<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

ધોરણ-૧૨ના છાત્રને શિક્ષકે ફડાકા મારી દેતાં કાનનો પરદો ફાટી ગયો

મોદી સ્‍કૂલમાં બનાવઃ રિેશેષમાં કેલીશ (ઉ.વ.૧૭) નાસ્‍તો કરતી વખતે મિત્ર સાથે મજાક કરતો હોઇ શિક્ષક જોઇ જતાં બંનેને ફટકાર્યાઃ કેલીશને વધુ ઇજા થતાં સારવાર લેવી પડી પિતા મનોજભાઇ સુરેજાએ કહ્યું-ડોક્‍ટરના નિદાન મુજબ ચાર પાંચ મહિનાની સારવાર બાદ સારુ ન થાય તો ઓપરેશન આવેઃ પ્રિન્‍સીપાલને રજૂઆત કરીશું

રાજકોટ તા. ૨૭: શહેરના લક્ષ્મીનગરના નાલા નજીક ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં આવેલી પી. વી. મોદી સ્‍કૂલમાં ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતાં છાત્રને શિક્ષકે ફડાકા ઝીંકી દેતા વિદ્યાર્થીનો કાનનો પરદો ફાટી જતાં સારવાર માટે દાખલ કરવો પડયો હતો. રિશેષમાં આ છાત્ર સહપાઠી સાથે નાસ્‍તો કરવા બેસવા બાબતે મજાક મશ્‍કરી કરતો હતો ત્‍યારે શિક્ષકે બંનેને મારકુટ કરી હતી. જેમાં આ છાત્રનો કાનનો પરદો ફાટી ગયો હતો. તબિબે ચારથી પાંચ મહિનાની સારવાર બાદ જો કાનનો પરદો સાજો ન થાય તો ઓપરેશન કરાવવું પડશે તેમ કહ્યું હતું. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

પ્રાપ્‍ત વિગત મુજબ કાલાવાડ રોડ નજીક પુષ્‍કરધામમાં રહેતાં અને મોદી સ્‍કૂલમાં ધો. ૧૨ માં અભ્‍યાસ કરતાં કેલીશ મનોજભાઈ સુરેજા  (ઉ.વ.૧૭)ને સાંજે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેને કાનમાં દુઃખાવો થતો હોવાની અને સાંભળવામાં તકલીફ થતી હોવાની વાત તબિબ સમક્ષ કરવામાં આવતાં તેમજ સ્‍કૂલમાં શિક્ષક દિપશેભાઇએ લાફા મારી દીધાનું કહેવાતાં તબિબે પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે માલવીયાનગર પોલીસમાં નોંધ કરાવી હતી. દિપેશ એક બહેનથી મોટો છે. તેના પિતા મનોજભાઇ સુરેજા કેબલ કનેક્‍શનનું કામ કરે છે. તેમણે જણાવ્‍યું હતું કે મારો પુત્ર કેલીશ અને બીજો એક છાત્ર રિશેષ દરમિયાન નાસ્‍તો કરવા બેસવા માટે મજાક મશ્‍કરી કરતાં હતાં ત્‍યારે શિક્ષક દિપેશભાઇ જોઇ જતાં તેણે બંનેને મારકુટ કરી હતી. જેમાં મારા  દિકરાને કાન પર લાફા ફટકારાયા હોઇ તેને દુઃખાવો ચાલુ થઇ ગયો હતો. અમે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરતાં તબિબે નિદાન કરી કાનનો પરદો તૂટી ગયાનું અને ચાર પાંચ મહિના બાદ દવાથી સારુ ન થાય તો ઓપરેશન આવશે તેમ કહ્યું હતું. મનોજભાઇએ જણાવ્‍યું હતું કે અમે પ્રિન્‍સીપાલને આજે રજૂઆત કર્યા બાદ આગળની કાર્યવાહી કરશું. પોલીસમાં હાલ કોઇ ગુનો દાખલ કરવામાં આવ્‍યો નથી.

 

 

 

(12:13 PM IST)