તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
હૃદય બેસી જતા વધુ ચાર મોતઃ મહિકામાં કથા સ્થળે ભોજનની લાઇનમાં ઉભેલા વિજ્યાબેન ઢળી પડયા
બીજા બનાવમાં આજીડેમના પાળા પર બેઠેલા વૃધ્ધને હાર્ટએટેક આવતાં પાણીમાં ડૂબી જવાથી મોતઃ વાલીવારસની શોધઃ ત્રીજા બનાવમાં મેહુલનગરના જાગૃતિબેનનું અને મધુવન પાર્કમાં મત દઇને આવ્યા બાદ રમેશભાઇનું હાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ૮: હૃદય બંધ પડી જવાથી મૃત્યુના વધુ ચાર બનાવ બન્યા છે. જેમાં ત્રંબા નજીકના મહિકા ગામે સાંજે કથાના સ્થળે જમણવાર હોઇ ત્યાં લાઇનમાં ઉભેલા મહિલા એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં આજીડેમના પાળા પર બેઠેલા વૃધ્ધને એકાએક હાર્ટએટેક આવતાં પાણીમાં પડી જતાં મોત થયું હતું. ત્રીજા બનાવમાં મેહુલનગરના મહિલાનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે ચોથા બનાવમાં કુવાડવા રોડ મધુવન પાર્કમાં વૃધ્ધ મતદાન કરીને ઘરે આવ્યા બાદ ઢળી પડતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ મહિકામાં રહેતાં વિજ્યાબેન મનસુખભાઇ સાગઠીયા (ઉ.વ.૪૨) સાંજે ગામમાં કથાનું આયોજન થયું હોઇ તે સ્થળે ગામલોકોનો જમણવાર હોઇ ત્યાં જમવા માટે ગયા હતાં. જમણની લાઇનમાં ઉભા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચ્યો નહોતો. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ આજીડેમ પોલીસને કરી હતી. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં જૈન દેરાસર સામે આજીડેમના પાળા પર સાંજે એક વૃધ્ધ બેઠા હતાં અને નજીકમાં મહિલાઓ કપડા ધોઇ રહી હતી ત્યારે વૃધ્ધ એકાએક પાળા પરથી પાણીમાં ઢળી પડયા હતાં. ૧૦૮ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં વૃધ્ધને બહાર કાઢવામાં આવ્યા હતાં. પણ તેમનું મૃત્યુ થયાનું તબિબે જાહેર કરતાં આજીડેમ પોલીસના હેડકોન્સ. જયદિપભાઇ બોસીયાને કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ વૃધ્ધને હાર્ટએટેક આવતાં તેઓ પાણીમાં પડી ગયા હતાં. તેમની ઓળખ થઇ શકી ન હોઇ પોલીસ વાલીવારસને શોધી રહી છે. કોઇ સગા સ્વજન હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો.
ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ મેહુલનગર-૫માં રહેતાં જાગૃતીબેન જગદીશભાઇ બગડાઇ (ઉ.વ.૫૩) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મૃતકના પતિ શાકભાજીનો ધંધો કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
ચોથા બનાવમાં કુવાડવા રોડ પર મધુવન પાર્ક-૪માં રહેતાં રમેશભાઇ જાદવભાઇ વેકરીયા (ઉ.વ.૬૦) મતદાન કરીને ઘરે આવ્યા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ જીવ બચ્યો નહોતો. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. પુત્રને યાર્ડમાં અનાજ કરીયાણાની દુકાન છે. મ બી-ડિવીઝનના હેડકોન્સ. હિતેષભાઇ કોઠીવારે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:10 PM IST)










