News of Saturday, 27th April 2024
૧૦૦ પેટેન્ટ ફાઇલ કરતી મારવાડી યુનિવર્સિટી
સહાયક સીસ્ટમને પ્રોત્સાહન આપવા પત્રકાર પરિષદમાં ટ્રસ્ટી ધ્રુવ મારવાડીની પ્રતિબધ્ધતા

રાજકોટ : મારવાડી યુનિવર્સિટી દ્વારા ૧૦૦ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં માહિતી આપતા ટ્રસ્ટી ધ્રુવ મારવાડી, ડીન ડો. નરેશ જાડેજા, ડો. આર.બી.જાડેજા, ડો. અમીત સાતા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૭ : મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્કયુબેશન એન્ડ રીસર્ચ (MUIIR) મારફતે ભારતના ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્રન હાંસલ કરીને વર્લ્ડ આઇપી ડે ૨૦૨૪ની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી કરવા માટે ૧૦૦ પેટેન્ટ્સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ઘતાનું પાલન કર્યું છે.
પત્રકાર પરિષદમાં ડીન ડો. જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં નવીનીકરણને પોષવા અને પ્રોત્સાહન આપવા માટે IPR પ્રોટેકશનના મહત્ત્વને માન્યતા આપવા માટે મારવાડી યુનિવર્સિટીએ કેટલાક સક્રિય પગલાં લીધાં છે, જેથી કરીને આ ઇવેન્ટ મારફતે પેટેન્ટ્સના ફાઇલિંગ અને મંજૂરી આપવાની પ્રક્રિયા અંગે જાગૃતિ ફેલાવી શકાય તથા તેને સુવિધાજનક બનાવી શકાય. વર્લ્ડ આઇપી ડે ૨૦૨૪ના રોજ ૧૦૦ પેટેન્ટ્સ ફાઇલ કરાવવી એ ફકત એક પ્રતીકાત્મક કાર્ય નહોતું પરંતુ તે તો યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્થાપવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને અનુરૃપ રહીને નવીનીકરણને આગળ વધારવા મારવાડી યુનિવર્સિટી કટીબધ્ધ છે. આ પેટેન્ટ્સ હેલ્થકેર, સેનિટેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર અને કલાઇમેટ એકશન સહિતના વિવિધ ક્ષેત્રોના ગંભીર પડકારોને ઉકેલવા માટેના ઉપાયોની વૈવિધ્યપૂર્ણ શ્રેણી પૂરી પાડે છે.
પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, આવા કેટલાક નોંધપાત્ર નવીનીકરણોમાં આયુર્વેદના સિદ્ઘાંતોનું પાલન કરનારી અને ઇમેજ પ્રોસેસિંગ પર આધારિત ડીસીઝ ડીટેકશન સિસ્ટમ, મૂત્રમાર્ગના ચેપની સારવાર કરવા માટે અને વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે કૃષિ અવશેષોનો ઉપયોગ કરનારું પોર્ટેબલ યુરિનેશન ડીવાઇઝ તથા દર્દીની સારવાર કરતી વખતે નિયંત્રિત વાતાવરણને જાળવી રાખવા માટેના હોસ્પિટલ બેડ સીટનો સમાવેશ થાય છે.
વધુમાં મારવાડી યુનિવર્સિટીએ સ્ટ્રોક રીહેબિલિટેશન માટે ઇલેકિટ્રકલ સ્ટિમ્યુલેટર, પાણીના શુદ્ઘિકરણ માટે નેનો-સેલ્યુલોઝ ફાઇબર્સ અને ખેતીની ઊપજમાં નોંધપાત્ર વધારો કરવા માટે સ્માર્ટ એગ્રીકલ્ચર સિસ્ટમ જેવી ક્રાંતિકારી ટેકનોલોજીઓ પણ વિકસાવી છે.મારવાડી યુનિવર્સિટીએ આ નવીન ઉકેલો અને આઇપીઆરને રસ ધરાવતા ઉદ્યોગો, સંસ્થાઓ તેમજ સમાજને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૃ કરી છે. આઇપીઆરના સ્વરૃપમાં રહેલી આ પ્રકારની કેટલીક ટેકનોલોજીઓને રસ ધરાવતા ઉદ્યોગોને તેમજ સંસ્થાઓને પણ ટ્રાન્સફર કરવામાં આવી છે, જેના પરિણામે ઇનોવેટર્સને આવક પણ મળવા લાગી છે. યુનિવર્સિટીએ રાજય સરકારના સ્ટુડેન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ (એસએસઆઇપી)ની સાથે ભેગા મળીને પેટેન્ટ્સને ફાઇલ કરવા માટે રૃ. ૧૮ લાખ ખર્ચ્યા હતા. મોટાભાગના પેટેન્ટ્સ ફેકલ્ટી ઓફ એન્જિનીયરિંગ દ્વારા શરૃ કરવામાં આવી હતી.
મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી શ્રી ધ્રુવ મારવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'મારવાડી યુનિવર્સિટી ખાતે અમે નવીનીકરણ અને ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટીના સંરક્ષણ માટેની એક સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ઘ છીએ. સંશોધન અને નવીનીકરણમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાના યુનિવર્સિટીના અથાક પ્રયત્નો પેટેન્ટ્સ મેળવવાના અને સામાજિક પ્રભાવ પાડવાના અમારા પ્રયાસોમાં જોઈ શકાય છે. વર્લ્ડ આઇપી ડેની ઉજવણી જેવી પહેલ મારફતે અમારો ઉદ્દેશ્ય ઇનોવેટર્સની એક નવી પેઢીને પ્રેરિત કરવાનો છે, જેઓ આપણાં સમાજમાં એક હકારાત્મક પરિવર્તન લાવી શકે.'
(12:16 PM IST)










