તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Wednesday, 1st May 2024
અટલ સરોવર ખુલ્લુ મુકવાની કોર્પોરેશનની જાહેરાત આચાર સંહિતાનો ખુલ્લો ભંગઃ તાત્કાલીક પગલા ભરો
શહેર કોંગ્રેસ પ્રમુખનો કલેકટરને તાકિદનો પત્રઃ મતદારોને આકર્ષવાનો શાસક પક્ષ ભાજપનો પ્રયાસ છે

રાજકોટ તા. ૧ :.. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અતુલ રાજાણીએ જીલ્લા કલેકટરને તાકીદનો પત્ર પાઠવી રાજકોટ મ્યુનિસીપાલ કોર્પોરેશન દ્વારા અટલ સરોવર ખુલ્લું મુકવાની જાહેરાત કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરાયો હોય તાત્કાલીક અસરથી આચારસંહિતા ભંગ મામલે પગલાં લેવા માંગણી છે.
પત્રમાં ઉમેર્યુ હતું કે, રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા તા. ૧ મે થી અટલ સરોવર ખુલ્લુ મુકવાની સતાવર જાહેરાત કરાઇ છે અને તે રીતે મતદારોને આકર્ષવા માટે શાસક પક્ષ ભાજપનો પ્રચાર પ્રસાર થાય તેવી પ્રવૃતિ કરીને આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે. અગાઉ મુખ્યમંત્રી અટલ સરોવર પ્રોજેકટનું લોકાર્પણ કરી ચૂકયા છે. અને ત્યારે તંત્ર દ્વારા એવી જાહેરાત કરાઇ હતી કે તા. ૧-પ-ર૦ર૪ થી અટલ સરોવર લોકો માટે ખુલ્લું મુકાશે આથી હવે નવેસરથી એક જ જાહેરાત બીજી વખત કરવાની કોઇ જ જરૂર ન હતી તેમ છતાં આવી જાહેરાત કરાઇ છે. આથી જવાબદારો સામે તત્કાલ પગલા લેવા માંગ છે.
આજથી અટલ સરોવર ખુલ્લું મુકાશે તેવી સત્તાવાર જાહેરાત કરાઇ છે જે લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતના ભંગ સમાન હોય તાકીદની અસરથી આચારસંહિતાના ભંગ બદલ તેમજ ચૂંટણી પ્રક્રિયામાં સરકારી મશીનરીના દુરૂપયોગ બદલ તમામ જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે.
(3:30 PM IST)










