News of Thursday, 16th May 2024
બહુમાળીએ દાખલા કઢાવવા આજે પણ ૭૦૦ લોકોની લાઇનો
ભયાનક-કાળઝાળ તડકામાં સેકાતા લોકોઃ મંડપ-છાંયડો-પાણીની કોઇ વ્યવસ્થા નથીઃ માત્ર ૩ બારીઓ છેઃ કોંગ્રેસનું પણ આવેદન : દલાલોને તગેડી મૂકવા માંગણીઃ કલેકટરે પ્રાંતની ટીમ મૂકવા કહ્યું: પરંતુ શહેરના એક પણ પ્રાંત-મામલતદાર ગયા નથી : હવે કલેકટર પ્રભવ જોષી પોતે બહુમાળીએ વીઝીટ કરે તો જ બધુ સરખુ થશે તેમ દાખલા કઢાવવા આવનાર અરજદારોની માંગણી

રાજકોટ તા. ૧૬: શહેર કોંગ્રેસ સમિતિએ સમાજ કલ્યાણ અધીકારીને આવેદન પાઠવી નોન ક્રિમિનલ દાખલાઓ માટે ધસારો હલ કરવા વધુ બારીઓ ખોલવા તથા રોજબરોજ અંધાધુંધી અને અરાજકતા સર્જાઇ રહી છે તે અંગે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેરાયું હતું કે, ધોરણ ૧૦ અને ધોરણ ૧રના પરિણામો બાદ ઉચ્ચ અભ્યાસાર્થે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર માટે ધોમ ધખતા તાપમા વિદ્યાર્થીઓને વાલીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. એટલું જ નહીં પરંતુ વારંવાર ધકકાઓ થાય છે. કોમ્પ્યુટર સિસ્ટમ હોય ત્યારે સેમ ડે દાખલો મળી જવાને બદલે બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી દાખલાઓ મળતા નથી જે પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયમાં બહુમાળી ભવનમાં લોન ક્રિમિનલ દાખલાઓ માટે અંધાધુંધી અને અરાજકતા સર્જાઇ રહી છે તે પ્રકારની ફરિયાદો મળેલ છે. જે પગલે જણાવવાનું કે હાલ ફકત ત્રણ બારીઓ હોય તે અપૂરતી છે. પરંતુ જે ધસારો છે તે પ્રકારે જરૂરિયાત મુજબનો સ્ટાફ ફાળવી વધુ બારીઓ ખોલી યોગ્ય કરશો.
અને દરેક મામલતદાર કચેરીએ આ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતાથીમળી રહે તે પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ગોઠવો તેમજ જે સ્થળોએ હાલ લોન ક્રિમિનલ પ્રમાણપત્રો અપાતા હોય તે તમામ સ્થળોના નામ અને સરનામા સાથેના બોર્ડ વિદ્યાર્થી અને વાલીઓને દેખાય તે પ્રકારે દર્શાવવા. વિદ્યાર્થીઓ વાલીઓ માટે પાણી અને છાયડાની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે.
વધુમાં જે ફોર્મ નિઃશુલ્ક આપવામાં આવે છે તે દલાલો દ્વારા રૂા. ર૦ થી રૂા. પ૦ પડાવવામાં આવે છે અને દર વર્ષની જેમ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી નોન ક્રિમિનલ પ્રમાણપત્ર માટે રૂા. ૧પ૦ થી રૂા. ૩૦૦ દલાલો દ્વારા કાઢવામાં આવે છે આ પ્રકારની ફરિયાદો મળેલ છે જે બાબતે યોગ્ય કરવા અમારી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોની અપીલ છે, આ અંગેની નકલ પ્રમુખશ્રી અતુલ રાજાણીએ કલેકટરને પત્ર પાઠવી હતી.
દરમિયાન આ બાબતે કલેકટરે પત્રકારોને જણાવેલ કે, આ પ્રશ્ન તાકિદે હલ થાય તે માટે સીટી પ્રાંત-૩ ની ટીમ મોકલી છે, જરૂર પડે બારીઓ ખોલાશે, જો કે બપોરે ૧ વાગ્યા સુધી સીટી પ્રાંત-૩, ૧, કે -ર ની કોઇ ટીમો ગઇ ન હતી, કોઇ મામલતદાર પણ ફરકયા ન હતા, આજે પણ ૭૦૦ થી ૮૦૦ લોકો લાઇનોમાં ઉભા હતા, કોઇ છાંયડાની કે પાણીની વ્યવસ્થા ન હતી, કલેકટરશ્રી પ્રભવ જોષી પોતે બહુમાળીએ વીઝીટ કરે તો બધુ સરખુ થશે તેમ દાખલા કઢાવવામાં હેરાન થતા લોકોએ માંગણી કરી હતી.
આ બહુમાળીની સમાજ કલ્યાણ કચેરીની દશા છે...
કલેકટર-પોલીસ તંત્ર-મામલતદારો-પ્રાંત કોઇ ફરતુ નથી !!
રાજકોટ : ધો. ૧૦-૧રના પરીણામો આવી ગયા, પરિણામે બહુમાળી ભવનમાં આવેલ સમાજ કલ્યાણની કચેરીએ જાતિના, ક્રિમીલેયર-નોનક્રિમીલેયરના દાખલા કઢાવવા વિદ્યાર્થીભાઇ-બહેનો-વાલીઓ ઉમટી રહ્યા છે, આજે પણ ૭૦૦ થી ૮૦૦ અરજદારો ઉમટયા હતા, બારીઓ માત્ર ૩ ખોલવામાં આવી છે, મંડપના છાંયડાની કોઇ વ્યવસથા નથી, ૩૦૦ થી ૪૦૦ લોકો ધોમધખતા તાપમાં કલાકો સેકાઇ રહ્યા છે, પાણીનું કોઇ પૂછતુ નથી... દલાલોનો રાફડો ફાટયો છે, સ્થિતિ ભારે ખરાબ છે, છતા કલેકટર તંત્ર -પોલીસ તંત્ર-મામલતદાર કે પ્રાંતના તંત્રો કંઇ કરતા નથી.. લોકો હેરાન પરેશાન છે.
(4:29 PM IST)










