તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
રાજકોટને વર્ગવિગ્રહમાં ધકેલનારને લોકો જાકારો આપશે : પરેશ ધાનાણી
રાજકોટના રણ મેદાનમાં જનજનનો ખૂબ જ પ્રેમ મળ્યો : સ્વાભિમાનનો વિજય થશે : લોકશાહી વ્યવસ્થાને લુણો લગાડનારને સબક શીખવાડવા કચકચાવીને સૌએ મતદાન કર્યું

રાજકોટ તા. ૯ : રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણ મેદાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન મંગળવારે પૂર્ણ થયું. દરમિયાન સૌનો ખૂબ સાથ સહકાર મળ્યો. આ વિસ્તારના કાર્યકર્તા તરીકે સૌનો આભાર માનુ છું. ખૂબ ઓછા સમયમાં રાજકોટમાં જનજન સુધી વાત પહોંચાડવામાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિકસ મીડિયાનો ખૂબ જ સાથ સહકાર પ્રાપ્ત થયો છે.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, મને આનંદ થાય છે કે, રાજકોટના રણ મેદાનમાં લોકશાહીની લાજ રાખવા જન જનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકારને ઓગાળવા આ લડાઇના આખરી તબક્કે મંગળવારે મતદાન પુરૂં થયું. રાજકોટના જન જનનો ખૂબ પ્રેમ મળ્યો. રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.
ચૂંટણી મંગળવારે પુરી ગઇ છે. ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ ઉજવાયુ છે. આશા છે કે, પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે અને અહંકાર ઓગળવાનો છે. પણ રાજકોટના હૃદયને જીતવામાં હું સફળ થયો છુ. તેનો મને ચોક્કસ વિશ્વાસ છે.
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે જે મતદાન થયું છે અંદાજીત ૬૦ ટકા જેટલું મતદાન ધોમધખતા તાપમાં રાજકોટવાસીઓએ રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકોએ કર્યું છે. રાજકોટ શહેરના અંદાજીત ૫.૩૦ લાખ મતદારો તથા રાજકોટ ગ્રામ્યના ૭.૪૦ લાખ મતદારોએ પોતાનો મત મતપેટીમાં પૂર્યો છે. મને વિશ્વાસ છે કે, રાજકોટ સંસદીય મત વિસ્તારના સૌ મતદાતાઓએ સમજી વિચારીને મતદાન કર્યું છે. સંગઠીત થઇને મતદાન કર્યું છે. લોકશાહી વ્યવસ્થાને લુણો લગાડનારાને સબક શીખવડાવવા મતદાન કર્યું છે. લોકશાહીની લાજ રાખવા મતદાન કર્યું છે. જન જનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે અને એ મત નામના શષાની મતદારોએ કાઢેલી ધાર જરૂર અહંકારને ઓગાળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, જાહેર જીવનના કાર્યકર્તાઓ એના વ્યકિતગત ધોરણો હોય શકે નહી. માનનીય રૂપાલાજીએ માફી જ આપવી તો ધોમધખતા તાપમાં રોડ ઉપર રઝળતી બોર.. બોર... જેવડા આંસુ પાડતી આ દેશની દિકરીઓની વિનંતીનો સ્વૈચ્છીક સ્વીકાર કરી શકયા હોત અને પક્ષ હોય કે વિપક્ષ સારી બાબતોની અમે હંમેશા સરાહના કરી છે. કમનસીબે વારંવાર એ દિકરીઓની વિનંતી મે પોતે પણ આ પ્રયાસ કર્યો કે, આ દેશની દિકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો તેનો તમે સહર્ષ સ્વીકાર કરો. ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ ભૂલ સુધારી શક્યું હોત. ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર ઉમેદવાર જે ઘોષિત કર્યા હતા તેમાં પુનઃ વિચાર કરી શકાયો હોત.
પરંતુ હું આજે પણ એ સ્પષ્ટપણે માનુ છું કે, ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંયને ક્યાંય વર્ગવિગ્રહનું બીજ રોપી વર્ગવિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના તેમના પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, રંગીલા રાજકોટને વર્ગવિગ્રહની આગમાં ધકેલવાનું ભારતીય જનતા પાર્ટીએ ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો અને એનો જવાબ રાજકોટના લોકોએ કચકચાવીને આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે પોતાનો પક્ષ જરૂર મૂક્યો છે. હવે ‘રૂપાળા' કોણ છે તે રાજકોટવાળા નક્કી કરશે પરંતુ મને વિશ્વાસ છે કે, આજે રંગીલા રાજકોટને વર્ગવિગ્રહની આગમાં ધકેલનારા લોકોને એની જવાબદારીમાંથી રાજકોટની જનતા મુકત કરશે.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, મને એવું લાગે છે કે, રાજકોટના લોકોએ પોતાની વિવિધ સમસ્યાઓના લેખાજોખા કર્યા છે. સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખી લીધા છે અને ક્યાંય ચૂંટણીઓ ટાણે વાયદાઓનો વેપાર કરીને વલણ નહી ચુકવનારા લોકોને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટના ૨ હજાર બુથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ વિજેતા થશે.
(2:00 PM IST)










