<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

એસ્‍ટ્રોન ચોકમાં ‘હિટ એન્‍ડ રન': કારનો ચાલક રિક્ષાને ઉલાળીને ભાગતાં એકનું મોત, બે ઘાયલ

રિક્ષાચાલક ગાંધીગ્રામના દીપક શર્મા, મેટોડાના ઉપેન્‍દ્ર જાદવને ઇજાઃ છોટાઉદેપુરના વતની મહેશ રાઠવાનું મોતઃ ઇશ્વરીયાની મોદી હાઇસ્‍કૂલમાં માળી તરીકે કામ કરતો હતોઃ વતનથી સવારે પરત આવતાં જ કાળ ભેટયો

તસ્‍વીરમાં કારની ઠોકરે બૂકડો બોલી ગયેલી રિક્ષા અનેકાળનો કોળીયો બનેલો મહેશભાઇ રાઠવા, તેનો ફાઇલ ફોટો અને નીચેની તસ્‍વીરમાં ઘાયલ થયેલા રિક્ષાચાલક દિપક શર્મા તથા ઉપેન્‍દ્ર જાદવ સારવારમાં નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩: શહેરના એસ્‍ટ્રોન ચોકમાં વહેલી સવારે પાંચેક વાગ્‍યે હિટ એન્‍ડ રનની ઘટના બની હતી. જેમાં એક કારચાલક ઓટો રિક્ષાને ઉલાળીને ભાગી જતાં રિક્ષાચાલક અને બે મુસાફરને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે. જેમાં એકની હાલત ગંભીર ગણાવાઇ હતી. સારવાર દરમિયાન આ આધેડે દમ તોડી દીધો હતો. મોદી સ્‍કૂલમાં માળી તરીકે કામ કરતાં છોટાઉદેપુરના વતની એવા આ આધેડ વેકેશનમાં ગયા હોઇ ત્‍યાંથી પરત આજે રાજકોટ આવતાં જ કાળ ભેટી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ એસ્‍ટ્રોન ચોકમાં સવારે અજાણ્‍યો કાર ચાલક એક રિક્ષા નંબર જીજે૦૩એયુ-૧૩૧૪ને ઠોકરે ચડાવી ભાગી જતાં રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો. આ અકસ્‍માતમાં રિક્ષાચાલક ગાંધીગ્રામ-૧૧માં રહેતાં દિપકભાઇ પ્રદિપભાઇ શર્મા (ઉ.વ.૨૬), મુસાફર મુળ છોટાઉદેપુરના હાલ પડધરીના ઇશ્વરીયા ગામની મોદી હાઇસ્‍કૂલમાં માળી તરીકે કામ કરતાં મહેશભાઇ કાળુભાઇ રાઠવા (ઉ.વ.૪૫) અને અન્‍ય મુસાફર મેટોડા જીઆઇડીસીના ઉપેન્‍દ્ર બુહારભાઇ જાદવ (ઉ.વ.૨૨)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે એ-ડિવીઝનને કરતાં હેડકોન્‍સ. લાભુભાઇ જતાપરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. સારવાર દરમિયાન છોટાઉદેપુરના મહેશભાઇ રાઠવાએ દમ તોડી દીધો હતો.

દિપકભાઇ શર્મા નાઇટમાં રિક્ષાના ફેરા કરે છે. તેઓ એસટી બસ સ્‍ટોપથી કેકેવી ચોક તરફ મુસાફરોને લઇને જતાં હતાં ત્‍યારે એસ્‍ટ્રોન ચોકમાં કાર ચાલક રિક્ષાને ઉલાળીને ભાગી ગયો હતો. તે નશાની હાલતમાં હોવાની ચર્ચા થઇ રહી હતી. મુસાફર મહેશભાઇ રાઠવા ઇશ્વરીયાની મોદી સ્‍કૂલમાં માળી તરીકે કામ કરી ત્‍યાં ક્‍વાર્ટરમાં રહેતાં હતાં. હાલમાં વેકેશન કરવા વતન ગયા હતાં. આજે સવારે રાજકોટ પરત આવ્‍યા ત્‍યારે બસ પોર્ટ ખાતે ઉતરી કેકેવી ચોક જવા આ રિક્ષામાં બેઠા હતાં. એ સાથે જ અકસ્‍માત નડતાં કાળ ભેટી ગયો હતો.

મૃત્‍યુ પામનાર મહેશભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(3:55 PM IST)