તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મઘરવાડામાં પુત્રવધુ સાથે ઝઘડો કરવાની ના પાડતા અમૃતભાઇ પર ત્રણ ભાઇઓનો છરીથી હૂમલો
યુવાનની કુવાડવા રોડ પોલીસમાં સગાભાઇ પપ્પુ માથાસુરીયા, જીવકુ માથાસુરીયા અને મનસુખ માથાસુરીયા સામે ફરીયાદ

રાજકોટ તા. ૯ :.. મઘરવાડા ગામ બેટી નદીના કાંઠા પાસે રહેતા આઘેડે પુત્રવધુ સાથે ઝઘડો કરવાની ના પાડવા જતા તેના ત્રણ ભાઇઓએ છરી તથા પ્લાસ્ટીકના પાઇપ, વડે હુમલો કરતા કુવાડવા રોડ, પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મઘરવાડા ગામ બેટી નદીના કાંઠા પાસે રહેતા અમૃતભાઇ છગનભાઇ માથાસુરીયા (ઉ.૪૦) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં મઘરવાડા ગામમાં રહેતા તેનાભાઇ પપ્પુ છગનભાઇ માથાસુરીયા, જીવકુ છગનભાઇ માથાસુરીયા, અને મનસુખભાઇ છગનભાઇ માથાસુરીયા સામે ફરીયાદ નોંધાવી છે. અમૃતભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે પ્લાસ્ટીકની ડોલ વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. ગઇકાલે પોતે તથા પરિવારજનો ઘરે હતાં. ત્યારે પુત્રવધુ ગીતા સાથે પોતાનો ભાઇ પપ્પુ અને જીવકુ બંને ઝઘડો કરતા હોઇ તેથી પોતે પુત્રવધુને ઝઘડો કરવાની ના પાડતા બંને ભાઇઓ ઉશ્કેરાઇ જઇ છરી અને પ્લાસ્ટીકનો પાઇપ લઇને આવી હુમલો કરતા પોતાના માથા તથા શરીરે ઇજા કરી હતી. ત્યાં પત્ની ગૌરીબેન વચ્ચે પડતા તેને પણ પોતાનાભાઇ મનસુખે ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય ભાગી ગયા હતાં. બાદ પોતાને તથા પત્નીને ૧૦૮ મારફતે સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે પોતે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ બી. વી. ભગોરાએ તપાસ હાથ ધરી છે.
(12:04 PM IST)










