<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

વિશાલે રિસામણે ગયેલી પત્‍નિ સરોજ અને વચ્‍ચે પડેલા સાળાને છરીના ઘા ઝીંક્‍યા

ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં બનાવઃ પતિ વિશાલના ત્રાસથી સરોજ બે દિવસ પહેલા ભાઇ જીતુના ઘરે આવી ગઇ હતીઃ રાતે નશો કરી વિશાલે મિત્રો સાથે મળી હુમલો કર્યો

 

રાજકોટ તા. ૨૭: રામનાથપરા પુલ નજીક ભાણજીબાપાની દેરી પાસે રહેતાં શખ્‍સે ગત રાતે ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક માલધારી સોસાયટીમાં પોતાના સાળાના ઘરે જઇ ત્‍યાં પોતાની પત્‍નિ રિસામણે હોઇ તેના પર છરીથી હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં અને વચ્‍ચે પડેલા સાળાને પણ લોહીલુહાણ કરી નાખતા ભાઇ-બહેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ માલધારી સોસાયટીમાં રહેતાં અને ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવતાં જીતુ વલ્લભભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) તથા તેની બહેન સરોજ વિશાલ સોલંકી (ઉ.વ.૨૯)ને રાતે ત્રણેક વાગ્‍યે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં બંને પર છરીથી હુમલો થયાનું જણાવાતા તબિબે હોસ્‍પિટલ પોલીસ ચોકીમાં જાણ કરતાં રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી જીતુએ જણાવ્‍યું હતું કે મારી બહેન સરોજને અગાઉ રામનાથપરા પુલ પાસે રહેતો વિશાલ કિશનભાઇ સોલંકી ભગાડી ગયો હતો અને લગ્ન કરી લીધા હતાં. તેણીને એક પુત્ર છે. વિશાલને અગાઉની પણ એક પત્‍નિ ચાંદની છે. જે પણ તેની સાથે જ રહે છે. બનેવી વિશાલ મારી બહેન સરોજને મારકુટ કરતો હોઇ જેથી તે બે દિવસ પહેલા મારા ઘરે રિસામણે આવી ગઇ હતી. આ વાતનો ખાર રાખી મોડી રાતે વિશાલ અને તેની સાથેના શખ્‍સો દારૂ ઢીંચીને મારા ઘરે આવ્‍યા હતાં અને મારી બહેન સરોજને તું કેમ તારા માવતરે આવી ગઇ? કહી તેની સાથે ઝઘડો કરી મારકુટ કરી હતી અને છરીના ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં હું વચ્‍ચે પડતાં મને પણ આડેધડ ઘા માર્યા હતાં.

બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એસ. એન. શિયોરાએ જીતુની ફરિયાદ પરથી તેનના બનેવી વિશાલ તથા તેના કાકાના દિકરા અજુ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

(12:14 PM IST)