News of Wednesday, 1st May 2024
પેડક રોડ વાલ્મિકી આવાસ ક્વાર્ટરમાં રવિએ સસરા અને પત્નિને છરીના ઘા ઝીંક્યાઃ સસરાને ગંભીર ઇજા
મને પુછ્યા વગર મંદિરે કેમ ગઇ? કહી ગાળાગાળી કરી તૂટી પડયો લગ્ન વગર સાત વર્ષથી પત્નિ તરીકે રવિ જેઠવા સાથે રહેતી પ્રિયંકા પોતાના બહેન બનેવી સાથે ઉગતા પોરના મેલડી માતાના દર્શને જતાં રવિએ ડખ્ખો કર્યોઃ ઉપરના માળે રહેતાં સસરા સમજાવવા માટે આવતાં હુમલોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: પેડક રોડ સેટેલાઇટ ચોકમાં આવેલા વાલ્મિકી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં અને કેટરર્સનું કામ કરતાં રવિ જેઠવા નામના શખ્સે પત્નિ પ્રિયંકા (ઉ.વ.૨૪) પડોશમાં જ રહેતાં તેણીના બહેન-બનેવી સાથે ઉગતા પોરના મેલડી માતાજીના દર્શને જતાં અને પરત આવતાં તું મને પુછયા વગર કેમ ગઇ? કહી ઝઘડો કરી ગાળો દેતાં તેને સમજાવવા ઉપરના બ્લોકમાં રહેતાં સસરા ભરતભાઇ ગોવિંદભાઇ બોરીચા આવતાં તેણે ઉશ્કેરાઇ જઇ સસરાને અને પત્નિને એમ બંનેને છરીના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવશેભાઇ મકવાણાએ બી-ડિવીઝન પોલીસને કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી પેડક રોડ સેટેલાઇટ ચોક નજીકની વાલ્મિકી આવાસ યોજના ક્વાર્ટર નં. ૭૨ બ્લોક નં. ડી-૬ બીજા માળે રહેતાં પ્રિયંકાબેન રવિભાઇ જેઠવા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી તેણીના પતિ રવિરાજમીભાઇ જેઠવા વિરૂધ્ધ આઇપીસી ૩૨૬, ૩૨૩, ૪૯૮ (ક), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
પ્રિયંકાબેને જણાવ્યું હતું કે હું સાતેક વર્ષથી રવિ જેઠવા સાથે પત્નિ તરીકે રહુ છું, અમે લગ્ન કર્યા નથી. રવિ કેટરર્સનું કામ કરે છે અને તેના થકી મારે સંતાનમાં ચાર વર્ષનો પુત્ર જીયાંશ છે. મારા પિતાજી ભરતભાઇ ગોવિંદભાઇ બોરીચા (ઉ.વ.૪૬) અમારા બ્લોકમાં જ ત્રીજા માળે ડી-૧૨માં રહે છે અને સફાઇ કામદાર છે. જ્યારે મારી બહેન કિંજલ અર્જુનભાઇ વાઘેલા મારા મકાનની સામે જ બ્લોક નં. ડી-૮માં રહે છે. મંગળવારે સાંજે છએક વાગ્યે નાની બહેન કિંજલ, બનેવી અર્જુનભાઇ વાઘેલા બજરંગવાડી શિતલ પાર્ક પાસે ઉગતા પોરની મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હોઇ તેણે મને સાથે આવવાનું કહેતાં હું મારા પુત્ર જીયાંશને લઇને બહેન બનેવી સાથે દર્શન કરવા ગઇ હતી.
એ પછી અમે રાતે સાડા આઠેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે પતિ રવિએ ઉશ્કેરાઇ જઇ મને પુછ્યા વગર કેમ જતી રહે છે? કહી ઝઘડો ચાલુ કર્યો હતો. તે જોર જોરથી બોલવા માંડતા મેં તેને ધીમે બોલવાનું કહેતાં તે ઝઘડો કરી નીચે જતો રહ્યો હતો. અડધા કલાક બાદ તે ફરીથી ઘરે આવી મારી સાથે ઝઘડો કરી ગાળો બોલવા માંડતા મેં તેને સમજાવ્યો હતો. એ વખતે દેકારો સાંભળી મારા પિતા ભરતભાઇ દોડી આવતાં અને તેણે રવિને સમજાવતાં તેણે મને અને પિતાને વધુ ગાળો દીધી હતી. એ દરમિયાન તે ઉશ્કેરાઇ ગયો હતો અને રૂમમાંથી છરી લાવી હમુલો કરી દીધો હતો.
જેમાં મારા પિતાને પેટ કમરના ભાગે, ડાબા પડખે બગલ નીચે એક ઘા મારી દેતાં તેમને ગંભીર ઇજા થઇ હતી અને લોહી નીકળવા માંડયા હતાં. બાદમાં રવિએ મને પણ નેણ ઉપર છરીનો ઘા મારી દીધો હતો અને પાટુ મારી પછાડી દીધી હતી. દેકારો થતાં અમારા બ્લોકમાં રહેતાં રાહુલભાઇ, ઇશાબેન, પડોશીઓ આવી જતાં રવિ ભાગી ગયો હતો. મારા પિતાને ખુબ લોહી નીકળતું હોઇ અને મને પણ ઇજા થઇ હોઇ પડોશીઓ, સગા સંબંધીઓએ હોસ્પિટલમાં ખસેડયા હતાં. મારા પિતાજીને તત્કાળ ઓપરેશન માટે લઇ જવાયા હતાં. રવિ અને હું સાતેક વર્ષથી પતિ-પત્નિ તરીકે રહીએ છીએ. પણ એકાદ વર્ષથી તે મને નાની નાની વાતે ઝઘડા કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે. સંસાર બગડે નહિ એટલે હું ફરિયાદ કરતી નહોતી. હવે તેણે મંદિરે દર્શન કરવા જવા મામલે ઝઘડો કરી મારા પર અને મારા પિતા પર હુમલો કર્યો હતો. તેમ વધુમાં પ્રિયંકાબેને જણાવતાં પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. એન. કલોત્રાએ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
(3:52 PM IST)










