તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
કણકોટ ખાતે થ્રી-લેયર સુરક્ષા : કલાસ-ટુને રાઉન્ડ ધ કલોક ડયુટી
ગેઇટ ઉપર પોલીસ - કમ્પાઉન્ડમાં SRP તથા સ્ટ્રોંગરૂમો પાસે અર્ધ લશ્કરી દળો તૈનાત : કલેકટર સવારથી મતગણત્રી સ્થળે : ચૂંટણીને કારણે લેન્ડગ્રેબીંગ કેસોનો ભરાવોઃ ૨૫૦ આસપાસ કેસો : સંખ્યાબંધ કેસો હાલ તપાસમાં

રાજકોટ તા. ૯ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઇ હવે ૪ જૂને મતગણત્રી યોજાશે. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણત્રી કણકોટ એન્જીનિયરીંગ કોલેજ - કાલાવડ રોડ ખાતે રખાઇ છે, તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા છે. મતગણત્રી માટે ૧૨૦૦ના સ્ટાફના ઓર્ડરો હવે નીકળશે, આ ઓર્ડરો બાદ તેમની તાલીમ, રેન્ડેમાઇઝેશન યોજાશે અને ૪ જૂને તમામને સવારે ૫ થી ૬ની વચ્ચે એન્ટ્રી અપાશે.
દરમિયાન જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચના ઓબ્ઝર્વર બંને પરત ફર્યા છે, ખર્ચના ઓબ્ઝર્વર હવે ૪ જૂન બાદ આવશે, જ્યારે જનરલ ઓબ્ઝર્વર તા. ૨ જૂનના રોજ આવી જશે.
દરમિયાન કલેકટર કચેરીના ઉચ્ચત્તમ અધિકારી સૂત્રોએ આજે ઉમેર્યુ હતું કે, મતગણત્રી સ્થળ કણકોટ એન્જીનિયરીંગ કોલેજ ખાતે કલેકટર દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી થ્રી-લેયર સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો છે.
મતગણત્રી સ્થળ કણકોટ એન્જી. કોલેજના મેઇનગેઇટ બહાર પોલીસ સ્ટાફ, ગેઇટ અંદર કમ્પાઉન્ડમાં એસઆરપી જવાનોનો તથા ઇવીએમ સ્ટ્રોંગરૂમો બહાર અર્ધલશ્કરી દળોનો પહેરો રાઉન્ડ ધ કલોક મૂકી દેવાયો છે.
આ ઉપરાંત રાઉન્ડ ધ કલોક કલાસ-ટુ અધિકારીઓની પણ ડયુટીના ઓર્ડરો નીકળ્યા છે, નાઇટ શીફટમાં પણ કલાસ-ટુ અધિકારી ફરજીયાત રહેશે. આ ઉપરાંત ૩૦૦થી વધુ સીસીટીવી કેમેરા મુકાયા છે.
રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી પોતે આજે સવારથી મતગણત્રી સ્થળે દોડી ગયા છે, અને આખા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ અપાઇ હતી. દરમિયાન ચૂંટણીને કારણે લેન્ડગ્રેબીંગ કેસોનો ભારે ભરાવો થયો છે. અંદાજે ૨૦૦ થી ૨૫૦ જેટલા કેસો પેન્ડીંગ હોવાનું અને સંખ્યાબંધ કેસો હાલ પોલીસ તથા મામલતદારની તપાસમાં હોવાનું બહાર આવ્યું છે, કાલથી ત્રણ દિવસ રજા છે, આથી આવતા અઠવાડિયે કલેકટર જો તારીખ આપે તો લેન્ડગ્રેબીંગ કમિટિની મીટીંગ મળશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.(
(2:46 PM IST)










