News of Thursday, 16th May 2024
રાજકોટ લોહાણા મહાજનના નામે રોકડ રકમ માંગતા વ્યકિતથી ચેતજોઃ રાજુભાઇ પોબારૂ
ગેરમાર્ગે ન દોરવાતા : લોહાણા મહાજન તથા પ્રમુખના નામે જ્ઞાતિજનો-અગ્રણીઓને ફોન કરીને ખોટી રીતે રૂપિયા માંગવામાં આવતા હોવાનું સામે આવ્યું

રાજકોટ તા. ૧૬ :.. ખોટા રસ્તા અપનાવીને જલ્દીથી રૂપિયા મેળવી લેવાની ઘેલછામાં ઘણાં લોકો સામાજીક-સેવાકીય સંસ્થાઓને પણ નથી મૂકતા. વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' ના તથા તેના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂના નામથી શહેરના જ્ઞાતિજનો-અગ્રણીઓને ફોન કરીને સમાજ સેવાના નામે કોઇ વ્યકિત ખોટી રીતે રૂપિયા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે.
આ સંદર્ભે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ અકિલાને જણાવ્યું છે કે રાજકોટ લોહાણા મહાજન કે પ્રમુખના નામથી દાન-ભંડોળ માટે આવી કોઇ રોકડ રકમ વ્યકિતગત ફોન મારફત માંગવામાં આવતી નથી. રકમ માંગતા અજાણ્યા શખ્સના કહેવામાં કોઇએ ન આવવું તથા કોઇપણ જાતનો રોકડ વ્યવહાર ન કરવો તેવી પણ શ્રી રાજુભાઇ પોબારૂ દ્વારા રાજકોટની જનતાને ખાસ વિનંતી સાથે જાહેર અપીલ કરવામાં આવી છે.
(12:32 PM IST)










