<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

ગુજરાતને ફરી આઝાદી અપાવવા રાજકોટ આવ્‍યોઃ પરેશ ધાનાણી

બહુમાળી ભવન ચોક ખાતે જનસ્‍વાભિમાન સંમેલનમાં નેતાઓના જોશીલા પ્રવચનો : લોકો ઉમટયા

જય સરદાર : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે ૧૨.૩૯ વાગ્‍યે વિજયમુહુર્તમાં પોતાનું ઉમેદવારીપત્રક નોંધાવ્‍યું હતું તે પૂર્વે ધાનાણીએ બહુમાળી ભવન ચોકમાં આવેલ લોખંડ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને વંદન કરી પરેશભાઇએ આજથી વિધિવત રીતે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યું હતું. પરેશભાઇએ વલ્લભભાઇની પ્રતિમાને ફુલહાર કર્યા તે સમયે પ્રદેશ કોંગી આગેવાન મહેશ રાજપૂત, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા કાર્યકારી પૂર્વ પ્રમુખ સંજય અજુડીયા ઉપસ્‍થિત રહ્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)(૨૧.૩૬)

રાજકોટ, તા., ૧૯: લોકસભા ચુંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ત્‍યારે આજે રાજકોટ બેઠક પરના કોંગ્રેસના પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી હતી. આ પુર્વે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે યોજાયેલા સ્‍વાભિમાન સંમેલનમાં ઇન્‍ડીયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, હું અહંકારી માછલીની આંખ વિંધવા રાજકોટ આવ્‍યો છું. ગુજરાતમાં ભાજપનો અહંકાર સાતમા આસમાને છે. સંસદમાં રાજકોટનો અવાજ બનીશ. આ સાથોસાથ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહીલે જણાવ્‍યું હતું કે, દીકરીઓએ પરેશભાઇને આજે રાખડી બાંધી છે ત્‍યારે દીકરીઓની રક્ષા કરવા પરેશભાઇ અમરેલીથી રાજકોટ આવ્‍યા છે. ત્‍યારે આ સ્‍વાભિમાનની લડાઇ છે.

લોકસભાની ચુંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્‍યારે આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠક પર ઇન્‍ડીયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી બપોરે ૧ર.૩૯ વાગ્‍યે વિજય મુહુર્તમાં પોતાનું ઉમેદવારીપત્રક નોંધાવ્‍યું હતું. રૂપાલા અને ધાનાણી રર વર્ષ પછી ફરી આમને સામને ચુંટણી જંગ લડશે. ફોર્મ ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે સભા સંબોધતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, દીકરીઓની આંખમાં આંસુ જોયા છે, અહંકારી માછલીની આંખ વિંધવા આવ્‍યો છું. ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહયો છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વિકાસની પરીભાષાને બદલવા આવ્‍યો છું. ભાજપે વર્ગ વિગ્રહના બીજ રોપ્‍યા છે. રાજકોટના લોકોને પ્રેમના તાંતણે બાંધવા આવ્‍યો છું. સંવિધાનની સુરક્ષા કાજે રાજકોટના પાદરે આવ્‍યો છું. દીકરીઓને લગાડેલા દાગને ભુંસવા આવ્‍યો છું. ભાજપનો સુર્ય સોળે કળાએ ખીલ્‍યો, છતાં અઢારેય વરણ તકલીફ ભોગવે છે. તમારા બાપ-દાદાએ ચુકવેલું ઋણ ચુકવવા આવ્‍યો છું. દીકરીઓની આંખમાં આંસુ જોયા, રાજકોટનો કોંગ્રેસનો પરીવાર આંગળી પકડી અહી લઇ આવ્‍યો છે. ગુજરાત ભાજપમાં દાવાનળ છે. અહંકારી માછલીની આંખ વિંધવા રાજકોટ આવ્‍યો છું. ડ્રગ્‍સનો દરવાજો બંધ કરવા આવ્‍યો છું. અંગ્રેજો સામેની પહેલી લડાઇનું નેતૃત્‍વ ગુજરાતે લીધું હતું. ગુજરાતને ફરી આઝાદી અપાવવા રાજકોટ આવ્‍યો છું.

ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, લોકસભાની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વર્ગવિગ્રહનું કાવતરૂ ઘડયું છે. કોઇએ કહયું કે, દીકરીઓના દામનને દાગ લગાડી ભાજપે મહાભારત બનાવ્‍યું છે. એક અભિમન્‍યુ સાતમા કોઠે અટકી ગયો હતો. રાજકોટ પણ મને આગળ મોકલશે. સ્‍વાભિમાન યુધ્‍ધનો આજે શંખનાદ કર્યો છે. સતાના અહંકાર સામે સામાન્‍ય માણસના સ્‍વાભિમાનની લડાઇ છે. રાજકોટનાં マદયને જીતવા આવ્‍યો છું.

આ સભામાં શકિતસિંહ ગોહિલ - પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ સમિતિ, ઇશુદાનભાઇ ગઢવી - પ્રદેશ પ્રમુખ ગુજરાત આમ આદમી પાર્ટી સમિતિ, જગદીશભાઇ ઠાકોર - પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, સિધ્‍ધાર્થભાઇ પટેલ - પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પરેશભાઇ ધાનાણી - ઉમેદવાર રાજકોટ લોકસભા-૧૦ મત વિસ્‍તાર, લલીતભાઇ કગથરા - કાર્યકારી અધ્‍યક્ષશ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જીજ્ઞેશભાઇ મેવાણી કાર્યકારી અધ્‍યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ધારાસભ્‍ય, વિમલભાઇ ચુડાસમા - ધારાસભ્‍ય વેરાવળ-સોમનાથ, હેમંતભાઇ ખવા - ધારાસભ્‍ય જામજોધપુર, પુંજાભાઇ વંશ પ્રભારી લોકસભા ઇન્‍ચાર્જ, ભીખુભાઇ વારોતરીયા પ્રભારી લોકસભા ઇન્‍ચાર્જ, એમ.જે.પીરજાદા - પૂર્વ ધારાસભ્‍ય વાંકાનેર, પ્રતાપભાઇ દૂધાત - પૂર્વ ધારાસભ્‍ય સાવરકુંડલા, કનુભાઇ બારૈયા - પૂર્વ ધારાસભ્‍ય તળજા, બીપેન્‍દ્રસિંહ જાડેજા - પ્રભારી લોકસભા ઇન્‍ચાર્જ મહામંત્રી, દિલીપસિંહ વાઘેલા - પ્રભારી રાજકોટ લોકસભા આમ આદમી પાર્ટી, મનુભાઇ પટેલ - પ્રભારી જીલ્લા કોંગ્રેસ સમિતિ, અતુલ રાજાણી - પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, દિનેશભાઇ જોશી - પ્રમુખ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી, શૈલેષભાઇ કપુરીયા, તેજસ ગાજીપરા, સંજયભાઇ અજુડિયા, ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂ, પીરજાદા, ડો. હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, અજીતભાઇ લોખીલ, અશોકભાઇ ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, મહેશભાઇ રાજપૂત, ગોપાલભાઇ અનડકટ,  સુરૂભા જાડેજા, નિલેશ મારૂ, મનસુખભાઇ કાલરીયા, હિતેશભાઇ વોરા, સુરેશભાઇ બથવાર, ભોળાભાઇ ગોહેલ, પ્રદિપભાઇ ત્રિવેદી, શિવલાલભાઇ બારસીયા, અશોકસિંહ વાઘેલા, રાજદીપસિંહ જાડેજા, નરેન્‍દ્ર સોલંકી, મુકેશ ચાવડા, આદિત્‍યસિંહ ગોહિલ, ભાનુબેન સોરાણી, નિદત બારોટ, વશરામભાઇ સાગઠીયા, ધરમભાઇ કામલીયા, નરેશભાઇ સાગઠીયા, હરદીપ રાજપૂત, દિપ્‍તીબેન સોલંકી, હરપાલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ રાણા, યુનુસભાઇ જુણેજા, રોહિત રાજપૂત, ચિંતન દવે, અશીશભાઇ વાઢેર, રણજીતભાઇ મુંધવા, નીલેશ વિરાણી, ઘનશ્‍યામભાઇ મકવાણા સહિતના આગેવાનો - કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

 કોંગ્રેસની સભામાં શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ગુંજી

રાજકોટ : શહેરના બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસના જન સ્‍વાભિમાન સંમેલન દરમિયાન લાઇટ ગુલ થઇ જતા સ્‍ટેજ પર બેઠેલા કોંગ્રેસ નેતાઓ - આગેવાનો દ્વારા શ્રી રામ જય રામ જય જય રામની ધૂન લલકારી હતી. ઉપસ્‍થિત વિશાળ જનમેદનીએ પણ પ્રભુ રામની ધૂન ઝીલી હતી.

કોંગ્રેસની સભામાં લાઇટ ગુલ : ભાજપ હાર ભાળી જતા કળા : ચર્ચા

રાજકોટ : કોંગ્રેસના જન સ્‍વાભિમાન સંમેલન દરમિયાન લાઇટ ગુલ થઇ ગઇ હતી. ત્‍યારે ઉપસ્‍થિત નેતાઓ અને કાર્યકરોમાં ભાજપ હાર ભાળી જતા કળા કરી હોવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. જો કે થોડીવારમાં જ લાઇટ પરત ફરતા સંમેલન પૂર્વવત ચાલવા લાગ્‍યું હતું.

 

(4:32 PM IST)