તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
ભર ઉનાળે ચાર વોર્ડમાં પાણીના ધાંધીયા : સાત કલાક મોડુ પાણી વિતરણ : દેકારો
ગોંડલ હાઇવે પર સેમડા ગામ પાસે મેન વાલ્વમાં ભંગાણ સર્જાતા વોર્ડ નં. ૭, ૧૩, ૧૪, ૧૭ના સહકારનગર, ખોડીયાર નગર, સત્યનારાયણ સોસા, લાલબહાદુર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ ઉપર અસર

રાજકોટ,તા.૨૭ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી શહેરીજનો અસહ્ય ગરમીનો તાપ સહન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે ચાર વોર્ડનાં હજારો લોકો પાણી વિતરણના ધાંધીયાના કારણે હેરાન પરેશાન થતા લોકોમાં દેકારો મચી જવા પામ્યો છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ એટલે પાણી પૂરૂં પાડવા આજી ડેમ-૧, ન્યારી ડેમ-૧ અને ભાદર ડેમ-૧ સહિતના ત્રણ જળાશયો નો સહારો લેવામાં આવે છે.
ત્યારે જો કોઈ ટેકનીકલ ખામી સર્જાય તો પાણી વિતરણ વ્યવસ્થા પર સીધી અસર જોવા મળે છે. શહેરના ગોંડલ રોડ ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ભાદર ડેમ મારફતે રાજકોટમાં દૈનિક ૪૦ એમ.એલ.ડી જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગોંડલ હાઈવે પાસે સેમડા ગામ પાસે ૮૬૨ ડાયામીટરની લાઈનના મેઈન વાલ્વમાં ભંગાણ થતા રિબડા ખાતેના સ્ટેશનમાં પાણી સ્ટોરેજ ન થતા જેના કારણે આજે શહેરના લાલ બહાદુર પમ્પિંગ સ્ટેશન હેઠળ ના વોર્ડ નં. ૭, ૧૩, ૧૪,૧૭ ના સહકાર નગર, ધારેશ્વર સોસાયટી, લાલ બહાદુર સોસાયટી સહિતના વિસ્તારોમાં સાત કલાક પાણી વિતરણ મોડું થતા દેકારો બોલી જવા પામ્યો હત.
મનપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ આ ઉપરોક્ત વિસ્તારોમાં સાત કલાક પાણી વિતરણ મોડું કરવામાં આવ્યુ હતુ. આ વિસ્તારોમાં સવારે સવારના ૪ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે.
(4:13 PM IST)










