<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

જરૂર પડયે એ મતદાન મથકો ઉપર છાંયડો-પાણી-દવા તથા બાંકડાની વ્‍યવસ્‍થા કરવા કલેકટરનો તમામ પ્રાંતને આદેશ

૭મીએ મતદાન દિવસે ‘‘હિટવેવ''ની સંભાવનાએ તંત્ર ચિંતાતુરઃ બપોરે ૧ર પહેલા વધુને વધુ વોટીંગ કરાવી લેવા પ્રયાસો મતદાનના દિવસે જે બૂથ ઉપર લાઇનો હશે ત્‍યાં છેલ્લી ૧પ મિનીટમાં છેલ્લેથી ‘‘ટોકન'' આપી તમામનું મતદાન લેવાશે...

 

રાજકોટ તા. ૧: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે ‘‘અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે, ૭મીએ મતદાનના દિવસે પણ હિટવેવની સંભાવનાએ અમે ચિંતાતુર છીએ, અને બપોરે ૧ર પહેલા વધુને વધુ વોટીંગ કરાવી લેવા અંગેના    સતત પ્રયાસો ચાલુ છે.

કલેકટરે ઉમેર્યું હતું કે, જરૂર પડયે શહેર-જીલ્લાના કુલ ર૦૩૬ મતદાન મથકોમાંથી જયાં પણ જરૂર હશે ત્‍યાં મતદારો માટે મંડપ ઉભા કરી છાંયડો કરવા, પીવાનું પાણી, દવા-મેડીકલ સાધનો તથા વયોવૃધ્‍ધ સહિતના મતદારો માટે બાંકડાની વ્‍યવસ્‍થા તમામ પ્રાંત-મામલતદારને સુચના અપાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે ડીઝાસ્‍ટર લેવલે પણ રાજયભરના કલેકટરો-ડીઝાસ્‍ટર બ્રાંચને મતદાન મથકો ઉપર છાંયડો-પાણી-દવાની વ્‍યવસ્‍થા અંગે સૂચના અપાઇ છે.

દરમિયાન અન્‍ય અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે બપોર બાદ મતદાનના દિવસે જે બૂથ ઉપર લાઇનો હશે તો છેલ્લી ૧પ મિનીટમાં બૂથ બહાર લાઇનમાં ઉભા હશે તો પણ પ-૪પ થી પ-પ૦ ની આસપાસ છેલ્લેથી મતદારોને ‘‘ટોકન'' આપી તમામનું મતદાન કરાવી લેવાશે, સાંજે ૬ પછી કોઇને ટોકન નહીં અપાય.

દરમિયાન આજે રાજયના મુખ્‍ય ચૂંટણી અધીકારીની રાજકોટ કલેકટર-ડીડીઓ-ચૂંટણીના એડી. કલેકટર, સ્‍વીપના નોડો ઓફિસર સાથે ખાસ વીસી યોજાઇ હતી. આ પછી આજે સાંજે કલેકટરે તમામ ARO મામલતદારો-નોડલ ઓફીસરો સાથે ખાસ વીસી મારફત રિવ્‍યુ બેઠક યોજી છે, દરમિયાન કલેકટરે ‘‘અકિલા''ને જણાવેલ કે રાજકોટ શહેરમાં અર્ધ લશ્‍કરી દળોની ૩ ટીમો આવીગઇ છે, જીલ્લામાં હવે આવશે.

(3:49 PM IST)