તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
રાજકોટમાં સાયબર ક્રાઇમની ફરીયાદોમાં ભયજનક હદે વધારો : શહેર કોંગ્રેસ
ઓનલાઇન ફરીયાદ માટે અપાતો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ સતત એંગેજ આવે છે અને વારંવાર ડીસકનેકટ થઇ જાય છે ઓનલાઇન ફરીયાદનો આગ્રહ રાખવામાં આવે છે તેમાં પરિવર્તન જરૂરી : શું સાયબર ક્રાઇમ સેલ પાસે એથીકલ હેકર્સની ટીમ છે ? ભેદ ઉકેલવાની કામગીરી કેમ ઢીલી ?: શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી

રાજકોટ, તા., ૧૩: રાજકોટમાં સાયબર ક્રાઈમની ફરિયાદોમાં છેલ્લા ઘણાં સમયથી ભયજનક હદે વધારો થયો છે અને શહેરીજનો તરફથી આ અંગે અમોને અનેક લેખિત, મૌખિક, ટેલિફોનીક અને રૂબરૂ રજુઆતો મળતા વિરોધ પક્ષ તરીકે અમો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો અને આગેવાનો આપને આ મામલે લેખિત રજુઆત કરીએ છીએ જેને પુરી ગંભીરતાથી લઈને આપના તાબા હેઠળના સ્ટાફને જરૂરી આદેશો જારી કરશો તેવી રજુઆત શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અગ્રણીઓએ પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ પાસે કરી છે.
રાજકોટ શહેરમાં હાલ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એકસ, ઈ-મેઈલ આઈડી વિગેરે જેવા સોશ્યલ મિડિયા ટુલ્સ હેક થવાનું પ્રમાણ ખૂબ વધ્યુ છે, ખાસ કરીને સોશ્યલ મિડિયા એકાઉન્ટ હેક થાય ત્યારબાદ નાગરિકો ખૂબ જ હેરાન-પરેશાન થાય છે, આવા સંજોગોમાં શું કરવું તેની માહિતી દરેક પાસે હોતી નથી. બીજી બાજુ હેકર્સ દ્વારા એકાઉન્ટ યુઝરના આઈડી ઉપરથી મિત્રો, પરિચિતો, સગા તોહીઓ તેમજ સોશ્યલ મિડિયા એકાઉન્ટથી જોડાયેલા હોય તેવા તમામને આર્થિક મદદની માંગણી કરતા, બિટ કોઈનમાં રોકાણ કરવાની અને અઢળક પૈસા કમાવાની લાલચ આપતા મેસેજ મોકલવામાં આવતા હોય છે, આ સ્થિતિમાં જયારે ભોગ બનનાર ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ તરફથી પુરતો સહકાર કે માર્ગદર્શન મળતુ નથી.
ભોગ બનનાર જયારે તેના વિસ્તારની પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશને ફરિયાદ અરજી આપવા કે જાણવા જોગ નોંધ કરાવવા જાય ત્યારે ફરિયાદ અરજી સ્વીકારાતી નથી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જઈને ત્યાં જ અરજી આપો તેમ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાંથી કહેવામાં આવે છે.
ભોગ બનનાર જયારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જાય છે ત્યારે ત્યાં આગળ પણ લેખિત ફરિયાદ અરજી લેવાના બદલે ૧૯૩૦ નંબર ઉપર કોલ કરીને તેમાં ફરિયાદ નોંધાવવા અથવા તો www.cybercrime.gov.in ઉપર ઓનલાઈન ફરિયાદ કરવા જણાવાય છે. ૧૯૩૦ નંબર કયારેય કનેકટ થતો નથી, કનેકટ થાય તો સતત એંગેજ આવે છે અથવા તો લાઈન ડિસ કનેકટ થઈ જાય છે. જયારે www.cybercrime.gov.in ઉપર ઓનલાઈન ફરિયાદ કરવાનું કહેવાય છે પરંતુ આ સાઈટનું સર્વર પણ અવાર-નવાર ડાઉન હોય છે અને કલાકો સુધી મથામણ કરવા છતાં ફરિયાદ નોંધાતી નથી તેમજ દરેક ભોગ બનનારને આ રીતે ઓનલાઈન ફરિયાદ નોંધાવતા પણ આવડતી નથી. રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર ને ઓનલાઈન ફરિયાદ કરતા શીખવાડે કે તેમના વતી જરૂરી પ્રક્રિયા કરી આપે તેવા સ્ટાફની નિમણુંક કરવા અમારી માંગ છે.
ખાસ કરીને જયારે માતાઓ, બહેનો, દીકરીઓ, સ્કૂલ કે કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે આવા બનાવો બને ત્યારે સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે અને તેની સામાજીક પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોય છે.
શહેરમાં અનેક નાગરિકો તેમજ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાયબર ફોડનો ભોગ બનીને નાણાં અને પ્રતિષ્ઠા બન્ને ગુમાવી ચુકયા છે.
આ સંજોગોમાં રાજકોટ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા એક વર્ષમાં કેટલા ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવ્યા અને કેટલા અણઉકેલ છે તેની વિગતો જાહેર કરવામાં આવે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની માંગણી છે.
શું રાજકોટ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાંચ પાસે એથિકલ હેકર્સની ટીમ નથી ? જો હોય તો ગુન્હા કેમ ઉકેલાતા નથી? પોલીસ તંત્ર પ્રસિધ્ધી પ્રેમમાંથી બહાર આવે અને ગુન્હાના ભેદ ઉકેલવાની મુળભુત કામગીરી શરૂ કરે તેમજ સિવિલિયન્સને બદલે ક્રિમિનલ્સને ડરાવે તેવી રાજકોટની ૨૦ લાખની જનતા વતી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની આપને નમ્ર રજૂઆત છે.
આ રજુઆત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો. હેમાંગ વસાવડા, ધરમભાઈ કાંબલીયા, મુકેશભાઈ ધોળકીયા, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, નિદતભાઈ બારોટ, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદત રાવલ સહીતના અગ્રણીઓએ કરી હતી.
(4:53 PM IST)










