<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

બાવીસ દિવસમાં ટ્રાફિક ભંગના ૫૦૪૫૧ કેસ કરી ૨ કરોડ ૬૨ લાખનો દંડ ફટકારાયો

લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેર ટ્રાફિક પોલીસની ટીમો સતત વાહન ચેકીંગ ડ્રાઇવ યોજી કાર્યરત રહી : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પૂજા યાદવની સુચના અને એસીપી જે. બી. ગઢવીના સુપરવીઝનમાં પીઆઇ બી. પી. રજયા, પીઆઇ એમ. જી. વસાવાની ટીમોએ નોંધપાત્ર કામગીરી કરી : વાહનના કાગળો ન રાખવા, ત્રિપલ સવારી, નો-પાર્કિંગ, ફેન્‍સી નંબર પ્‍લેટ, કાળી ફિલ્‍મો, ઓવર સ્‍પીડ, હેલ્‍મેટ, જોખમી રીતે વાહન હંકારવા, સીટ બેલ્‍ટ ન બાંધવો, બીન જરૂરી હોર્ન વગાડવા, સિગ્નલ ભંગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઇલમાં વાત કરવી, કાળી ફિલ્‍મો રાખવી, વીમા વગર વાહન હંકારવા, નંબર પ્‍લેટ ન રાખવી, મોડફાઇ કરેલા સાયલેન્‍સર રાખવા સહિતના કેસ કરવામાં આવ્‍યા હતાં

રાજકોટ તા. ૯: શહેરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત આચાર સંહિતા જાહેર થતાં જ પોલીસ ચૂંટણીને લગતી કામગીરીમાં વ્‍યસ્‍ત થઇ ગઇ હતી. જેમાં શહેરના તમામ પોલીસ સ્‍ટેશનની ટીમો, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબીની સાથે સાથે ટ્રાફિક બ્રાંચે પણ નોંધપાત્ર કામગીરી કરી હતી. બાવીસ દિવસ સુધી સતત અલગ અલગ વિસ્‍તારોમાં ડ્રાઇવ યોજી કુલ અડધા લાખથી વધુના જુદા જુદા ટ્રાફિક નિયમોના ભંગ બદલ કેસ કરી ૨ કરોડ ૬૭ લાખથી વધુનો દંડ ફટકારાયો હતો. સોૈથી વધુ રજીસ્‍ટ્રેશન વગર વાહનો હંકારવાના ૨૧૭૧૬ કેસ તથા ત્રણ સવારીમાં વાહન હંકારવાના ૧૦૮૪૯ કેસ થયા હતાં. જેમાં હાજર દડ અને ઇ-ચલણના કેસ સામેલ હતાં.

ટ્રાફિક શાખાના એસીપી જે. બી. ગઢવીએ જણાવ્‍યું હતું કે લોકસભાની ચૂંટણી અન્‍વયે શહેરમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરીની સુચના અને ડીસીપી ટ્રાફિક  પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં ટ્રાફિક બ્રાંચની ટીમોએ તા. ૧૫/૩ થી તા. ૬/૫ સુધી શહેરભરમાં અલગ અલગ વિસ્‍તારમામં ડ્રાઇવ યોજી અસરકારક કામગીરી કરી હતી.

જેમાં રજીસ્‍ટ્રેશન વગરના વાહનો ચલાવવાના ૨૧૭૧૬ કેસ, ડ્રાઇવીંગ લાયસન્‍સ વગર વાહન ચલાવવાના ૯૨૫, મોડીફાઇ સાયલેન્‍સર સાથેના વાહનો ચલાવવાના ૧૭, લાયસન્‍સ રદ થયું હોઇ છતાં વાહન ચલાવવાના ૩, વીમા વગર વાહનો ચલાવવાના ૧૮૨૫, જોખમી રીતે વાહનો હંકારવાના ૨૨૨, સીટ બેલ્‍ટ વગર વાહન ચલાવવાના ૪૫૭૩, કાળી ફિલ્‍મ લગાવીને વાહન ચલાવવાના ૨૭૨૨, ત્રણ સવારીના ૧૦૮૪૯, બીન જરૂરી હોર્ન વગાડવાના ૧૩૭, ટ્રાફિક સિગ્નલ ભંગના ૨૦૦, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવાના ૧૭૩૦ કેસ નોંધાયા હતાં અને દંડ વસુલાયો હતો. આ ઉપરાંત નંબર પ્‍લેટ વગર વાહન હંકારવાના ૭૮૭૦, નોંધણી રદ થઇ હોવા છતાં વાહન હંકારવાના ૯, નો પાર્કિંગમાં વાહન રાખવાના ૪૪૩ અને હેલ્‍મેટ વગર વાહન હંકારવાના ૯૯૬ કેસ કરાયા હતાં. આ રીતે બાવીસ (૨૨) દિવસમાં કુલ ૫૪૨૫૧ કેસ કરી હાજર દંડ, ઇ-ચલણના દંડ મળી કુલ રૂા. ૨,૬૨,૭૩,૮૦૦નો દડ ફટકારવામાં આવ્‍યો હતો.

જ્‍યારે ઇન્‍ટરસેપ્‍ટર વેનના સ્‍ટાફ દ્વારા કુલ ૫૮૮૭ કેસ કરીને રૂા. ૧,૨૭,૫૮,૫૦૦ના ઇ-ચલણ અપાયા હતાં.  તેમ વધુમાં એસીપી ટ્રાફિક જે. બી. ગઢવીએ જણાવ્‍યું હતું. તેમના સુપરવિઝનમાં પીઆઇ બી. પી. રજયા, પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ અને તેમની ટીમોએ આ કામગીરી કરી હતી.

(2:45 PM IST)