<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

રાષ્‍ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્‍યે કાલે મહાતપોત્‍સવ-દીક્ષા મહોત્‍સવ

દીક્ષાર્થીની મહાભિનિષ્‍ક્રમણ યાત્રા અને મહાતપસ્‍વીની સન્‍માન યાત્રા પેરેડાઇઝ પરિવારના આંગણેથી પ્રારંભ થઇને જુહુના રાજમાર્ગોને ગજવશે

 

રાજકોટ,તો ૨૭: અખંડ ૧૦૦૮ આયંબિલ તપ આરાધિકા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્‍યા પૂજય શ્રી પરમ સૌમ્‍યાજી મહાસતીજીના પારણા અવસર - મહાતપોત્‍સવ તેમજ સમગ્ર સંસાર ત્‍યજીને દીક્ષા અંગિકાર કરવા થનગની રહેલાં દીક્ષાર્થી મુમુક્ષુ યશ્વીબેન મહેન્‍દ્રભાઈ નંદુનો દીક્ષા મહોત્‍સવ આવતીકાલ ૨૮ને રવિવાર સવારના ૮:૩૦ કલાકે મુંબઈના વિલેપાર્લે સ્‍થિત માલીનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હોલ, ઋતંભરા કેમ્‍પસ, જે.વી.પી.ડી. સ્‍કીમ ખાતે યોજાશે. સમગ્ર સ્‍થાનકવાસી સમાજમાં પ્રથમવાર આવી ઉગ્ર તપસાધના કરનારા મહાતપસ્‍વી મહાસતીજીના તપનું સન્‍માન કરતી ‘તપ સન્‍માન યાત્રા' તેમજ દીક્ષાર્થીની ‘મહાભિનિષ્‍ક્રમણ યાત્રા' આવતીકાલ સવારે ૭ કલાકે શ્રી વાડીલાલભાઈ મોહનલાલ શાહ (પેરેડાઇઝ પરિવાર) હસ્‍તે શીલાબેન ચંદ્રકાંતભાઈ શાહના નિવાસસ્‍થાન પેરેડાઇઝ ટાવર, જુહુ સ્‍કીમ ખાતેથી પ્રારંભ થઈને ત્‍યાગનો જયકાર કરતી, ઋતંભરા કેમ્‍પસ ખાતે પધારશે.

આ અવસરે મુમુક્ષુ આત્‍મા પોતાના સંસાર જીવનનું અંતિમ વક્‍તવ્‍ય આપીને પોતાના અંતરની સંયમ ભાવનાને અભિવ્‍યક્‍તિ કરીને, માતા-પિતા ગુરુવર્યો આદિ ઉપકારી તત્ત્વો પ્રત્‍યે ઉપકાર વેદન કર્યા બાદ વેશ પરીવર્તન કરશે. મુમુક્ષુ આત્‍માને પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા મંત્ર અને રજોહરણના દિવ્‍ય દાનની અર્પણતા સાથે એમનો સંયમ જીવનમાં મંગલ પ્રવેશ કરાવવામાં આવશે. બીજી તરફ, અખંડ ૧૦૦૮ દિવસ સુધી માત્ર લૂખા - સૂકા આહાર સાથેની આયંબિલ તપની અજોડ આરાધના કરનારા મહાતપસ્‍વી પૂજય મહાસતીજીને લાખો ઘરોમાંથી અર્પણ કરવામાં આવેલી સાકરના જળથી ગુરુ ભગવંતના શ્રીહસ્‍તે, હજારો ભાવિકોની અનુમોદનાના પ્રસરતા ભાવો વચ્‍ચે પારણા કરાવીને એમની તપ સાધનાને વિરામ આપવામાં આવશે.

(4:14 PM IST)