<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

રજપૂતપરામાં રાજેશભાઇ ચોૈહાણે સુડાથી ગળુ કાપી આપઘાત કર્યો

બેંકમાંથી ૧૫ લાખની લોન લીધા બાદ દેણું થઇ જતાં પગલું : ઘર પાસે સોપારી કાપવાનું કામ કરતાં મિત્રની દૂકાને જઇ મિત્રને ચા લેવા મોકલી તેના સોપારી કાપવાના સુડાથી જિંદગી ટૂંકાવી લીધીઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૭: રજપૂતપરા શેરી નં. ૨માં રહેતાં રાજેશભાઇ બટુકભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢે સાંજે ઘર નજીક આવેલી મિત્ર સુરેશભાઇ કરસનભાઇ ચોૈહાણની દૂકાનમાં જઇ તેને ચા લેવા મોકલી બાદમાં સોપારી કાપવાના સુડાથી પોતાનું ગળુ કાપી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. રાજેશભાઇએ બેંકમાંથી લોની લીધી હોઇ વ્યાજ સહિત ચડત થઇ પંદરેક લાખનું દેણું થઇ જતાં આ પગલુ ભરી લીધાનું ખુલ્યું હતુંં.

આ ઘટનાની જાણ થતાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ ગામેતી, રાઇટર મનહરસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. એસીપી પણ પહોંચ્યા હતાં. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે  આપઘાત કરનારા રાજેશભાઈ ચૌહાણને સંતાનમાં એક પુત્ર મયૂરભાઈ અને પુત્રી પ્રિયંકાબેન છે. રાજેશભાઈ  ટિફિન સર્વિસનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. થોડા સમય પહેલા રાજેશભાઈએ બેંકમાંથી લોન લીધી હતી અને લોનના વ્યાજ સહિત અંદાજે પંદરેક લાખનું દેણું થઈ ગયું હતું. લાખોના દેણાને કારણે ત્રણેક દિવસથી રાજેશભાઈ ચિંતામા રહેતાં હતાં.

દરમિયાન ગઇકાલે શુક્રવારે સાંજે તેઓ નિત્યક્રમ મુજબ ઘર નજીક જ આવેલી મિત્ર સુરેશભાઇ ચોૈહાણની સોપારી કટીંગની દૂકાને બેસવા ગયા હતાં.  થોડીવાર પછી સુરેશભાઈ ચા લેવા ગયા હતા અને ચા લઇને પરત ફર્યા ત્યારે દ્રશ્ય જોઇ હેબતાઇ ગયા હતા. કારણ કે તેની સામે મિત્ર રાજેશભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા અને તેમના ગળા પર સોપારી કાપવાનો સૂડો પડયો હતો. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આજે સવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. દેણામાં ડુબી જવાને લીધે આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.

(4:10 PM IST)