તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
પારડી પાસે વાડીના કુવાને અડીને લીંબુડીમાંથી લીંબુ તોડવા જતા કુવામાં પટકાતા વૃધ્ધા જયાબેનનું મોત
પુત્ર સાથે વાડીએ આવી કબુતરને ચણ નાખ્યા બાદ કુવા પાસે લીેંબુ લેવા જતા બનાવઃ પુત્રએ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થયાઃ ફાયરબ્રિગેડ સ્ટાફે વૃધ્ધાના મૃતદેહે બહાર કાઢયો

રાજકોટ,તા. ૮: લોધીકાના પારડી ગામમાં રહેતા વૃધ્ધા સવારે પોતાની વાડીએ કબુતરને ચણ નાખવા ગયા બાદ કુવાને અડીને આવેલી લીબુડીમાંથી લીંબુ તોડવા જતા કુવામાં પટકાતા મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ પારડીગામમાં રહેતા જયાબેન શંભુભાઇ ધરડુશીયા (ઉ.વ.૬૮) સવારે વાડીએ દુધ દોયને પરત ઘરે આવી નાસ્તો કર્યા બાદ પુત્ર નિલેષભાઇ સાથે વાડીએ કબુતરને ચણ નાખવા માટે ગયા હતા. બાદ વાડીમાં કુવાને અડીને આવેલા લીંબુડીના ઝાડમાંથી લીંબુ તોડવા જતા અકસ્માતે કુવામાં પટકાયા હતા. પુત્ર નિલેશભાઇ વાડીમાં ગદબ વાઢવા ગયા હતા. તે પરત આવતા માતા જયાબેન જોવા ન મળતા તેની શોધખોળ કરતા માતાને કુવામાં પડેલા જોઇ દેકારો મચાવતા આસપાસની વાડીમાં કામ કરતા લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ફાયરબ્રિગેડમાં જાણ કરતા મવડી ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફીસર જાનીભાઇ, ફાયરમેન જયેશભાઇ ડાભી, કિશોરભાઇ વેડખણીયા, અજયભાઇ મકવાણા તથા કિશોરસિંહ સહિતે સ્થળ પર પહોંચી વૃધ્ધાને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધાનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. મુકેશભાઇ સહિતે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક જયાબેનને સંતાનમાં બે પુત્ર છે. આ બનાવના પગલે પરિવારમાં શોકવ્યાપી ગયો છે.
(4:16 PM IST)










