<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મને મરી જવા મજબૂર કરનાર રાજીવ કોઠારી છે...ચિઠ્ઠી લખી કરિયાણાના વેપારી અનિલભાઇ સેદાણીનો આપઘાત

નવી કોર્ટ પાછળ રહેતાં વેપારીએ સવારે પુષ્‍કરધામ નંદી પાર્ક મેઇન રોડ પર પોતાની સદ્દગુરૂ પ્રોવિઝન સ્‍ટોર નામની દૂકાન પાછળ ઝેરી દવા પી લીધીઃ સારવાર માટે ખસેડાયા :પણ જીવ ન બચ્‍યોઃ યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : અનિલભાઇએ ચિઠ્ઠીમાં લખ્‍યું-ગામડાના ડોક્‍યુમેન્‍ટના ઓઠા હેઠળ મારી ગેરહાજરીમાં મારા ભાઇ બકુલભાઇ પાસે ત્રણ ચાર કાગળમાં સહીઓ લઇ લીધી હતીઃ એ ફોન ઉપાડતો નથી, કટ કરી નાખે છે, ઘરનું એડ્રેસ આપતો નથીઃ દૂકાન પચાવી પાડવાનું કાવત્રુ હોવાની શંકા દર્શાવીઃ દસેક લોકો સામેલ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ : અનિલભાઇએ લખ્‍યું-અમારા બે ભાઇના નામે દૂકાનનો દસ્‍તાવેજ છે, અમે અપરિણીત હોઇ આગળ પાછળ કોઇ ન હોઇ દૂકાન પચાવવા કાવત્રુ કરાયું છે!

 

રાજકોટ તા. ૧૩: જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્‍ડીંગ પાછળ અમી હાઇટ્‍સમાં રહેતાં અને યુનિવર્સિટી રોડ પર નંદી પાર્ક મેઇન રોડ પર પુષ્‍કરધામ પાસે સદ્દગુરૂ પ્રોવિઝન સ્‍ટોર નામે દૂકાન ધરાવતાં અનિલભાઇ પ્રાણજીવનભાઇ સેદાણી (ઉ.વ.૬૩) નામના વેપારીએ દૂકાનની પાછળના ભાગે જઇ ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનારા વેપારી પાસેથી ત્રણ પેઇજની સ્‍યુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે પોતાને મરી જવા મજબૂર કરનાર રાજીવ કોઠારી છે...તે સહિતની ચોંકાવનારી વિગતો લખી છે. તેમજ તેમની દૂકાન પચાવી પાડવાના કાવત્રામાં દસેક લોકો સામેલ હોવાનું લખ્‍યું છે.

વધુ વિગતો મુજબ સવારે અનિલભાઇ સાથે તેમના નાના ભાઇ પ્રવિણભાઇ ઉર્ફ બકુલભાઇ સેદાણી પણ દૂકાને હતાં. અનિલભાઇ તેમના ભાઇને હું હમણા આવું તેમ કહી દૂકાનની પાછળના ભાગે ગયા બાદ મોડે સુધી પાછા ન આવતાં નાના ભાઇ તપાસ કરવા જતાં તે અર્ધબેભાન જેવા પડયા હોઇ શું થયું? તે પુછતાં તેણે ઝેરી દવા પી લીધાનું કહેતાં તેમને ૧૦૮ બોલાવી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત ર્ીિનપજતાં  પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે યુનિવર્સિટી પોલીસને કરી હતી.

અનિલભાઇ છ ભાઇ અને ત્રણ બહેનમાં પાંચમા નંબરે અને અપરિણીત હતાં. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ ટેન્‍શનમાં હતાં અને ઉંઘ પણ કરતાં નહોતાં અને સરખુ જમતાં પણ નહોતાં. તેમણે આપઘાત પુર્વે એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્‍યું છે કે- મને મરી જવા મજબૂર કરનાર રાજીવ કોઠારી છે. ગામડાના ડોક્‍યુમેન્‍ટના ઓઠા હેઠળ સહી કરવાના બહાના હેઠળ મારા ભાઇ બકુલભાઇ પાસે આવ્‍યો હતો, મારી ગેરહાજરી હતી, ત્રણ ચાર કાગળમાં બકુલભાઇ પાસે સહી કરી ગયેલ. તેના ફોન નંબર છે. બીજો કોઇપણ પુરાવો નથી. ફોન કરીએ તો ફોન કાપી નાખે છે, ઘરનું એડ્રેસ આપતો નથી. યોગ્‍ય રાહે તપાસ કરાવવા નમ્ર વિનંતી.

ચિઠ્ઠીમાં આગળ લખ્‍યું છે કે-મારા નાના ભાઇ બકુલભાઇને ફસાવવાના કાવતરા અમુક માણસો કરે છે. બ્‍લેકમેઇલ સહિતના. આમા મારા ખાસ મિત્રો હતાં તે ફુટી ગયા છે. મારો ભાઇ સંપુર્ણ નિર્દોષ છે. મારે મારા ભાઇ સાથે કોઇપણ રાગદ્વેષ નથી, મારા ભાઇની ભુલ થઇ ગયેલ છે કે કાગળ વાંચ્‍યા નથી અને સહી કરી નાખી છે. અમારે કોઇપણ સાથે પૈસાનો વ્‍યવહાર નથી. કોઇ પાસે લીધા નથી અને કોઇને આપ્‍યા નથી. મારી દૂકાનના બોગસ ડોક્‍યુમેન્‍ટ ઉભા કરે છે, મારા આધાર કાર્ડ પાન કાર્ડ, બકુલભાઇના આધાર કાર્ડ પાન કાર્ડ સહી કરેલા છે તે ગૂમ થયેલ છે. આ બોગસ ડોક્‍યુમેન્‍ટ જેની પાસે છે તે તેમાં સામેલ છે. કોની પાસે છે તેની અમને નથી. આ કાવતરામાં ઓછામાં ઓછા દસ જણા છે. મારી પાસે મારા નામની આઇ-૧૦ ફોરવ્‍હીલ છે, મે ંકોઇની સાથે સોદા કરેલ નથી, આ દુકાન અમે બંને ભાઇની છે. દસ્‍તાવેજ બંને ભાઇનો છે. અમે બંને ભાઇઓ અનમેરીડ છીએ. આગળ પાછળ કોઇ નથી એટલે દૂકાન પચાવી પાડવાનું કરે છે. અમે સદ્દગુરૂ પ્રોવિઝન સ્‍ટોરના નામે કરીયાણાનો છુટક વેપાર કરીએ છીએ અને રોજીરોટી રળીએ છીએ. લી. અનિલ પી. સેદાણી.

પોલીસે આ ચિઠ્ઠીને આધારે તપાસ હાથ ધરી છે. કોઇ ખોટી સહિઓ કરી દૂકાન નામે કરી લેશે તેવું અનિલભાઇને લાગતાં આ પગલુ ભર્યાની શકયતા તેમના ભાઇઓએ જણાવી હતી. જો કે સહી કરાવી જનાર કોણ? તેનો હેતુ શું? રાજીવ કોઠારી કોણ? આ સવાલો રહસ્‍ય સર્જી રહ્યા છે.

(3:14 PM IST)