તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 19th April 2024
રાજકોટમાં મવડી ચોકડી પાસેના ભાજપ કાર્યાલય ખાતે રાતે ડખ્ખાની વાતે પોલીસને દોડવું પડયું
ઉપરની દિવાલને પગ અડી જતાં બેલા પડયાઃ ચારેક શખ્સો કારમાં ભાગતાં નંબરના આધારે તપાસઃ કોઇ ફરિયાદ થઇ નર્થીઃ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસેના કાર્યાલયના પરદાને આગ લગાડવામાં આવ્યા બાદ વધુ એક છમકલુ?

રાજકોટ તા. ૧૯: શહેરની લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પુરૂષોત્તમભાઇ રૂપાલાએ ફોર્મ ભરી દીધુ છે અને તેઓ ભરપુર પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ તેમણે ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટીપ્પણીનો તેમણે માફી માગી લીધા બાદ પણ સતત વિરોધ થઇ રહ્યો છે. આ વચ્ચે પરમ દિવસે રાતે રૈયા રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીકના ભાજપ કાર્યાલયના પરદાને કોઇએ આગ લગાડી નુકસાન પહોંચાડયાની તસ્વીરો વહેતી થઇ હતી. ત્યાં ફરી એક વખત છમકલુ થયું છે. હવે મવડી ૧૫૦ રીંગ રોડ પર આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે રાત્રીના ચારેક શખ્સો ડખ્ખો કરવા આવ્યાની વાત પોલીસની ગાડીઓ દોડી ગઇ હતી. જો કે શકમંદો ભાગી ગયા હતાં. આ મામલે કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
જાણવા મળ્યા મુજબ મવડી ચોકડી નજીક વિધાનસભા ૭૧ મધ્યસ્થ કાર્યાલય ખાતે રાતે કારમાં આવેલા ચાર શખ્સો માથાકુટ કરી ભાગી ગયાની વાતે તાલુકા પોલીસ, માલવીયાનગર પોલીસના અધિકારીઓ, પીસીઆર વેન સાથે પોલીસ કાફલો દોડી ગયો હતો. કાર્યાલય ખાતે કાર્યકરો ચર્ચા કરી રહ્યા હતાં એ સમયે ચારેક શખ્સો બિલ્ડીંગ ઉપર ચડી ગયા હતાં અને ત્યાં આવેલી બેલાની પાળીને પગ અડી જતાં કેટલાક બેલા નીચે પડી ગયા હતાં.
બનાવને પગલે માલવીયાનગર પીઆઇ સહિતની ટીમ પહોંચી હતી. પણ હદ તાલુકા પોલીસની હોઇ બાદમાં ત્યાના પીઆઇ પણ પહોંચ્યા હતાં.
જો કે પોલીસ તપાસમાં એ શખ્સોએ કાર્યકરો સાથે કોઇ માથાકુટ કરી નહોતી. ગણતરીની મિનીટોમાં જ તે નીકળી ગયા હતાં. આ મામલે કોઇ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. આમ છતાં એ શખ્સોનો ઇરાદો શું હતો? તે જાણવા પોલીસે કારના નંબરને આધારે તેને શોધી કાઢવા કવાયત આદરી હતી.
કદાચ એ શખ્સો નશાખોર હોવાની પણ ચર્ચા થઇ રહી હતી. રૂપાલા હટાવ ઝુંબેશ વચ્ચે સતત બે દિવસ ભાજપ કાર્યાલયો પણ છમકલા થતાં ચર્ચા જાગી છે. બંને કિસ્સામાં વિધીસર કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. તસ્વીરમાં વિધાનસભા ૭૧ કાર્યાલય ખાતે ચાર શકમંદોએ માથાકુટ કર્યાની વાતે પહોંચી ગયેલી પોલીસ અને કાર્યાલયે કાર્યકરો જોઇ શકાય છે.
(4:40 PM IST)










