<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ખુબ શ્રધ્‍ધા રાખવા છતાં માતાજી કામ કરતાં ન હોવાનું લાગતાં પુર્વ સરપંચે મંદિરોની મુર્તિઓ સળગાવી હતી!

જીયાણામાં ત્રણ મંદિરોમાં ગાભા-ટાયર-લાકડાથી આગ લગાડવાનો ભેદ કલાકોમાં ખુલ્‍યો : બંગલાવાળી મેલડી માતા, રામાપીર મંદિરમાં મુર્તિઓ નષ્‍ટ થઇ હતીઃ વાસંગી દાદાનું મંદિર બંધ હોઇ બહાર ગાભા સળગાવ્‍યા'તા : તાલુકા પંચાયતના સદસ્‍ય કાનજીભાઇ મેઘાણીએ ફરિયાદ નોંધાવી : તાલુકા પંચાયતના સદસ્‍ય કાનજીભાઇ મેઘાણીની ફરિયાદ બાદ ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામીત, પીએસઆઇ એ. કે. રાઠોડ, ડી. સ્‍ટાફની ટીમે ભેદ ઉકેલ્‍યોઃ પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની પુછતાછઃ તેણે કહ્યું ખુબ સેવા પુજા કરવા છતાં ઘરમાં તકલીફો ઘર કરી ગઇ હતીઃ મનોમન લાગી આવતાં આગ લગાડી હતી!

રાજકોટ તા. ૧૪: કુવાડવા નજીકના જીયાણા ગામે આવેલા મેલડી માતાજીના મંદિર, રામાપીરના મંદિર અને વાસંગી દાદાના મંદિરમાં કોઇએ લાકડા, ટાયર સળગાવી મુર્તિઓને નષ્‍ટ કરી નાખતાં આ અંગે પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં એરપોર્ટ પોલીસે જીયાણા ગામે રહેતાં ખેડુત અને તાલુકા પંચાયતના સદસ્‍ય કાનજીભાઇ સવશીભાઇ મેઘાણી (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી અજાણ્‍યા વિરૂધ્‍ધ આઇપીસી ૩૯૫, ૪૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો કલાકોમાં ભેદ ઉકેલી પોલીસે આગ લગાડનારા પુર્વ સરપંચ અરવિંદ સરવૈયાને સકંજામાં લઇ પુછતાછ આદરી છે. પોતે માતાજીમાં, ધર્મસ્‍થાનોમાં ખુબ શ્રધ્‍ધા ધરાવતાં હોવા છતાં પોતાના કામ થતાં ન હોઇ અને ઘરમાં તકલીફો રહેતી હોઇ તેથી મનોમન લાગી આવતાં તેણે મંદિરોમાં આગ લગાડી હોવાનું રટણ કર્યુ હતું. કાનજીભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું. અમારા ગામમાં આવેલા બંગલાવાળી મેલડી માતાજીના મંદિરે તા. ૧૨/૫ના રાત્રીના તાવા પ્રસંગ હતો. આથી રાત્રીના નવથી તા. ૧૩ના રાત્રીના એકાદ વાગ્‍યા સુધી ગામલોકો મંદિરે હાજર હતાં. ત્‍યારબાદ રાતના એકાદ વાગ્‍યે બધા ઘરે જતાં રહ્યા હતાં. બીજા દિવસે સવારે નવેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે ગામના લક્ષમણભાઇ પોલાભાઇ રામાણીએ ફોન કરી જાણ કરી હતી કે ગામના પાદરમાં આવેલા રામાપીરના મંદિરની અંદર ટાયર મુકી સળગાવી દેવામાં આવતાં  રામપીરની મુર્તિ નષ્‍ટ થઇ ગઇ છે.

 આ ઉપરાંત ગામમાં આવેલા બંગલાવાળી મેલડી માતાજીના મંદિરમાં પણ કોઇએ લાકડા સળગાવી મેલડી માતાજીની છબી સળગાવી નષ્‍ટ કરી નાખી છે. આ ઉપરાંત વાસંગીદાદાના મંદિરે તાળુ મારેલુ હોઇ અહિ મંદિર બહાર પડેલા કપડાના ગાભા સળગાવવામાં આવ્‍યા છે. આ કારણે રામાપીરની મુર્તિ પણ સળગી ગઇ છે. બંગલાવાળી મેલડી માતાજીના મંદિરની અંદર પણ લાકડા મુકી સળગાવેલા હોઇ રાખ તાજી જ જોવા મળે છે. વાસંગીદાદાના મંદિરે તાળુ હોઇ ત્‍યાં કોઇ નુકસાની થઇ નથી.

કોઇ અજાણ્‍યાએ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી મંદિરને અપવિત્ર કરી મુર્તિને ટાયર અને લાકડાથી સળગાવી હોઇ અમારે ફરિયાદ કરવી પડી છે. પીઆઇ જે. એસ. ગામિતની રાહબરીમાં પીએસઆઇ એ. કે. રાઠોડે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આવુ કૃત્‍ય કોણે અને શા માટે કર્યુ? તે શોધી કાઢવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જે. એસ. ગામીત, પીએસઆઇ એ.કે. રાઠોડ અને ડી. સ્‍ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી સીસીટીવી ફૂટેજ વગેરે ચેક કરતાં શકમંદ મળી ગયો હતો. આ વ્‍યક્‍તિ ગામનો જ પુર્વ સરપંચ રહી ચુકેલો અરવિંદ સરવૈયા ઉમર આશરે ૪૫ હોવાનું માલુમ પડતાં તેને સકંજામાં લઇ પુછતાછ આદરી હતી.

અરવિંદ સરવૈયાએ રટણ કર્યુ હતું કે પોતાને માતાજીમાં, ધાર્મિક સ્‍થાનોમાં ખુબ જ શ્રધ્‍ધા છે. પોતે નિયમીત પુજાપાઠ કરે છે. આમ છતાં પોતાના ઘરમાં અનેક તકલીફો રહે છે. પોતાના પત્‍નિ પણ ઘરેથી નીકળી ગયા છે. આ જોતાં પોતાને મંદિરોમાં મતાજીમાં શ્રધ્‍ધા હોવા છતાં કામ થતાં ન હોઇ મનોમન લાગી આવતાં તેણે મંદિરોમાં લાકડા, ગાભા, ટાયરોથી આગ લગાડી હતી. પોલીસ તેની વિધીસર ધરપકડ બાદ આગળ કાર્યવાહી કરશે.

(3:27 PM IST)