<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

મનપા તંત્રની તિજોરી છલોછલઃ છેલ્લા ૧ માસમાં વેરાની ૧૦૩.૩૭ કરોડની આવક

વળતર યોજનાના છેલ્લા ૨૪ દિ' : ૮ એપ્રિલથી ૭ મે સુધીમાં ૧.૬૪ લાખ કરદાતાઓએ વળતરનો લાભ લીધોઃ ૧૧.૨૧ કરોડનું ડિસ્‍કાઉન્‍ટઃ ગત વર્ષ કરતા ૧૩.૪૭ કરોડની વધુ આવકઃ ૫ થી ૧૦% વળતર ૧ થી ૩૦ જુની સુધી મળશે

રાજકોટ, તા.૮: મહાનગર પાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૮ એપ્રિલ ૨૦૨૪થી શરૂ થઇ છે ત્‍યારે છેલ્‍લા એક મહિનામાં એટલે કે તા.૮ મે ૨૦૨૪ સુધીમાં ૧,૬૪,૪૪૯ પ્રમાણિક કરદાતાઓએ વેરો ભરી તંત્રની તિજોરોમાં ૧૦૩.૩૭ કરોડથી વધુ કરોડ ઠાલવી દીધા છે. જે ગત વર્ષ કરતા ૮૯.૯૦ કરોડની વધુ આવક થવા પામી છે.

શહેરના પ્રમાણિક અને નિયમિત કરદાતાઓએ વેરા વળતર યોજનામાં છેલ્લા એક મહિનામાં ૧,૬૪,૪૪  કરદાતાઓએ રૂા. ૧૦૩.૩૭ કરોડનો વેરો ભરતા કરખાતાઓને ૧૧.૨૧ કરોડનું વળતર આપવામાં આવ્‍યુ છે. જેમાં ઓનલાઇન ૬૮.૭૬ કરોડનો વેરો ભર્યો છે. ઓનલાઇન વેરો સ્‍વીકારવાની પધ્‍ધતિને તંત્રને જબરી સફળતા મળી છે.

જયારે ગત વર્ષે એટલે કે તા.૧ એપ્રિલથી તા.૭ મે સુધીમાં ૧,૫૫,૬૧૦ કરદાતાઓએ રૂા. ૮૯.૯૦ કરોડનો વેરો ભર્યો હતો એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે વળતર યોજનાનો લાભ લેનાર કરદાતા અને આવક વધુ થવા પામી છે.

સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્‍યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે. તેમજ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્‍કતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે. આથી મહતમ સંખ્‍યામાં કરદાતાઓ એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરપાઇ કરી વળતરનો લાભ પ્રાપ્‍ત કરે તેવી જાહેર અપીલ છે. કરદાતાઓ રાજકોટ મહાનગર પાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્‍ટર, તમામ વોર્ડ ઓફીસ, ખાતે અને ઓનલાઇન મિલ્‍કત વેરો ભરપાઇ કરી શકાશે.

(4:23 PM IST)