તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
કારકિર્દીનો સૌથી કઠીન દોર રહયો, ક્ષત્રીય સમાજની ફરી માફી માંગુ છું: રૂપાલા
સમરસ ગુજરાતનું વાતાવરણ જાળવીએ, મને ક્ષત્રીય સમાજ માટે કોઇ કટુતા નથી, મતદાન શાંતિપુર્ણ રહયાનો સંતોષ ક્ષત્રીય સમાજ રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બનવા આગળ વધેઃ મારી ભુલના કારણે વડાપ્રધાને પણ સાંભળવુ પડયુ હશે તે મારા માટે પીડાદાયક

કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ પત્રકાર પરીષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને પ્રવકતા રાજુ ધ્રુવ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૮: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પરસોતમ રૂપાલાએ રાજકોટની ચુંટણીમાં પોતાના વિધાનથી સર્જાયેલ વમળોના કારણે પોતાની ૪૦ વર્ષથી કારકીર્દીને સર્વાથી કઠીન અને પીડાદાયક દોર રહયાનું સ્વીકારી ફરી ક્ષત્રીય સમાજની માફી માંગી છે. ક્ષત્રીય સમાજ રાષ્ટ્રના વિકાસમાં સહયોગી રહી આગળ વધે તેવી અપીલ કરી છે. રાજકોટમાં રેલ્વેના કન્ટેનર ડેપો ટુંક સમયમાં શરૂ થઇ જવાનો તેમણે નિર્દેષ કર્યો હતો.
શ્રી રૂપાલાએ આજે સવારે ભાજપ ચુંટણી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં જણાવેલ કે ગઇકાલે મતદાન પુરૂ થયું. આભાર માનવા અને મારા અનુભવો વર્ણવવા આજે પત્રકારો સમક્ષ ઉપસ્થિત થયેલ છે. મારી ૪૦ વર્ષની જાહેર જીવનની કારકીર્દી છે. હું અગાઉ પણ ચુંટણી લડયો હતો. આજે હું નિખાલસ એકરાર કરૂ છુ કે આ ચુંટણીમાં હું મારી કારકીર્દીના સોૈથી કઠીન દોરમાંથી પસાર થયો. વિશ્વને જેના પર ઉમ્મીદ છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કયાંક સાંભળવુ પડયું હશે તે મારા માટે પીડાદાયક છે. હું નમ્રતાપૂર્વક મારી માફી પ્રસ્તૃત કરી ક્ષત્રીય સમાજને વિનંતી કરૂ છુ કે રાષ્ટ્ર વિકસીત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહયું છે. તયારે અન્ય બાબતથી પર રહી ક્ષત્રીય સમાજ રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર ભૂમિકામાં રહે તેવી વિનંતી કરૂ છું. કેટલાક સાથીદારોને પણ મારા કારણે સહન કરવું પડયું. મીચ્છામી દુક્કડમ... નિવેદન બદલ સઘળી મારી જવાબદારી હોવાનું સ્વીકારી દિલગીરી વ્યકત કરૂ છું. હું'ય માણસ છું. માણસ માત્ર ભુલને પાત્ર. મારા વિધાન પછી મેં તુરત માફી માંગી હતી. સમાજ વચ્ચે જઇને પણ માફી માંગી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવેલ કે સંપૂર્ણ શાંતિપૂર્ણ મતદાન રહયું છે. ગઇકાલે આખા દિવસમાં કોઇ નકારાત્મક સંદેશ મળેલ નથી. ક્ષત્રીય સમાજ તરફથી ગઇકાલે મતદાનમાં કોઇ અવરોધ થયેલ નહી. તેમનો ગઇકાલનો વ્યવહાર પ્રશંસનીય રહયો છે.
મંત્રી શ્રી રૂપાલાએ એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે પરિણામ વખતે લીડની આગાહીમાં હું કયારેય પડયો નથી. ચુંટણી પુરી થઇ ગઇ છે. આજની પત્રકાર પરિષદ રાજનીતી માટે યોજેલ નથી. સામાજીક નિસ્બત માટેની છે. ગુજરાતમાં સમરસ વાતાવરણ માટે છે. ભવિષ્યમાં મારે ચુંટણી લડવી કે નહિં તે પાર્ટીએ નકકી કરવુ છે. કોઇ ચુ઼ટણીમાં વૈમનસ્ય ન થવુ જોઇએ તે મતનો છું
રૂપાલાએ આપ્યા ઓછા મતદાનના બે કારણો
રાજકોટઃ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં જણાવેલ કે મતદારો નિરૂત્સાહીત હોય અને બરાબરની સ્પર્ધા ન હોય ત્યારે અપેક્ષાથી ઓછુ મતદાન થાય છે. ગ્રામ પંચાયત જેવું મતદાન તાલુકા પંચાયતમાં ન થાય અને તાલુકા પંચાયત જેવું મતદાન ધારાસભામાં ન થાય, ધારાસભા જેવુ મતદાન લોકસભાની ચુંટણીમાં ન થાય તે સ્વભાવીક છે. મતદારનું મૃત્યુ, સ્થળાંતર જેવા કારણોસર ૧૦૦ટકા મતદાન થઇ શકતુ નથી.
(1:33 PM IST)










