News of Sunday, 6th September 2026
રાજકોટના પડધરી તાલુકાના દહીસરડા (આજી) ગામે ચેકડેમમાં નાહવા પડેલા ૪ સ્કૂલી બાળકો ડૂબ્યા : ૩ માસુમોના મૃતદેહ બહાર કઢાયા : એક બાળકની શોધખોળ ચાલુ
પાટ હનુમાન મંદિર પાછળ બપોરે બનેલી કરૂણ ઘટના : મામલતદાર, મેટોડા PI મહાવીરસિંહ પરમાર અને ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી : મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પડધરી હોસ્પિટલ ખસેડાયા

જયેશ ભટાસણા દ્વારા, ટંકારા: રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દહીસરડા (આજી) ગામે આજે બપોરના સુમારે એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં આવેલા પાટ હનુમાન મંદિર પાછળના ચેકડેમમાં નાહવા પડેલા ૪ શાળાના બાળકો પાણીમાં ઊંડા ગરકાવ થઈ જતાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કલાકોની જહમત બાદ ૩ બાળકોના મૃતદેહ રિકવર કરવામાં આવ્યા છે, જ્યારે એક ગુમ થયેલા બાળકની શોધખોળ હજુ પણ વિગતો મુજબ ચાલુ છે.
બપોરે ૩ વાગ્યાના સુમારે સર્જાયો કરૂણાંતિકાનો બનાવ:
મળતી માહિતી મુજબ, દહીસરડા (આજી) ગામે આવેલ પાટ હનુમાન મંદિર પાછળના ચેકડેમ પાસે બપોરના આશરે ૩:૦૦ વાગ્યાની આસપાસ ૪ સ્કૂલી બાળકો ગયા હતા. રમતા રમતા કે નાહવા પડેલા આ બાળકો અચાનક પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબવાની ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તથા વહિવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે તંત્રનો કાફલો દોડી ગયો:
બનાવની જાણ થતાં જ પડધરીના મામલતદાર, મેટોડાના પીઆઈ મહાવીરસિંહ પરમાર તેમજ રાજકોટ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો અને ગોતાખોરોએ ચેકડેમના ઊંડા પાણીમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી. ભારે મહેનત બાદ પાણીમાંથી ૩ બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ મૃતદેહોને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ અર્થે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ડૂબેલા બાળકોની વિગત અને વર્તમાન સ્થિતિ:
૧) ધ્યેય મનીષભાઈ ધમાસણા (ઉંમર વર્ષ ૧૪, જાતે પટેલ, રહે. દહીસરડા (આજી), તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ) - મૃતદેહ મળી આવ્યો.
૨) વંશીત વિજયભાઈ ખંભાયતા (ઉંમર વર્ષ ૧૫, જાતે મિસ્ત્રી, રહે. ધ્રોલ, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર) - મૃતદેહ મળી આવ્યો.
૩) વાસુભાઈ યોગેશભાઈ સવસાણી (ઉંમર વર્ષ ૧૨, જાતે પટેલ, મૂળ રહે. દહીસરડા, હાલ રહે. જનકપુરી સોસાયટી, રાજકોટ) - મૃતદેહ મળી આવ્યો.
૪) દીપ ગંગારામભાઈ રાજપરા - જે બાળકની પાણીમાં શોધખોળ હજુ ચાલુ છે અને તેને શોધવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ જોશથી હાથ ધરવામાં આવી રહી છે.
આ કરૂણ ઘટનાને પગલે દહીસરડા ગામ તેમજ મૃતક બાળકોના પરિવારોમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
(12:36 AM IST)










