તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવાનું, ધમકી દીધા બાદ યુવાનના હાથ-પગ ભંગાવી નાખ્યા
પાંચ મહિના પહેલા જમીન મકાનના ધંધાર્થી મોઇનના મિત્રને ગુલીયાએ મારકુટ કરી ત્યારે મોઇન અને તેનો ભાઇ વચ્ચે પડતાં ગુલીયાને ગમ્યું નહોતું :ગુલમહમદ ઉર્ફ ગુલીયો, તેના ભાઇ નાસીરે પોતાના માણસો સાવન, સલીમશા, સદામને મોકલી હુમલો કરાવ્યોઃ પાંચેયની શોધખોળઃ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યોઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ડી. સ્ટાફની ટીમે આરોપીઓને દબોચી લવા દોડધામ આદરી

જેના હાથ પગ ભાંગી નખાયા તે જમીન મકાનના ધંધાર્થી મોઇન જુણેજા : મોઇન જુણેજા દૂધની થેલી લઇ પોતાના એક્ટીવા પાસે આવતાં જ ત્રણ શખ્સો ધોકા-પાઇપ સાથે ધસી આવી તેના પર તૂટી પડે છે અને મોઇન જીવ બચાવી ભાગે છે તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં
રાજકોટ તા. ૯: ભગવતીપરામાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં શખ્સે પાંચેક મહિના પહેલા આ વિસ્તારના જમીન મકાનના ધંધાર્થી સાથે થયેલા મનદુઃખનો ખાર રાખી જે તે વખતે ‘ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવાનું' કહી ઝઘડો કરતાં અને પોતાના સાગ્રીતને ફરિયાદી બનાવી આ યુવાન પર એટ્રોસીટી કરાવતાં તેમ છતાં આ યુવાન નામચીન શખ્સને શરણે ન થતાં ખાર રાખી બુધવારે રાતે પોતાના ત્રણ માણસોને આ બંને ભાઇઓએ મોકલી જમીન મકાનના ધંધાર્થી પર ધોકા-પાઇપથી હુમલો કરાવી હાથ પગ ભંગાવી નાખ્યા હતાં.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પર અયોધ્યા પાર્ક શેરી નં. ૨માં રહેતાં જમીન મકાન લે વેંચના ધંધાર્થી મોઇનભાઇ અનવરભાઇ જુણેજા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ભગવતીપરાના નામચીન ગુલમહમદ ઉર્ફ ગુલીયો ઇબ્રાહીમ ઓડ, સલીમશા હનીફશા શાહમદાર, સદામ હનીફશા શાહમદાર, સાવન મીઠાભાઇ પરમાર અને નાસીર ઇબ્રાહીમ મોડ વિરૂધ્ધ આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૨૦ (બી), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
મોઇનભાઇ જુણેજા પર રાતે ભગવતીપરા સુખસાગર હોલ પાસે લોખંડના પાઇપ, લાકડી જેવા હથીયારોથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાખવામાં આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા અને ધર્મેન્દ્રભાઇ હુદડે બી-ડિવીઝનમાં જાણ કરતાં પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ. આઇ. શેખ સહિતે ગુનો નોંધ્યો હતો.
મોઇનભાઇએ હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને સંતાનમાં એક દિકરો છે. મારી ાસથે મારો નાનો ભાઇ, માતા પણ રહે છે. મારે સુખસગાર હોલ પાસે સબર નામે જમીન-મકાન લે-વેંચની ઓફિસ છે. બુધવારે રાતે સાડા આઠેક વાગ્યે હું ઓફિસેથી ઘરે જવા માટે ઓફિસ બંધ કરી બાજુમાં આવેલી દૂધની ડેરીએથી દૂધ લઇ એક્ટીવા પર બેસી રવાના થતો હતો ત્યાં જ અચાનક પાછળ ત્રણ જણા સલીમશા, સદામ, સવાને આવી લાકડી-પાઇપથી હું કંઇ બોલુ એ પહેલા હુમલો કરી દીધો હતો. તેમજ આડેધડ માર માર્યો હતો. આ કારણે હું પડી ગયો હતો.
મને બને પગના નળામાં પાઇપ ફટકારતાં અને વાંસામાં લાકડીઓથી માર મારતાં તેમજ હાથ પર પણ ફટકા મારતાં ઇજાઓ થતાં મેં રાડારાડી કરી મુકતાં લોકો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન આ બધા ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી અને મારો ભાઇ માહિદ પણ આવી ગયો હતો અને મને સારવાર માટે ખસેડયો હતો. તબિબે નિદાન કરતાં બંને પગ, હાથના કાંડામાં ફ્રેકચર થયાનો રિપોર્ટ આવ્યો હતો.
હુમલાનું કારણ એવુ છે કે પાંચેક મહિના પહેલા ભગવતીપરામાં રહેતાં ગુલમહમદ ઉર્ફ ગુલીયોના દિકરા આફતાબ ઉર્ફ કારીયો અને મહમદ હુશેન પઠાણ વચ્ચે ઝઘડો થતાં ગુલમહમદ ઉર્ફ ગુલીયાએ મારા મહમદ હુશેન પઠાણને માર માર્યો હતો. મહમદ મારો અને મારા ભાઇ માહિદનો મિત્ર હોઇ જેથી અમે તેની મદદમાં રહ્યા હતાં. આ કારણે ગુલમહમદ ઉર્ફ ગુલીયો મારા વિરોધમાં થઇ ગયો હતો. એ પછી આજથી ચારેક મહિના પહેલા ગુલમહમદ મોડ અને તેનો નાનો ભાઇ નાસીર મોડ બંનેએ મારી ઓફિસે આવી ગાળો દીધી હતી અને કહેલું કે ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે. તેમ કહી બંને જતાં રહ્યા હતાં. ત્યારથી અમારી વચ્ચે મનદુઃખ ચાલતું હોઇ આ બંને ભાઇઓના કહેવાથી તેના મિત્ર સાજન પરમારે મારા વિરૂધ્ધ અગાઉ એટ્રોસીટી પણ કરી હતી. આમ છતાં હું ગુલીયા અને નાસીરના શરણે ન થતાં આ બંને ભાઇઓ મને શારીરિક નુકસાન પહોંચાડવાની ફીરાકમાં હોઇ બુધવારે રાતે તક જોઇ ગુલીયા અને તેના ભાઇ નાસીરના કહેવાથી તેના માણસોએ મારા પર હુમલો કર્યો હતો.
પોલીસે ટોળકીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. ગુલમહમદ ઉર્ફ ગુલીયો અગાઉ પણ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે.
(12:52 PM IST)










