તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
પહેલા ફ્રેન્ડશીપની વાત કરી પછી કહ્યું-લવ કરુ છું, કોઇની થવા નહિ દઉં...ધમકી દઇ વારંવાર દૂષ્કર્મઃ નિલેષ ઉર્ફ રવિ પકડાયો
બે સંતાનની માતાના ફોન નંબર મેળવી સતત મેસેજ કોલ કર્યા...એક દિવસ ઘરમાં ઘુસી વ્હોટ્સએપ હેક કર્યુ, પછી ફરીવાર આવી પતિ-સંતાનો-ભાઇને મારી નાખવાની ધમકી દઇ બળજબરી આચરીઃ ત્યારબાદ બ્લેકમેઇલીંગ કરી વારંવાર દેહ પીંખ્યો : મહિલાની ઘરે જઇ અને હોટેલમાં બોલાવી ધરાર દેહ ભોગવ્યોઃ એક વખત પતિ જોઇ જતાં મહિલાને માવતરે મોકલી દીધીઃ પોતાને ધમકી દઇ રવિએ ફસાવ્યાનું કહેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇઃ ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ આરોપીને દબોચ્યો એક વખત મહિલાને ફોન કરી કહ્યું-મને સપનું આવ્યું છે કે તું બીજા સાથે ભાગી ગઇ એટલે ફોન કરવો પડયો! : રેકોર્ડીંગ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ એક સંતાનનો પિતા પાનનો ધંધાર્થી વારંવાર બળજબરી આચરતો હોવાનો આરોપ

રાજકોટ તા. ૧૩: દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. બે સંતાનની માતા એવી પરિણીતાના એક સંતાનના પિતા એવા શખ્સે કોઇપણ રીતે મોબાઇલ નંબર મેળવી લઇ ‘તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે' કહેતાં પરિણીતાએ ના પાડવા છતાં તેને મસેજ કરી વાતચીત કરી બાદમાં ફોન કરી ‘હું તને લવ કરુ છું, તું મારી જ છો, કોઇની થવા નહિ દઉ, ભગાડી જઇશ' કહી એક દિવસ તેણીના ઘરમાં ઘુસી જઇ વ્હોટ્સએપ પોતાના ફોનમાં કનેક્ટ કરી હેક કરી લઇ ફરીથી મેસેજ ચાલુ કરી બાદમાં ઘરમાં ઘુસી તારી સાથે સંબંધ બાંધવા છે, ના પાડીશ તો ભગાડી જઇશ, તારા પતિ, ભાઇ, સંતાનને મારી નાખીશ તેવી ધમકી આપી બળજબરી આચરી લેતાં અને બાદમાં આ રીતે વારંવાર ઘરે આવી તેમજ હોટેલમાં બોલાવી દૂષ્કર્મ આચરતાં એક વખત તેણીને હોટેલમાંથી નીકળતાં પતિ જોઇ જતાં માવતરે મોકલી દેવાઇ હતી. હવે પતિએ છુટાછેડા માંગતા તેણીએ માવતરને જાણ કરતાં વાત પોલીસ સુધી પહોંચતાં ગુનો નોંધી તેને પકડી લેવાયો છે.
આ બનાવમાં ભોગ બનનાર ૨૮ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે કોઠારીયા રોડ વિનોદનગર મેઇન રોડ પર અમરનાથ પાર્ક-૧માં રહેતાં નિલેષ ઉર્ફ રવિ દાદભાઇ મકવાણા (ઉ.વ.૩૧-ધંધો પાન બીડીની દૂકાન) વિરૂધ્ધ આઇપીસી ૩૭૬ (૨) એન, ૩૨૩, ૫૦૬ (૨) મુજબ ગુનો બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
ભોગ બનનાર પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું શહેરમાં રહુ છુ અને મારે બે સંતાન છે. મારો પરીચય પાંચેક વર્ષ પહેલા રવિ મકવાણા સાથે થયો હતો. તે વખતે સામાન્ય વાતચીત કરી હતી. એ પછી રવિએ કોઇપણ રીતે મારા ફોન નંબર મેળવી લઇ મને ફોન કરી ‘તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે, આટલા ટાઇમમાં હું તને કહી જ ન શક્યો' તેમ કહેતાં મેં તેને મારે ફ્રેન્ડશીપ નથી રાખવી તેમ કહી દીધુ હતું. પરંતુ ત્યારબાદ તેણે મને વ્હોટ્સએપમાં મેસેજ ચાલુ કર્યા હતાં. મેં ના પાડી છતાં તે મેસેજ કરી નોર્મલ વાતો કરતો હતો.
આજથી બે અઢી વર્ષ પહેલા ફોન કરી સીધુ કહેલું કે-હું તને લવ કરુ છું, તું મારી જ છો અને મારી જ કરીને રાખીશ, હું તને કોઇની થવા નહિ દઉં, હું તને ભાગડી જઇશ, ચાલ આપણે ભાગી જઇએ તેમ કહ્યું હતું. આ રીતે ઘણી વખત કહેલું પણ મારો સંસાર બગડે નહિ જેથી મારે આ કરવું નહોતું. એક દિવસ મારા સાસુ ઘરેથી બહાર ગયેલા અને પતિ પણ કામે ગયા હોઇ હું બપોરે ઘરે એકલી હતી ત્યારે રવિ સીધો ઘરમાં ઘુસી ગયો હતો. મેં તેને તું શું કામ ઘરે આવ્યો? તેમ પુછતાં તેણે મારો ફોન લઇ લીધો હતો અને મારુ વ્હોટ્સએપ તેના વ્હોટ્સએપ સાથે કનેક્ટ કરી લીધું હતું. એ પછી થોડીવાર બેસીને તે જતો રહ્યો હતો.
ત્યારબાદ રવી તેના બીજા નંબરમાંથી મને ફોન અને મેસેજ કરતો હતો. આ ઉપરાંતના એક નંબરમાંથી વ્હોટ્સએપ મેસેજ અને કોલ કરતો હતો. ત્યારબાદ થોડા સમય પછી રવિએ મને ફોન કરી હું તારા ઘરે આવું છું તેમ કહેલુ અને બપોરે અઢી વાગ્યા આસપાસ હું એકલી હતી તયારે તે આવ્યો હતો અને તારી સાથે પરાણે સંબંધ બાંધવા છે તેમ કહેવા માંડતા મેં ના પાડતાં તેણે જો તું નહિ માને તો હું ભગાડીને લઇ જઇશ, તારા સંતાન અને પતિને, ભાઇને મારી નાખીશ એવી ધમકી આપી મેં ના પાડવા છતાં ઉપરના રૂમમાં લઇ જઇ બળજબરીથી શરીરસંબંધ બાંધી લીધો હતો. તેણે મારો આખો મોબાઇલ વ્હોટ્સએપ હેક કરી કનેક્ટ કર્યો હોઇ હું લોગઆઉટ થાઉ તો પણ મેસેજ અને ફોન કરીને શું કામ લોગઆઉટ થઇ ેતમ કહી હેરાન કરી ટોર્ચર કરતો હતો.
એ પછી એક વખત સવારે હુ઼ એકલી હતી ત્યારે અને એ સિવાય ત્રણ ચાર વખત હું બપોરે એકલી હતી ત્યારે પરાણે આવી બળજબરી કરી શરીર સંબંધ બાંધી લીધા હતાં. હું બીકને લીધે ઘરના સભ્યોને વાત કરી શકતી નહોતી. મારુ વ્હોટ્સએપ તેના ફોનમાં કનેક્ટ હોઇ હું કુટુંબમાં દિયર, સગા વ્હાલા સાથે મસ્તીથી વાત કરુ તો તેના નંબર બ્લોક કરાવી દેતો હતો અને તેની સાથે વાત કરવાની ના પાડી માનસીક ત્રાસ આપતો હતો.
એક વખત તે મારી ઘરે આવ્યો ત્યારે ફોટા પાડી લીધા હતાં. તે વાયરલ કરવાની ધમકી આપી મને ભુતખાના ચોક પાસેની હોટેલમાં બોલાવી ત્યાં પણ મારી સાથેના ફોટા અને વાતચીતનું રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી દઇ બળજબરીથી હોટેલમાં પણ શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી ગયા ડિસેમ્બર મહિનામાં મારી ઘરે આવી ફરીથી બળજબરી આચરી હતી. આ કારણે હું કંટાળી ગઇ હોઉ મેં તેના મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધુ હતું.
ત્યારબાદ હું માવતરે રોકાવા ગઇ ત્યારે પણ મને ફોન કરીને કહેલું કે-મને એવું સપનુ આવ્યું છે કે તું બીજા સાથે જતી રહી, એટલે મારે તને ફોન કરવો પડયો! આમ કહીને તે ફરીથી મેસેજ કરવા માંડયો હતો. આ પછી તા. ૫/૨/૨૪ના રોજ હું ખુબ બિમાર પડતાં હોસ્પિટલે જતી હતી ત્યારે મને ફોન કરી હોટલે બોલાવી હતી. મને મજા નથી તેમ કહેતાં તેણે તારો મોબાઇલ હેક કરવો છે, તું તાત્કાલીક આવ તેમ કહેતાં મેં ના પાડવા છતાં મને ભૂતખાના ચોકની હોટેલના ઉપરના રૂમમાં લઇ ગયેલો. જ્યાં મારો આખો ફોન ચેક કર્યો હતો. એ પછી વ્હોટ્સએપમાં કનેક્ટ કરી બળજબરી કરવાની મારા કપડા કાઢવાની કોશિષ કરી હતી. પણ મને મજા ન હોઇ મેં આજીજી કરતાં અડપલા કરી શરીર સંબંધ બાંધ્યા વગર જવા દીધી હતી.
આ હોટેલમાંથી બહાર નીકળતી વખતે મારા પતિ મને જોઇ જતાં મારો ફોન લઇ લીધો હતો. ત્યારબાદ પતિને આખી વાતની ખબર પડી હતી. રવિએ આ બધુ ધાકધમકી આપીને મારી પાસે કરાવ્યું છે તેવી વાત મેં પતિને કરી હતી. પતિએ પીયરમાં જતાં રહેવાનું કહેતાં હું બે અઢી મહિનાથી પિયરે જ છું. હવે પાંચ છ દિવસ પહેલા પતિએ છુટાછેડાની વાત કરતાં મારા માવતરને મેં જાણ કરતાં હવે રવિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવા મને હિમ્મત આપતાં મેં ફરિયાદ કરી હતી. પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપી રવિને પકડી લીધો છે. તે પરણેલો છે અને એક સંતાનનો પિતા છે.
(4:52 PM IST)










