News of Saturday, 13th April 2024
કાલે સૌરાષ્ટ્ર - કચ્છમાં ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી
પ્રતિમાઓને પુષ્પાંજલી અર્પણ કરાશે : શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાશે.
મીઠાપુર
(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર : ડો. બાબાસાહેબᅠ આંબેડકર ની ૧૩૩ મી જન્મ જયંતિ હોય મીઠાપુર ખાતે અનેકવિધ કાર્યક્રમો સાથે આ જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેમાં તારીખ ૧૨/૪/૨૪ નાં રોજ સુરજકરાડી બસ સ્ટેન્ડની સામે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું સાંજે ૭ વાગ્યે અનાવરણ કરવામાં આવશે. તારિખ ૧૩/૪/૨૪ નાં રોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી એક રક્તદાન શિબિરનું આયોજન ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ પોલીસ સ્ટેશન પાછળ રાખવામાં આવેલ છે. ત્યારબાદ તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ત્યાં જ ભવ્ય દાંડિયા રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં અરજણ વાઘેલા, જગદીશ મકવાણા, સોમેશ લધા, સવજી શ્રીમાળી, ઇબ્રાહિમ શેખ, રાણીબેન ચાવડા તથા સાથી કલાકારો પોતાનું ઉમદા પરફોર્મન્સ આપશે. ત્યારબાદ ૧૪ મી તારીખે ભવ્ય શોભયાત્રા સાંજે ૫ કલાકે ડો.બાબાસાહેબ આંબેડકર સોસાયટી થી રામદેવપીર મંદીર, સુરજકરાડી જાહેર માર્ગ પર થઈ ને મીઠાપુર ચાર રસ્તા થઈ ને મીઠાપુર માં આવેલ ઝંડા ચોક માં સમાપન થશે. આ સમગ્ર આયોજનમાં ઉપસ્થિત રહી લાભ લેવા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની શોભાયાત્રામાં કોઇ પણ પાર્ટીનાં હોદેદારો એ પાર્ટીનાં ખેશ પહેરીને પાર્ટીનો પ્રચાર કરવા ન આવવાનો અનુરોધ પણ આ સમિતી દ્વારા કરવામાં આવ્યો છે.
ભાયાવદર
ભાયાવદર : સમગ્ર દલીત સમાજની એક જનરલ મીટીંગ મેઘવાળ સેવા સમાજના પ્રમુખ પ્રવિણભાઇ એમ. લધા (એડવોકેટ એન્ડ નોટરી)ના અધ્યક્ષસ્થાને મળેલ હતી.
જેમાં તા. ૧૪ને રવિવારે બપોરના ૪.૩૦ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકરનગર, ભાયાવદર ખાતેથી એક વિશાળ શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા હોળીધાર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચશે ત્યાં પ્રતિમાને ફુલહાર કરી શહેરના મુખ્યમાર્ગો ઉપર પસાર થઇને નગરપાલિકા કચેરીએ ડો. બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્રને ફુલહાર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ શોભાયાત્રામાં ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તો સૌ દલીત ભાઇ-બહેનોને આ રેલીમાં ઉમટી પડવા હાર્દિક આમંત્રણ અને નિમંત્રણ પાઠવવામાં આવે છે. તેમ અંતમાં મેઘવાળા સેવા સમાજના પ્રમુખ પ્રવિણભાઇ એમ. લધા (એડવોકેટ એન્ડ નોટરી)ની યાદીમાં જણાવાયું છે.
(11:43 AM IST)










