News of Monday, 13th May 2024
તું શેરીમાં હોર્ન બહુ વગાડે છે...કહી સણોસરાના ઇલ્યાસભાઇ શેરસીયાનો પગ ભાંગી નખાયો
બે મહિના પહેલા ધોકા-પાઇપથી હુમલો થયો હતોઃ સમાધાન ન થતાં હવે રવિ, ચેતન, એઝાજ અને જસ્મીન વિરૂધ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: કુવાડવાના સણોસરામાં બે મહિના પહેલા એક ખેડૂત યુવાન પર તે જંતુનાશક દવા લેવા ગામમાં ગયો ત્યારે તું શેરીમાં હોર્ન કેમ બહુ વગાડે છે? કહી ધોકા-પાઇપથી હુમલો કરાયો હતો. જેમાં તેનો પગ ભાંગી ગયો હતો. સમાધાનની વાત સફળ ન થતાં હવે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે સણોસરા રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના જ ગામના રવિ ચંદુભાઇ કથીરીયા, ચેતન ચંદુભાઇ કથીરીયા, એઝાઝ હુશેભાઇ ભુવર અને જસ્મીન પીપળીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ બનાવ બે મહિના પહેલા માર્ચ મહિનામાં બન્યો હતો. જે તે વખતે અરજી કરી હતી. સમાધાનની વાત ચાલુ હોઇ જે ન થતાં હવે ફરિયાદ કરી છે.
ઇલ્યાસભાઇ શેરસીયાએ જણાવ્યું હતું કે હં પરિવાર સાથે રહુ છું અને સંતાનમાં એક પુત્ર છે. મારા પત્નિ સણોસરામાં બ્યુટીપાર્લરનું કામ કરે છે. હું ૧૭/૩/૨૪ના રવિવારે સવારે દસથી અગિયાર વચ્ચે ઘરેથી વાડીએ હતો. મારી વાડીમાં મકાઇ અને જુવાર વાવી હોઇ દવા છંટકાવ કરવાની હોવાથી ગામમાં આવેલી કેજીએન એગ્રોમાં દવા લેવા ગયો હતો. ત્યાં દૂકાન માલિક ઇરફાન શેરસીયા હાજર હતાં. એ વખતે ગામનો ચેતન કથીરીયા, રવિ કથીરીયા પણ આ દુકાને આવ્યા હતાં. રવિએ મને ‘તું કેમ શેરીમાં હોર્ન બહુ મારે છે?' તેમ કહી ગાળો દીધી હતી અને અચાનક જ રવિ તથા ચેતને ધોકા તથા પાઇપથી હુમલો કરી માર મારતાં મને માથામાં લોહી નીકળવા માંડયું હતું.
આ ઉપરાંત પગમાં પણ ઘા ફટકાર્યા હતાં. આ વખતે જસ્મીન પીપળીયા આવેલ અને તેણે પણ મને પગથી પાટા માર્યા હતાં. બાદમાં મને દૂકાન બહાર ખેંચી લાવ્યા હતાં અને પાઇપથી વધુ માર માર્યો હતો. રવિએ આજે તો મારી જ નાખવો છે કહી ધમકી આપી હતી. બાદમાં ગામના એઝાજ ભુવર પણ ધોકો લઇને ઉભો હોઇ તેણે પણ મને ગાળો દીધી હતી. આ પછી મારા ભાગીદાર મુકેશભાઇ, રાજસ્થાની માણસ છોટુ અને દુકાન માલિક સહિતે મને છોડાવ્યો હતો. ત્યાં મારા પત્નિ પણ આવી જતાં મને સારવાર માટે રાજકોટ ખસેડયો હતો. અમારે જે તે વખતે સમાધાનની વાત ચાલતી હોઇ માત્ર અરજી કરી હતી. તબિબે પગમાં ફ્રેકચર થયાનો રિપોર્ટ આપ્યો હતો. પણ સમાધાન ન થતાં હવે ગુનો દાખલ કરાવ્યો છે. તેમ વધુમાં ઇલ્યાસભાઇએ જણાવતાં પીઆઇ વી.આર. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:36 PM IST)










