<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

ધર્મરથનું રાજકોટમાં આજે આગમન : મહિલાઓની અસ્‍મિતા માટે ૧૮ વોર્ડમાં ફરી ભાજપ વિરૂધ્‍ધ મતદાન માટે જાગૃતી લાવશે

રાજકોટ ઝોનનો ધર્મરથ લોકસભા બેઠકના ગામડાઓ સહિત ૧૮૯ ગામોમાં રૂપાલા અને ભાજપ વિરૂધ્‍ધ મતદાન માટે ઘૂમી વળ્‍યો : કાલે ખોડલધામ ખાતે ખોડીયાર માતાજીની નિશ્રામાં પુર્ણાહુતી

 

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમભાઇ રૂપાલાએ આજથી દોઢેક માસ પહેલા રાજકોટમાં રૂખી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રીય મહિલાઓ  વિષે અભદ્ર ટીપ્‍પણી કરતા ક્ષત્રીય સમાજમાં ફાટી નિકળેલો રોષ સમગ્ર રાજય અને રાજસ્‍થાન, એમપી, યુપી સહીતના અન્‍ય રાજયોમાં ફેલાયો છે. આ અંતર્ગત વિરોધ પ્રદર્શીત કરવા ક્ષત્રીયોની ૯ર સંસ્‍થાઓની સંકલન સમીતી સહીત પ૦૦ સંસ્‍થાઓએ વિવિધ વિરોધ કાર્યક્રમો લોકશાહી ઢબે આપી પુરૂષોતમ રૂપાલા અને ભાજપ વિરૂધ્‍ધ મતદાન કરવા તબક્કાવાર કાર્યક્રમો આપ્‍યા હતા. આ આંદોલન અંતર્ગત રાજયોના જુદા જુદા પાંચ ઝોનમાં ક્ષત્રીય અસ્‍મિતા-ધર્મરથ યાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટ ઝોનનો રથ આજે ૭ દિવસ બાદ આશરે ૧૮૯ ગામડાઓ ફરી રાજકોટમાં પ્રવેશ્‍યો હતો અને શહેરના ૧૮ વોર્ડમાં ઘૂમી રૂપાલા અને ભાજપ વિરૂધ્‍ધ મહિલાઓની અસ્‍મિતાની જાળવણી માટે મતદાન કરવા જનજાગૃતી ફેલાવી હતી. ક્ષત્રીય સંકલન સમીતીના જણાવ્‍યા મુજબ આવતીકાલે ધર્મરથ યાત્રાની માં ખોડલની નિશ્રામાં ખોડલધામ ખાતે પુર્ણાહુતી થશે. આ પહેલા આજે સવારે વિષ્‍ણુવિહારથી ધર્મરથનું પ્રસ્‍થાન થયું હતું. ત્‍યાર બાદ જે.કે.ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, રૈયા સર્કલ, ગાંધીગ્રામ-આશાપુરા મંદીર, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, માધાપર ચોકડી, શેઠનગર, સૈનિક સોસાયટી થઇ રેલનગર પહોંચ્‍યો હતો. જયાં ભોજનના વિરામ બાદ બપોરે અઢી કલાકે ફરી ધર્મરથ યાત્રા શરૂ થઇ હતી જે હોસ્‍પીટલો ચોક, બહુમાળી ચોક, જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, વિરાણી ચોક, ટાગોર રોડ, ભકિતનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, અમુલ સર્કલ, પટેલ વાડી બેડીપરા, પેડક રોડ, ગોવિંદનગર શાકમાર્કેટ, કે.ડી.ચોક, સંત કબીર રોડ, કોઠારીયા રોડ હુડકો, હાઉસીંગ, બાબરીયા, લાલબહાદુર સોસાયટી થઇ મવડી ફાયર સ્‍ટેશન, ચંદ્રેશનગર ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, કે.કે.વી. ચોક થઇ સાંજે કાર્યાલય ખાતે આશરે ૮ વાગ્‍યે વિરામ લેશે. આ તમામ રૂટો ઉપર ફરી ભાજપ વિરૂધ્‍ધ મતદાન કરવા ક્ષત્રીયો અને અઢારેય વર્ણના લોકોને સમજાવવામાં આવ્‍યા હતા. આવતીકાલે પ૦૦ ગાડી સાથે ધર્મરથ ખોડલધામ રવાના થશે. જયાં પુર્ણાહુતી થશે. આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્‍ટીઓ અને આગેવાનો સાથે પણ ક્ષત્રીય સમાજની બેઠક થશે તેમ જાણવા મળે છે. તસ્‍વીરમાં વિષ્‍ણુવિહારથી શરૂ થયેલી ધર્મયાત્રા રેલનગર પહોંચી તે દરમિયાનના વિવિધ દ્રશ્‍યોમાં ધર્મરથનું સ્‍વાગત કરતા રાજપુત ભાઇ-બહેનો નજરે પડે છે. દરમિયાન ક્ષત્રીય અગ્રણી પી.ટી. જાડેજાએ જણાવ્‍યું હતું કે, આજે સાંજે આણંદમાં ક્ષત્રીય સંમેલન અંતર્ગત સભાનું આયોજન થયું છે. ત્‍યાં પણ હજારોની સંખ્‍યામાં ક્ષત્રીયો ઉમટી પડશે અને ભાજપ વિરૂધ્‍ધ મતદાનના શપથ લેશે. દેવેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ કોઠારીયા)એ જણાવેલ કે, કાલે ધર્મરથની પુર્ણાહુતી બાદ પણ સાતમી તારીખે મતદાન સુધી ભાજપ વિરૂધ્‍ધ મતદાન કરવા જુદા જુદા કાર્યક્રમો અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવશે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:27 PM IST)