તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
ઉદયનગરમાં પત્નિ પ્રિતીબાને છરીના ઘા ઝીંકી મહેન્દ્રસિંહ જાડેજાનો પોતાના ગળે પણ છરી મારી આપઘાતનો પ્રયાસ
બકાલાનો ધંધો કરતાં યુવાનના પત્નિ સાંજે રિસાઇને માવતરે જતાં રહેતાં તેણે પાછળ જઇ ઘરે આવી જવાનું કહેતાં પત્નિએ ના પાડતાં માથાકુટઃ બંને સારવારમાં: પત્નિને ગંભીર ઇજા : પત્નિ ભાનમાં આવ્યે પોલીસ ફરિયાદ નોંધશેઃ એએસઆઇ કે. યુ. વાળાએ મહેન્દ્રસિંહ વિરૂધ્ધ આપઘાતનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. 8: શહેરના મવડી પ્લોટના ઉદયનગરમાં સાંજે પોતાના સાસરેથી પતિ સાથે ચડભડ કરી નજીકમાં જ રહેતાં માવતરના ઘરે ગયેલી મહિલાને પાછળ પાછળ તેડવા આવેલા પતિએ ઝઘડો કરી છરીથી હુમલો કરી ગાળા, પેટમાં છરીના આડેધડ ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં અને બાદમાં પોતાના ગળા ઉપર પણ છરીના ઘા ઝીંકી દેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ગૃહકલેશ અને શંકાને કારણે આ માથાકુટ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હુમલામાં ઘાયલ પત્નિ બોલી શકતાં ન હોઇ તેની ફરિયાદ લેવાની બાકી છે.
જાણવા મળ્યા મુજબ મવડી પ્લોટના ઉદયનગર-14માં રહેતાં પ્રિતીબા મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.39) સાંજે સાડા પાંચેક વાગ્યે પતિ સાથે ચડભડ થતાં ત્યાંથી નીકળી જઇ ઉદયનગર-1માં રહેતાં પોતાના માતા ગુજર્ર રજપૂત રસીલાબેન હરેશભાઇ ચોૈહાણના ઘરે આવી ગયા હતાં. આ પછી થોડીવાર બાદ પતિ મહેન્દ્રસિંહ જાડેજા પણ પાછળ પાછળ આવ્યા હતાં. તેણે ઝઘડો કરી છરીથી હુમલો કરી પત્નિ પ્રિતીબાને આડેધડ ગળા, પેટમાં ઘા ઝીંકી દેતાં તેણી લોહીલુહાણ થઇ પડી ગયા હતાં. દેકારો મચી જતાં મહેન્દ્રસિંહે પોતે પણ ગભરાઇને પોતાના જ ગળા પર છરીના ઘા ઝીંકી લેતાં તે પણ ઢળી પડયા હતાં.
બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ 108 બોલાવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ કે. યુ. વાળા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. જો કે પ્રિતીબાને ગંભીર ઇજા પહોંચી હોઇ તેણી બેભાન હોઇ અને બોલી શકતાં ન હોઇ તેમની ફરિયાદ લઇ શકાઇ નહોતી.
આ બનાવમાં એએસઆઇ કર્મદિપસિંહ યુ. વાળાએ ફરિયાદી બની મહેન્દ્રસિંહ તોગુભા જાડેજા (ઉ.વ.40) વિરૂધ્ધ પોતાના પત્નિને છરીથી ઘાયલ કર્યા બાદ પોતાની જાતે ગળા પર છરીથી છરકા કરી તેમજ હાથમાં ઇજા પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધ્યો છે.
મહેન્દ્રસિંહ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના છે અને મવડી શાક માર્કેટમાં બકાલાનો ધંધો કરે છે. તેના સગાએ જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ અને પ્રિતીબાએ તેર વર્ષ પહેલા લવમેરેજ કર્યા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ-પત્નિ વચ્ચે શંકા કુશંકા ઉભી થતાં માથાકુટ ચાલતી હતી.
પ્રિતીબાના માવતર પક્ષે જણાવ્યું હતું કે પતિ મહેન્દ્રસિંહને જુગારની આદત હોઇ અને તે મોટી રકમ હારી ગયા હોઇ તેમજ પ્રિતીબાના નામે લોનો પણ લીધી હોઇ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં પ્રિતીબા માવતરે આવી ગયા હતાં. પાછળથી પતિએ તેણીને તેડવા આવી ઘરે આવવાનું કહેતાં તેણીએ સાથે જવાની ના પાડતાં છરીથી હુમલો કર્યો હતો અને પોતાના ગળા પર પણ છરી હુલાવી હતી. પ્રિતીબા સવારે ભાનમાં આવ્યા હતાં. તે બોલી શકતાં ન હોઇ લખીને જણાવ્યું હતું કે અઠવાડીયા પહેલા મહિલા પોલીસમાં પતિ વિરૂધ્ધ અરજી કરી હતી.
(12:39 PM IST)










