<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ખાદ્યતેલ નવા ડબ્‍બામાં જ પેક કરવું જોઇએ એવો કાયદો બિનજરૂરી : આરોગ્‍યના જોખમની વાત ખોટી

નવા ડબ્‍બા બનાવતા યુનિટોની સંખ્‍યા ઓછી : ખાદ્યતેલની અછત પણ શકય બને નવા ડબ્‍બાની ઉત્‍પાદન ક્ષમતા વધે પછી કાયદાનો અમલ કરો : જુના ડબ્‍બામાં અંદરથી કાટ લાગતો નથી : સમીરભાઇ શાહ

રાજકોટ, તા.૮: ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમશીનરને એક પત્ર લખી ખાદ્યતેલ નવા ડબ્‍બામાં જ પેક કરવું જોઇએ તેવો કાયદો બિનજરૂરી હોવાનું જણાવ્‍યું છે અને કહ્યું છે કે, દાયકાઓથી રિસાઇકલ ટીનમાં ખાદ્યતેલ ભરાતું આવ્‍યું છે ને તેને કારણે આમ જનતાના આરોગ્‍ય પર કયારેય કોઇ જોખમ આવ્‍યું હોવાનું જાણવામાં આવ્‍યું નથી.  જે નાના એકમો રીસાઇકલ ટીન્‍સમાં ખાદ્યતેલ પેક કરે છે તે તેની સ્‍વચ્‍છતા વિશે સંપૂર્ણપણે રાખીને જ વપરાશ કરે છે. એમ ન કરેતો આજના હરીફાઈના યુગમાં તેઓં અન્‍ય સ્‍પર્ધકો સાથે ટકી જ ન શકે. વળી તેલ તો મેટલ ની ખાસ કરી ને લોખંડ કે સ્‍ટીલના મટીરીયલ પર કાટ ન લાગે તે માટે વપરાતી કોમોડીટી છે. એટલે તેલના સંપર્ક માં આવેલ ડબામાં અન્‍ય મેટાલિક આઇટમ કાટ લાગવાની શકયતા ઘણી ઓછી રહે છે. કયારેક ખાલી ડબા પર કાટ દેખાય તો તે માત્ર બહારની સાઈડ જ હોઈ છે. અંદરના ભાગમાં એક વાર તેલનો સંપર્ક થયો હોવાને કારણે કાટ લાગવાની શકયતા નહીવત છે.

આ ઉપરાંત લોક જાગળતિને કારણે નવા ડબા તેમજ HDPE અને plastic બોટલ્‍સમાં પેક થયેલ ખાદ્યતેલો જ ઘર વપરાશમાં ઉપયોગ થાય છે. આમ પ્રીમીયમ તેલો જેવા કે શીગતેલ, સુર્યમુખી તેલ વગેરે તો નવા ડબા અથવા પ્‍લા.પેકમાં જ વપરાય છે. માત્ર બલ્‍ક ગ્રાહકો જેવા કે ફરસાણ બનાવનાર,હોટલ,રેસ્‍ટોરન્‍ટ વગેરેમાં જ જુના ડબાનો ઉપયોગ થાય છે. આવા એકમોમાં જતા ડબાઓ તરત ખાલી કરાઈ જતા હોય, તેલની ગુણવત્તા સમયગાળે ઘટવાની શકયતા નથી. માટે તાત્‍કાલિક અસરથી રીસાઇકલ ટીનનો ઉપયોગ બંધ કરવો બિનજરૂરી છે. આવી જગ્‍યાએ કપાસિયા તથા પામોલીન તેલનો જ વધુ વપરાશ થાય છે.

વળી આપણે ત્‍યાં ભરાતા તમામ ખાદ્યતેલો જો નવા ડબા જ ભરવામાં આવે તો એટલા ખાલી નવા ડબાની ઉપલબ્‍ધી પણ શકય નથી. એટલા નવા ડબા રોજ ઉત્‍પન્ન કરવાની ક્ષમતા જ આપણી પાસે નથી. આ વિષે આપને ઉદાહરણ આપું તો, આપણે ત્‍યાં ડીસેમ્‍બેર,જાન્‍યુઆરી માસમાં બાર મહિના શીંગતેલ ભરવાની મોસમ આવે ત્‍યારે અમો ઉત્‍પાદકો અને પેકર્સને નવા ડબાની અછત નો સામનો કરવો પડે છે. અમારી જરૂરિયાતના ૬૦ થી ૭૦% જેટલાજ ડબાઓ અમને મળે છે. ડબા બનાવતા યુનિટોને ઓર્ડર આપીએ ત્‍યારે જે દિવસે ડબાની જરૂર હોઈ તેનાથી બે કે ત્રણ દિવસ પછી ડબાઓ મળે છે. તે પણ ૧૦૦૦ ડબા જોઈતા હોય તો તેની સામે ૬૦૦ થી ૭૦૦ જ ડબા મળે છે. વળી ડબા બનાવતા એકમો વધુ ઉત્‍પાદન લેવાની લ્‍હાયમાં જરૂરી ચોકસાઈ રાખતા નથી અને ડબ્‍બાનું -ફિટીંગ યોગ્‍ય ના થતા લીકેજ,ગોબા પડવા,ઉપરની કડીઓ તૂટવી વગેરે ફરિયાદ વ્‍યાપક રીતે ઉપસ્‍થિત થાય છે. માટે જ્‍યાં સુધી ખાલી નવા ડબાનું યોગ્‍ય પ્રમાણમાં ઉત્‍પાદન કરવાની ક્ષમતા વધે નહિ ત્‍યાં સુધી આવા જડ નિયમનો કડક અમલ શકય નથી. આવા કડકાઈ ભર્યા અમલને કારણે માત્ર ને માત્ર ડબાની બિનઉપલબ્‍ધી ને કારણે ખાદ્યતેલનું ડીસ્‍ટ્રીબ્‍યુશન ખોરવાઈ જવાની અને અછત સર્જાવાની શકયતા પ્રબળ બનશે.

જે યુનિટો જુના ડબામાં ખાદ્યતેલ પેક કરે છે તે નફાખોરી કરે છે તેવા આક્ષેપો પણ બે બુનિયાદ છે કારણકે જુના ડબામાં વેચાતું ખાદ્યતેલ નવા ડબાની કીમત કરતા રૂ.૫૦ થી રૂ. ૭૦ પ્રતિ ડબે નીચું મળે છે.આ ઉપરાંત અત્‍યારે ઘર વપરાશમાં આવતા નવા ડબા જયારે ખાલી થાય ત્‍યારે ભંગાર ના વેપારી અને ફેરિયાઓ ઘરેઘરેથી આવા ડબા રૂ. ર૫ થી રૂ.૩૦માં ઉઘરાવતા હોઈ છે. જો રીસાઇકલ ટીનનો વપરાશ અટકી જાય તો આ ખાલી થયેલ ડબાનો વપરાશકારોને કોઈ ભાવ જ ના આવે આમ વપરાશકારોને બેવડો માર પડે.

આ કાયદાનો કડક અમલ કરાવતા પહેલા આપના વિભાગે અમારા જેવા એસોસિએસનો સાથે બેસી ઉદ્યોગ વિભાગના અધિકારીઓ ને સાથે રાખી સર્વમાન્‍ય નીતિ ઘડી તબક્કાવાર અમલ કરવો જોઈએ. માત્ર કોઈ ચોક્ક્‌સ ગ્રુપની ફરિયાદને આધારે કાર્યવાહી કરવાથી દુર રહેવું જોઈએ. આપ અમારી રજુઆત પર ખુલ્લા મને યોગ્‍ય વિચાર કરશો તો આપ પણ આવા પગલાથી ઉભી થતી વિકરાળ સમસ્‍યાને સમજી શકશો.  માટે આપ તમામ સબંધિત અધિકારોશ્રીઓ ને ત્‍વરિત જાણ કરી આ નિયમોનું અણઘડ પાલન કરવાનું હાલ પુરતું અટકાવશો એવી અમારી વિનમ્ર અરજ છે. તેમ પત્રના અંતે જણાવ્‍યુ છે.

(4:02 PM IST)