News of Tuesday, 14th May 2024
પૂ. રણછોડદાસજીબાપુ આંખની હોસ્પિટલને મનેષભાઇ માદેકા દ્વારા માતબર રકમનું દાન
આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામૂલ્યે સારવારઃ પૂ. ગુરૂદેવના આશિર્વાદ સાથે સો કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ અત્યાધુનિક : * પૂ. ગુરૂદેવના શબ્દો ‘‘મુજે ભૂલના પર નેત્રયજ્ઞ મત ભૂલના'' ને અક્ષરસઃ સાર્થક કરતી પૂ. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં રોજ ૩૦૦ જેટલા મોતીયાના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે * નવનિર્મિત ૯ માળની હોસ્પિટલ એશિયાની સર્વપ્રથમ હોસ્પિટલ હશે કે જયાં અલ્ટ્રામોડર્ન ટેકનોલોજી સાથે આંખને લગતી તમામ સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ બનશે * આંખની સારવારના અજોડ સેવાયજ્ઞમાં શ્રી કિરીટભાઇ ગણાત્રાના વડપણ હેઠળ સદ્્ગુરૂ સદન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ વસાણી, રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. ચેતનભાઇ હિન્ડોચા, નરેન્દ્રભાઇ નથવાણી, પરેશભાઇ ભગત (મુંબઇ) તથા નવનિર્મિત હોસ્પિટલના કો-ઓર્ડીનેટર ડો. પરષોતમભાઇ પીપરીયા સતત કાર્યરત

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ ઉપર જેમની અપાર કૃપા છે એવા સંત શ્રી પ.પૂ. રણછોડદાસજી મહારાજ (પૂ. ગુરૂદેવ)ના આજીવન ઉપયોગી શબ્દો ‘‘મુજે ભૂલના પર નેત્રયજ્ઞ મત ભૂલના'' ને અક્ષરસઃ સાર્થક કરતી આંખની હોસ્પિટલ ‘પૂ. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ' રાજકોટ દ્વારા હાલમાં દરરોજ અંદાજે ૩૦૦ થી પણ વધુ મોતીયાના ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સૌરાષ્ટ્રના ગામેગામથી લોકો મોતીયાના ઓપરેશન કરાવવા માટે આ હોસ્પિટલનો લાભ લે છે. પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે આવેલ હોસ્પિટલમાં મોતીયાનું ઓપરેશન કરાવનાર દર્દીને અંદાજે ર૦ હજાર રૂપિયાની કિંમતનો નેત્રમણી, રહેવાની સગવડ, ધાબળો, બે કિલો ચોખા, એક કિલો ઘઉંનો લોટ, ભોજન, ચોખ્ખા ઘીનો શીરો, પ્રસાદીરૂપે બુંદી, દક્ષિણા, જરૂરી દવાઓ, આંખના ટીપા, કાળા ચશ્મા સહિતની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવતી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી શ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટની સામેની બાજુ કુવાડવા મેઇન રોડ ટચ આશ્રમની વિશાળ જગ્યામાં આંખની નવી અદ્યતન હોસ્પિટલ આકાર લઇ રહી છે.અકિલા પરિવારના મોભી, સમાજ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સીધા માર્ગદર્શન અને વડપણ હેઠળ અંદાજે સો કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ અત્યાધુનિક હોસ્પિટલનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નવનિર્મિત ૯ માળની હોસ્પિટલ કદાચ એશિયાની સર્વપ્રથમ હોસ્પિટલ હશે કે જયાં અલ્ટ્રામોડર્ન ટેકનોલોજી સાથે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પૂ. ગુરૂદેવના આશીર્વાદ સાથે આંખને લગતી તમામ સારવાર એક જ સ્થળે નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવશે. આંખની સારવારના આ અજોડ સેવાયજ્ઞમાં સદ્્ગુરૂ સદન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ વસાણી, ટ્રસ્ટીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. ચેતનભાઇ હિન્ડોચા, નરેન્દ્રભાઇ નથવાણી, પરેશભાઇ ભગત (મુંબઇ) તથા નવનિર્મિત હોસ્પિટલના કો-ઓર્ડીનેટર અને કાયદેઆઝમ ડો. પરષોતમભાઇ પીપરીયા સતત કાર્યરત છે.
આ અનોખા, અજોડ, અસામાન્ય, સમાજોપયોગી સેવાયજ્ઞથી અભિભૂત થઇને રાજકોટની ખ્યાતનામ રોલેક્ષ રીંગ્સ લિમિટેડ કંપનીના શ્રી મનેષભાઇ દયાશંકરભાઇ માદેકાએ પૂ. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલને માતબર રકમનું દાન આપ્યું છે. દાનની રકમ અર્પણ કરતા શ્રી મનેષભાઇ માદેકાએ વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે ‘‘અમારા સમગ્ર પરિવારના અહ્ોભાગ્ય છે કે અમોને પૂ. ગુરૂદેવના આશીર્વાદ સાથે સમાજ સેવા કરવાનો અનન્ય લાભ મળ્યો, સમગ્ર માદેકા પરિવાર અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો તથા તમામ ટ્રસ્ટીઓનો સદાય ઋણી રહેશે.''
લેથ મશીનની કામગીરીથી વિશાળ લિમિટેડ કંપની સુધીની
ચાર દાયકાની સફરઃ ૯૦ દેશોમાં એકસપોર્ટ-૩ હજારનો સ્ટાફ

રોલેક્ષ રીંગ્સના મનેષભાઇ માદેકા
રાજુભાઇ પોબારૂ સાથેની વર્ષો જુની મિત્રતા રંગ લાવીઃ
‘આંખની સારવાર સેવાયજ્ઞ' માં પૂ.ગુરૂદેવે નિમિત્ત બનાવ્યા
‘ સંપ ત્યાં જંપ ' કહેવત અનુસાર સાત ભાઇઓનો પરિવાર ધરાવતા શ્રી મનેષભાઇ દયાશંકરભાઇ માદેકા અંદાજે ૪૦ વર્ષો પહેલા બિહારથી રાજકોટ આવેલા અને લેથ મશીન ઉપર કામ શરૂ કર્યુ હતું. રાજકોટના મકકમ ચોક, ગોંડલ રોડ ખાતે બોલ બેરીંગની નાની દુકન પણ શરૂ કરી હતી. વ્યવસાયઅર્થે જુનાગઢ-સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ સ્થળોએ સ્કૂટર લઇને પણ સતત પ્રવાસ કર્યો હતો.
અથાગ-સતત પ્રયત્નો સાથે માદેકા પરિવારના સૌથી મોટાભાઇ રૂપેશભાઇ સહિતના તમામ ભાઇઓની સહિયારી મહેનતના ફળસ્વરૂપ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રોલેક્ષ રીંગ્સ લીમીટેડ કંપનીની સ્થાપના કરી. ત્રણ હજાર કર્મચારીઓના સ્ટાફને દરરોજ ભોજન સાથે યુરોપીયન દેશો સહિત ૯૦ જેટલા દેશોમાં રીંગ્સ-બેરીંગ એકસપોર્ટ કરતી રોલેક્ષ રીંગ્સ લિમીટેડ કંપનીએ સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. પ્રખ્યાત કંપનીઓ ટેસ્લા, મર્સીડીસ, બી. એમ. ડબલ્યુ. વિગેરેમાં પોતાની પ્રોડકટસ સપ્લાય કરી રહ્યા છે. શ્રી મનેષભાઇના પિતાશ્રી અને માયાળું-સેવાભાવી સ્વભાવ ધરાવતા દયાશંકરભાઇએ બિહારમાં કોલસાની ખાણમાં પણ વ્યવસાય અર્થે કાર્ય કર્યુ હતું. હાલમાં માદેકા પરિવારના તમામ ભાઇઓ અને તેમના સંતાનો પણ (એક સાથે ત્રણ પેઢી) રોલેક્ષ રીંગ્સ લી.ના સંયુકત બિઝનેસમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને શ્રી સદ્્ગુરૂ સદન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રાજુભાઇ પોબારૂ અને શ્રી મનેષભાઇ માદેકાની વર્ષો જૂની મિત્રતા ‘આંખની સારવાર સેવાયજ્ઞ' માં નિમિત બની હતી.
થોડા સમય પહેલા એક સામાજીક-સેવાકીય સમારોહમાં શ્રી મનેષભાઇ માદેકા અને શ્રી રાજુભાઇ પોબારૂ મળ્યા હતા અને ત્યાં રાજુભાઇ પોબારૂએ પૂ. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની અદ્યતન હોસ્પિટલ વિશે મનેષભાઇને વાત કરી હતી. બંનેની મિત્રતાના રંગરૂપે તૂરત જ શ્રી મનેષભાઇએ સમાજસેવા કરવાની અનન્ય તક ઝડપી લીધી હતી.
(3:41 PM IST)










