તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 22nd April 2024
રવિવારે કુકીંગ શો-કુકીંગ કોમ્પીટીશન
ચાર વિભાગમાં આયોજન : ઉંમરનો કોઇ બાધ નથી : ભાગ લેનાર તમામને શ્યોર ગીફટ

રાજકોટ તા. ૨૨ : નલીન એન્ટરપ્રાઇઝ, રાઇઝીંગ ઇન્ડીયા અને સ્વ. ગુણવંતભાઇ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. ૨૮ ના રવિવારે રાજકોટ ખાતે કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૨૮ ના રવિવારે બપોરે ર વાગ્યે ગીતાંજલી હોલ, ભક્તિનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે અલગ અલગ ચાર વિભાગમાં કુકીંગ કોમ્પીટીશન થશે.
જેમાં ‘એ' ગ્રુપમાં ગરમા ગરબમ વાનગીઓ એટલે કે કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ વગેરે રજુ કરવાની રહેશે. જયારે ‘બી' ગ્રુપમાં ઠંડી વાનગીઓ જેમ કે કેક, મીઠાઇ, આઇસ્ક્રીમ વગેરે અને ‘સી' ગ્રુપમાં સ્પોન્સર ચોઇસની વાનગીઓ રહેશે. એજ રીતે ‘ડી' ગ્રુપમાં જૈન સ્પેશ્યલ, મિલેટ સ્પેશ્યલ, ફરાળી સ્પેશ્યલ કે અન્ય કોઇપણ વાનગીઓ બનાવીને ભાગ લઇ શકાશે.
સ્પર્ધક એક થી વધુ વિભાગમાં ભાગ લઇ શકશે. ઉમરનો પણ બાધ નથી. કોઇપણ ઉંમરની કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકશે. આ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન માટે મો.૯૮૨૫૧ ૫૮૪૮૫ અથવા ૦૨૮૧- ૨૨૨૩૨૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. એન્ટ્રી ફી ટોકન રૂ.૧૦૦ રાખેલ છે. સામે તમામ ભાગ લેનારને શ્યોર ગીફટ અને વિજેતાઓને વિશેષ ગીફટ અપાશે. ચારે ચાર વિભાગમાં એક થી ત્રણ અને એક કોન્સોલેશનને ગીફટ અપાશે. એક ગ્રાન્ડ વીનર પણ જાહેર કરાશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ધૈરવભાઇ શાહ, હર્ષિલભાઇ શાહ, શ્રીમતી દમયંતિબેન મહેતા સાથે ટીમના શ્રીમતી ભુમિકાબેન શાહ, શ્રીમતી ભાવિબેન મોદી, શ્રીમતી સોનલબેન શાહ, અનીતાબેન બાલવાણી, ભુમિબેન અઘારા, રીયાબેન લોલીયાણી, સાક્ષીબેન મોદી, શ્રીમતી સોનીબેન વખારીયા, પરાગભાઇ લોલારીયા, રવિભાઇ સુરાણી, પૂર્વીશભાઇ વડગામા, નીકુંજભાઇ ઉમરેટીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા કુકીંગ કોમ્પીટીશનના આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:54 PM IST)










