તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 9th May 2024
૨૮ વર્ષના યુવાન અને ૪૫ વર્ષના આધેડના હૃદય ધબકારા ચુકી ગયા
હાર્ટએટેકથી વધુ બે જીવ ગયા : પરિવારજનોમાં શોકની કાલીમા : સુરતથી રાજકોટ મિત્રના ઘરે આવેલા આકાશભાઇ ગડીયા અને ભગીરથ સોસાયટીના પંકજભાઇ ચોૈહાણ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ દમ તોડી દીધો

રાજકોટ તા. ૯: એકાએક હૃદય બંધ પડી જવાની વધુ બે ઘટના બની છે. સુરતથી રાજકોટ ઉમિયા ચોકમાં મિત્રના ઘરે આવેલા ૨૮ વર્ષના યુવાન અને સામા કાંઠે રહેતાં આધેડનું ઇમિટેશનના કારખાને ઢળી પડયા બાદ મૃત્યુ થયું છે. બંનેના હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સ્વજનોએ કહ્યું હતું.
જાણવા મળ્યા મુજબ સુરત કારગીલ ચોક અમી પાર્કમાં રહેતો આકાશભાઇ મનસુખભાઇ ગડીયા (ઉ.વ.૨૮) નામનો યુવાન રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉમિયા ચોકમાં આવેલી વિષ્ણુ સોસાયટી-૧માં મિત્ર વૃજભાઇ કોટડીયાના ઘરે ગત રાતે આવ્યો હોઇ અહિ સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર આકાશભાઇ બે ભાઇમાં નાનો અને કુંવારો હતો. તેના મોટા ભાઇ દુબઇ રહે છે. પિતા હયાત ન હોઇ પોતે માતા સાથે સુરત રહેતો હતો અને નોકરી કરતો હતો. મુળ ચાંપાબેડાનો ગામનો વતની હોઇ અને ત્યાં કાકાના નામની નવ વીઘા જમીન આવી હોઇ તે પોતાના નામે કરાવવાની હોઇ તેના કાગળો કરાવવા તે રાજકોટ આવ્યો હતો. સવારે હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થયું હતું.
બીજા બનાવમાં સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૩માં રહેતાં પંકજભાઇ બચ્ચનભાઇ ચોહાણ (ઉ.વ.૪૫) રાતે દસેક વાગ્યે રિધ્ધી સિધ્ધી હાઉસીંગ બોર્ડમાં ગોલ્ડન પ્લેટીંગ નામના ઇમિટેશનના કારખાને હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તે મુળ યુપીના વતની હતાં અને છ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
પોપટપરાના જગદીશભાઇનું
બેભાન હાલતમાં મોત
અન્ય એક બનાવમાં પોપટપરા-૧૫માં રહેતાં જગદીશભાઇ મોહનભાઇ પરસોંડા (ઉ.વ.૫૭)ને લાંબા સમયથી શ્વાસની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર નવ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા અને ધર્મેન્દ્રભાઇ હુદડે પ્ર.નગર તથા થોરાળા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરી હતી.
(2:46 PM IST)










