તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Thursday, 16th July 2026
હૃદય ધબકારા ચુકી જતાં ૪૧ વર્ષના ભીમબહાદુર અને ૫૩ વર્ષના જયરામભાઇના મૃત્યુ નિપજ્યા
કરણપરા તથા વૈશાલીનગરમાં રહેતાં નેપાળી, ઠાકુર પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૬: હૃદય ધબકારા ચુકી જવાને કારણે મૃત્યુની વધુ બે ઘટના બની છે જેમાં કરણપરમાં રહેતાં નેપાળી યુવાન અને વૈશાલીનગરમાં રહેતાં પ્રોૈઢના મૃત્યુ થયા છે.
જાણવા મળ્યા મુજબ કરણપરા શેરી નં. ૨૮માં રહેતાં ભીમબહાદુર પ્રતાપસિંગ શાહી (ઉ.વ.૪૧) નામના નેપાળી યુવાન રાતે સાડા ત્રણેક વાગ્યે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો શરૂ થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ હોટેલમાં કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવની જાણ થતાં નેપાળી સેવા સમાજના આગેવાન સંજયભાઇ કારકી હોસ્પિટલે પહોંચ્યા હતાં અને મૃતદેહને વતન નેપાળ લઇ જવા માટે મૃતકના સ્વજનોને મદદરૂપ થયા હતાં.
બીજા બનાવમાં રૈયા રોડ આમ્રપાલી ફાટક નજીક વૈશાલીનગર-૪માં રહેતાં મુળ ઝારખંડના જયરામભાઇ રામસેવકરામ ઠાકુર (ઉ.વ.૫૩) રાતે ત્રણેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની ગઇ છે. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.
બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
(2:26 PM IST)










