તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
રતનપરનું ગુરૂકુલ કન્યાઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બનશેઃ નિર્માણ કાર્ય નિહાળતા રાજકોટ-સુરતના દાનવીરો
ચૈતન્ય સ્વરૂપ સ્વામીના વ્યાસાસને યોજાયેલ ભાગવત કથાની પૂર્ણાહુતી : ઉદ્યોગપતિ લાલજીભાઇ પટેલ, રાકેશ દુધાત વગેરેનું સંતોના હસ્તે સન્માન

રાજકોટ, તા., ૨૭: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે વકતા શ્રી ચૈતન્ય સ્વરૂપ સ્વામીએ ભાવવાહી શૈલીમાં કંસ ઉદ્ધારની કથા દ્વારા કૃષ્ણ પોતે ગાદી પર ન બેસી કંસના પિતા ઉગ્રસેનને ગાદી સોંપી વડીલો પ્રત્યેનું સન્માન પ્રસ્થાપિત કર્યાનું જણાવ્યું હતું.
ભાગવત સપ્તાહ ની પૂર્ણાહુતિમાં સુરતના ડાયમંડ કિંગ ગણાતા લાલજીભાઈ પટેલ( ધર્મનંદન ડાયમંડ ), રાકેશભાઈ દુધાત અને ઘનશ્યામભાઈ કથીરિયા (શ્રી હરિ ગ્રુપ), મનસુખભાઈ સોરઠીયા (રીયલ ગ્રુપ ), જયભાઈ ટીલાળા(સંસ્કાર ગ્રુપ ), જેનીશભાઈ રાદડિયા (ધર્મનંદન ટેક્નો કાસ્ટ), સમીરભાઈ હાસલિયા (આસોપાલવ ગ્રુપ), પુનિતભાઈ ચોવટીયા (યુનિટી સિમેન્ટ ), નવીનભાઈ કોટડીયા (યુ લાઇન ગ્રુપ ), ભરતભાઈ ભુવા (ઓલી ઓર્ગેનિક ), વલ્લભભાઈ લીંબાસીયા( ગજાનંદ ટ્રાન્સપોર્ટ), જીગ્નેશભાઈ માલવિયા (બ્રાઇટ કિચનવેર) વગેરે ઉદ્યોગપતિઓ હાજર રહીને મોરબી રોડ ઉપર કાગદડી ખાતે નવા આકાર લઇ રહેલા સ્વામિનારાયણ કન્યા ગુરુકુલમાં પોતાની સદ્દસંપત્તિ નો ઉપયોગ કરી ભવિષ્યમાં દીકરીઓ માટે ઉત્તમ જીવન ઘડતરનું સ્થાન બને તેવી ભાવના વ્યકત કરી હતી.
વૃંદાવન ગ્રુપના મોભી શ્રી વસંતભાઈ લીંબાસીયા એ કન્યા ગુરુકુલ માટે હાઈવે ટચ ૧૮ વીઘા જેટલી જમીન કન્યા ગુરુકુલ માટે અર્પણ કરી છે. તેમનું ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી દ્વારા ખેસ પહેરાવીને અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદજી સ્વામી દ્વારા સાફો બાંધીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે વસંતભાઈએ પોતાના વકૃત્વમાં નવા આકાર લઈ રહેલા કન્યા ગુરુકુલ વિશે ઝલક આપતા જણાવ્યું હતું કે, ૧૮ વીઘામાં બની રહેલા કન્યા ગુરુકુલના સંકુલ માં ૩,૨૫,૦૦૦ સ્કવેર ફૂટનું બાંધકામ થશે. સાત માળના છાત્રાલયમાં ૧૨૦ રૂમ હશે. તેમજ સ્કૂલ બિલ્ડિંગમાં ૯૦ રૂમ હશે. જેમાં સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, મિકેનિકસ લેબ હશે. આ બિલ્ડિંગમાં વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવશે જેમાં દરેક વિષયના દેશ દુનિયાના પુસ્તકો પ્રાપ્ત થઈ શકશે. દીકરીઓના શારીરિક વિકાસ માટે આધુનિક જીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત ફૂટબોલ ગ્રાઉન્ડ, ટેનિસ ગ્રાઉન્ડ અને ખોખો, કબડી વગેરેના ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દીકરીઓના માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ માટે વૈદિક મેથ્સ અને મેમરી વિકાસ વિભાગ રાખવામાં આવશે.
તેમણે દીકરીઓના જીવનના ઘડતર માટે સપ્તપદી દ્વારા શારીરિક, માનસિક, ભાવાત્મક, સાંસ્કૃતિક, રાષ્ટ્રભકિત અને આધ્યાત્મિક વિકાસનો રોડ મેપ રજૂ કર્યો હતો. આ તકે વસંતભાઈએ બાંધકામમાં દેખરેખ રાખતા કાનજી ભગત સહિત ભાગવત સપ્તાહને સફળ કરવા માટે ગુરુકુલના સ્વયંસેવકોનો અને સમગ્ર રાજકોટની જનતાનો આભાર માન્યો હતો.
સુરતના અને રાજકોટના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓએ મોરબી રોડ પર બની રહેલા કન્યા ગુરુકુલની મુલાકાત લઇ બાંધકામ અંગે સંતોષ વ્યકત કર્યો હતો.
(4:19 PM IST)










