News of Friday, 10th May 2024
ધંધામાં મંદીને કારણે કોઠારીયા રાધા પાર્કમાં કારખાનેદાર જીજ્ઞેશભાઇ પદમાણીનો આપઘાત
પરિવારજનો લગ્નમાં ગયા બાદ લટકી ગયાઃ ભાગીદારનો ફોન સતત નો રિપ્લાય થતો હોઇ તે ઘરે તપાસ કરવા આવતાં ઘટનાની જાણ થઇઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૦: આર્થિક ભીંસ અને ટેન્શનને કારણે વધુ એક યુવાને આત્મહત્યા કરી છે. કોઠારીયાના સાઇબાબા સર્કલ પાસે રહેતાં અને ભાગીદારીમાં કારખાનુ ધરાવતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ સાઇબાબા સર્કલ્ નજીક રાધા પાર્ક-૧માં રહેતાં જીજ્ઞેશભાઇ મગનભાઇ પદમાણી (ઉ.વ.૩૭) નામના યુવાને ઘરમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી નિલેષભાઇએ તેમને મૃત જાહેર કરી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ વી. એ. ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
બનાવને પગલે હેડકોન્સ. દિગ્પાલસિંહ જે. જાડેજા સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જીજ્ઞેશભાઇ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે કોઠારીયામાં જ ભાગીદારીમાં કારખાનુ ધરાવતાં હતાં. હાલમાં કામધંધામાં મંદી હોઇ આર્થિક ભીંસમાં આવી ગયા હતાં. બુધવારે કારખાનામાં રજા હોઇ ઘરે હતાં. બીજી તરફ ઘરના સભ્યો બહારગામ લગ્નમાં ગયા હતાં. ગુરૂવારે જીજ્ઞેશભાઇ કારખાને મોડે સુધી ન જતાં ભાગીદારે ફોન જોડતાં ફોન પર પણ સંપર્ક ન થતાં તેઓ ઘરે તપાસ કરવા આવ્યા ત્યારે જીજ્ઞેશભાઇ લટકતા મળ્યા હતાં. ત્રણ ચાર મહિનાથી ધંધામાં મંદી હોઇ આર્થિક ખેંચ ઉભી થતાં પગલુ ભર્યાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી.
(4:18 PM IST)










