<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

લોહાનગરની તસ્કર ત્રિપુટીએ ૩.૧૯ લાખનો ઇલેકટ્રીક વાયર ચોરી બાળીને તાંબુ ૫૦ હજારમાં વેંચી દીધુ'તું!

હનુમાન મઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે કલાકોમાં ઉકેલ્યો : ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે શની, મનસુખ ઉર્ફ દિકુ અને જીતેશને દબોચી સળગાવી નાખેલા વાયરના બંડલો, રિક્ષા, તણી, કાતર, ડીસમીસ, કોયતો કબ્જે લીધા : ઝડપાયેલામાં મનસુખ ઉર્ફ દિકુની ચોરી સહિતના ૧૨ ગુનામાં, જીતેશની ૪ અને શનીની બે ગુનામાં સંડોવણી : અટીકાના મિલને ૫૦ હજારમાં ચોરાઉ વાયરનું તાંબુ ખરીદી મોબીલ સિદ્દીકીને ૭૦ હજારમાં વેંચી દીધુ'તું!: બંને સામે ચોરાઉ માલ રાખવાનો ગુનો નોંધવા તજવીજ : હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, જેન્તીગીરી ગોસ્વામી, જયપાલસિંહ સરવૈયા અને મનિષભાઇ સોઢીયાની બાતમી

 

રાજકોટ તા. ૧૭: શહેરના રૈયા રોડ હનુમાન મઢી નજીક તિરૂપતીનગર મેઇન રોડ પર જુની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ં વિવેકભાઇ મણીલાલ દેથરીયાના ઓફિસ-ગોડાઉનના તાળા તોડી તસ્કરો રૂા. ૩,૧૯,૨૩૮ના ઇલેકટ્રીક વાયરના અલગ અલગ બંડલો ચોરી ગયા હતાં. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે કલાકોમાં ઉકેલી લોહાનગરની તસ્કર ત્રિપુટીને દબોચી લીધી છે. આ ત્રણેય વાયર ચોરી કરવાની ટેવ ધરાવે છે અને એક શખ્સ તો બાર જેટલા ગુનામાં સંડોવાઇ ચુકયો છે. લાખોના વાયરો ચોરી તેને બાળીને તેમાંથી નીકળેલુ તાંબુ અટીકા પાસે ભંગારમાં રૂા. ૫૦ હજારમાં વેંચી દીધુ હતું. બાદમાં તેણે આ તાંબુ રૂા. ૭૦ હજારમાં બીજાને વેંચી દીધુ હતું. પોલીસ આ બંને સામે પણ ચોરાઉ માલ ખરીદવાની કાર્યવાહી કરશે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થતાં જ પીઆઇ બી. ટી. અકબરી અને ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી હતી. સાથે એલસીબી ઝોન-૨ ટીમ પણ કામે લાગી હતી. દરમિયાન હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, કોન્સ. જયપાલસિંહ સરવૈયા, જેન્તીગીરી ગોસ્વામી અને મનિષભાઇ સોઢીયાને મળેલી બાતમી પરથી લોહાનગર મફતીયાપરા રામદેવપીરના મંદિર પાસે રહેતાં શની શંકરભાઇ વરગોડીયા (ઉ.૨૧)ને દબોચી લઇ આકરી પુછતાછ કરવામાં આવતાં તેણે ચોરી કબુલી હતી. પોતાની સાથે આ ચોરીમાં લોહાનગરના જ બે શખ્સો મનસુખ ઉર્ફ દિકુ હરીભાઇ પરમાર અને જીતેશ રમેશભાઇ પાટડીયા પણ સામેલ હોવાનું કબુલતાં આ બંનેને પણ સકંજામાં લેવાયા હતાં.

શની અગાઉ જામનગરમાં ચોરીના બે ગુનામાં અને મનસુખ ઉર્ફ દિકુ અગાઉ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીના આઠ, ધમકીનો એક અને હદપારીના ત્રણ ગુનામાં પકડાયો હતો. જ્યારે જીતેશ  જામનગરના બે ગુનામાં પકડાયો હતો. આ ત્રણેય અગાઉ પણ વાયરની ચોરીઓમાં પકડાયા હતાં. વાયરને બાળી તાંબુ કાઢી વેંચી નાખવાની ટેવ ધરાવે છે. હનુમાન મઢી પાસેના તિરૂપતીનગરના ગોડાઉનની રેકી કર્યા બાદ રાતે રિક્ષા લઇ પહોંચ્યા હતાં અને તાળા નકુચા કાપી ચોરી કરી હતી.

વિશેષ પુછતાછ થતાં કબુલ્યું હતું કે ૩.૧૯ લાખનો ઇલેકટ્રીક વાયર ચોરી તેને બાળી નાંખી તાંબાના ગુચ્છા બનાવી ૫૦ હજારમાં અટીકા પાસે મિલન મનફુલભાઇ ઝરીયાને વેંચી દીધા હતાં. પોલીસે મિલનની પુછતાછ કરતાં તેણે આ ચોરાઉ જથ્થો ૭૦ હજારમાં અટીકાના મોબીલ જમીલઅહેમદ સિદ્દીકીને વેંચી દીધાનું કહેતાં તેની પાસેથી બળેલા વાયર-તાંબાના ગુચ્છા કબ્જે કરાયા હતાં. આ બંને સામે પણ ચોરાઉ માલ રાખવાની કાર્યવાહી થશે.

પોલીસે ૧,૫૭,૫૦૦નો બળેલા વાયરના બંડલો, જીજે૦૩એએકસ-૬૦૫૯ નંબરની રિક્ષા, તણી, મોટી કાતર, ત્રણ ડીસમીસ, લોખંડનો કોઇતો મળી કુલ ૨,૨૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, સલિમભાઇ મકરાણી, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, ધર્મરાજસિંહ ઝાલા, અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા અને જયપાલસિંહ સરવૈયાએ આ કામગીરી કરી હતી.

(3:12 PM IST)