News of Wednesday, 1st May 2024
નવલનગરનો જમીન-મકાનનો ધંધાર્થી સાગર વાંક પિસ્તોલ કાર્ટીસ સાથે ઝડપાયો
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા, એએસઆઇ બી. જે. જાડેજા, આર. બી. જાડેજા, ભરતભાઇ વનાણીની ટીમે પકડી લીધોઃ શોખ માટે રાખ્યાનું રટણ

રાજકોટ તા. ૧: શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક વખત ગેરકાયદે હથીયાર સાથે એક શખ્સને પકડી લીધો છે. નવલનગર-૬ મવડી રોડ પર રહેતાં અને જમીન મકાન લે-વેંચનો ધંધો કરતાં સાગર દેવાણંદભાઇ વાંક (ઉ.વ.૨૮) નામના યુવાનને કોઠારીયા સોલવન્ટ જુના ટોલનાકા નજીક અમરદીપ મારબલ પાસેથી રૂા. ૨૦ હજારની દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતા કાર્ટીસ સાથે પકડી લેવાયો છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કોન્સ. ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમી પરથી સાગર વાંકને સકંજામાં લઇ તલાસી લેવામાં આવતાં પિસ્તોલ-કાર્ટીસ મળતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ પિસ્તોલ શોખ ખાતર રાખી હોવાનું અને ક્યાંથી લાવ્યો તે અંગે ગોળ ગોળ વાતો કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
સાગર અગાઉ ૨૦૧૯માં માલવીયાનગર પોલીસમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અનુસાર લોકસભાની ચુંટણી અન્વયે ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઇ એમ. આર. ગોંડલીયા, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, એએસઆઇ આર. બી. જાડેજા, એએસઆઇ ભરતભાઇ વનાણી, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ઉમેશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી.
(3:22 PM IST)










