તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
અમીન માર્ગ પરના સુર્ય પાર્કમાં પેટમાં દુઃખાવો ઉપડયા બાદ ૧૨ વર્ષના પ્રહર પાનસુરીયાનું મોત
જયપુર રહી અભ્યાસ કરતો હતોઃ પિતા હયાત નથીઃ કપાસીની સારવાર માટે માતા રાજકોટ તેડી લાવ્યા'તાઃ મોતનું કારણ જાણવા વિસેરા લેવાયાઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯: હાર્ટએટેકથી મૃત્યુની સતત બની રહેલી ઘટનાઓ વચ્ચે શહેરના અમીન માર્ગ પર સુર્ય પાર્કમાં માતા સાથે રહેતાં બાર વર્ષના બાળકને રાત્રે પેટમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા તબિબે વિસેરા લઇને પરિક્ષણ માટે મોકલ્યા હતાં. લીધા છે.
આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ અમીન માર્ગ પર સુર્યપાર્કમાં અક્ષર ગેરેજ વાળી શેરીમાં ભાડાના મકાનમાં માતા ભવિકાબેન પ્રકાશભાઇ પાનસુરીયા સાથે રહેતાં પ્રહર (ઉ.વ.૧૨) બાળકને આજે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા સહિતે માલવીયાનગર પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર પ્રહરના પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રહરના પિતા પ્રકાશભાઇ પાનસુરીયાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. તે એકનો એક દિકરો હતો અને હાલમાં રાજસ્થાનના જયપુર ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. ત્યાંથી ત્રણેક દિવસ પહેલા તેણે ફોન કરી પગમાં કપાસી થઇ હોઇ દુઃખાવો થતો હોવાની વાત કરતાં માતા ભાવિકાબેન તેને તેડી લાવ્યા હતાં અને દવા સારવાર કરાવી હતી. આજે પરત તેને જયપુર જવાનું હતું. પણ ગત રાતે પ્રહરે પેટમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરતાં તેને નજીકના મેડિકલ માંથી દવા લઈ પીવડાવવામાં આવી હતી. એ પછી તે સુઇ ગયો હતો.
આજે સવારે તે જાગતો ન હોઇ ભાવિકાબેને પરીચીતને બોલાવી તેને પ્રથમ મવડી આસ્થા હોસ્પિટલમાં, ત્યાંથી સીનર્જીમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં કલ્પાંત સર્જાયો હતો. પ્રહરની અંતિમવિધી માટે મૃતદેહ માતા ભાવિકાબેનના વતન ચાંદલી ગામે લઇ જવાનો હતો. પરંતુ તેણીના સાસરિયા પક્ષ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવા જણાવાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ એસ. એ. સિંધીએ જરૂરી કાર્યવાહી કરી હતી. તબિબે વિસેરા લઇ પરિક્ષણમાં મોકલ્યા હતાં. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ તપાસ થશે. બનાવથી સ્વજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:15 PM IST)










