<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

આજે તો બાપ-દિકરાને મારી જ નાખવા છે' કહી પાઇપ-બોટલ ફટકારી માથા રંગી નાંખ્‍યા

૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાછળ આવાસ ક્‍વાર્ટરમાં બનાવ : કરીયાણાના ધંધાર્થી અબ્‍દુલભાઇ પરમાર અને પુત્ર અરમાન પર નાના મવા સર્કલ પાસે રહેતાં શાહરૂખનો તેના મિત્ર કરણ સાથે મળી જુના મનદુઃખને લીધે હુમલો

રાજકોટ તા. ૧૩: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ ગોવિંદરત્‍ન બંગલો નજીક આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક ૯, ક્‍વાર્ટર નં. ૧૬૩૭માં રહેતાં અને કરીયાણાની દૂકાન ચલાવી ગુજરાન ચલાવતાં અબ્‍દુલભાઇ ગફારભાઇ પરમાર (ઉ.વ.૩૮) અને તેના પુત્ર અરમાન (ઉ.વ.૧૭) પર નાના મવા સર્કલ પાસે આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં શાહરૂખ ઓસમાણભાઇ જુણાચ અને તેના મિત્ર કરણ બોરીચાએ જુના મનદુઃખને લીધે પાઇપથી હુમલો કરી બંનેના માથા રંગી નાખતા સારવાર માટે દાખલ થવું પડયું હતું.

આ બનાવમાં તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો છે. અબ્‍દુલભાઇએ જણાવ્‍યું છે કે હું મારા બહેન રૂબીનાના ઘરે દિકરા, દિકરી સાથે રહુ છું. મારા પત્‍નિ સાથે છુટાછેડા થઇ ગયા છે. બહેનની કરિયાણાની દૂકાન હું સંભાળુ  છું. રવિવારે સગાના લગ્ન હોઇ ત્‍યાંથી પાછો ફરતો હતો ત્‍યારે દિકરા અરમાને ફોન કરી કહેલું કે નાના મવા સર્કલ પાસે ક્‍વાર્ટરમાં રહેતો શાહરૂખ અને તેનો મિત્ર કરણ આપણી દૂકાને આવ્‍યા હતાં અને ઝઘડો કરી જતાં રહ્યા છે. આથી હું મારી કેજીએન પ્રોવીઝન સ્‍ટોર ખાતે જતાં દિકરો અરમાન હાજર હોઇ મેં તેને પુછતાં કહેલુ કહે શાહરૂખે દુકાને આવી ધમકી આપી હતી કે દૂકાન બંધ કરી દેજો.

જુનો ખાર હોઇ ઝઘડો કર્યો હતો. ત્‍યારબાદ સાંજે શાહરૂખ તેના મિત્ર કરણને લઇને આવ્‍યો હતો અને આ વખતે હાથમાં પાઇપ હોઇ મને ગાળો દઇ પાઇપનો ઘા કરતાં માથામાં મને ઇજા થતાં હું પડી ગયો હતો. ત્‍યારબાદ શાહરૂખે ઢકીાપાટુ માર્યા હતાં. મારો દિકરો વચ્‍ચે પડતાં તેને પણ ધક્કો મારી કહેલું કે આજે તો તમને બાપ દિકરાને જીવતા નથી છોડવા. આ દરમિયાન શાહરૂખ કાચની બોટલ લાવ્‍યો હતો અને મારા દિકરા અરમાન (ઉ.વ.૧૭)ને માથામાં ફટકારી દીધી હતી. હું તેને બચાવવા જતાં મને કરણે ફરીથી લોખંડના પાઇપથી માર માર્યો હતો.

માણસો ભેગા થઇ જતાં  આ બંને ભાગી ગયા હતાં. અમને બાપ -દિકરાને ઇજા થઇ હોઇ મિત્ર એઝાઝભાઇ, અલ્‍તાફભાઇ સહિતના હોસ્‍પિટલે લઇ ગયા હતાં. અમને બાપ-દિકરાને માથામાં ત્રણ ત્રણ ટાંકા આવ્‍યા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં તાલુકાના પીએસઆઇ એલ. બી. ડીંડોર અને કિરીટભાઇ રામાવતે ગુનો દાખલ કર્યો હતો.

(3:29 PM IST)