્‍યુ થયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં હરિ ધવા રોડ પર કિરણ સોસાયટી-૧૧માં રહેતાં હરેશભાઇ કરસનભાઇ કંડોલીયા (ઉ.વ.૫૦) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં  ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. તેઓ કોમ્‍પ્‍યુટર વર્ક કરતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. કેન્‍સરની બિમારી હોવાનું સગાએ જણાવ્‍યું હતું.

ચોથા બનાવમાં ભકિતનગર સ્‍ટેશન સર્કલ નજીક સોરઠ કોમ્‍પલેક્ષમાં રહેતાં મોહમ્‍મદહનીફભાઇ નવાબઅલી ઇદ્રીશી (ઉ.વ.૬૦) બિમાર હોઇ દવા લેવા જતી વખતે રસ્‍તામાં બેભાન થઇ જતાં ગુંદાવાડી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ સિક્‍યુરીટી ગાર્ડ તરીકે કામ કરતાં હતાં. સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:18 PM IST)