<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

રાજકોટમાં ભારતીબેનને બગસરાના રવિએ જીવતા સળગાવ્‍યા

જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ૫૦ વર્ષના મહિલાએ પોતાની દિકરી મધુનું સગપણ બગસરાના રવિ સાથે ચાર મહિના પહેલા નક્કી કર્યુ હતું: પણ કામધંધો કરતો ન હોવાની ખબર પડતાં બે મહિના બાદ સગપણ તોડી નાખતાં તે રોષે ભરાઇ સતત મા-દિકરીને મારી નાખવાની ધમકી આપતો હતો : ગત રાતે ફોન કરી હું તમને મા-દિકરીને મારી નાખીશ તેવી ધમકી દીધી : એક વાગ્‍યે ડેલી ખખડાવી ન ખોલાતાં જતો રહ્યોઃ બે વાગ્‍યે બારીમાંથી પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધીઃ જેની સાથે સગપણ નક્કી થયું હતું તે મધુ દૂર સુતી હોઇ બચી ગઇઃ તેના માતા ભારતીબેન બારી પાસે સુતા હોઇ બંને પગ, પેટ સહિતના ભાગે દાઝી ગયાઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યો

જેમને સળગાવી દેવાયા તે ભારતીબેન રાજેશભાઇ પરમાર અને જેની સાથે રવિનું સગપણ નક્કી થયું હતું તે ભારતીબેનના દિકરી મધુબેન વિગતો જણાવતાં દેખાય છે

રાજકોટ તા. ૨૦: શહેરના જામનગર રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં મહિલાએ ચાર મહિના પહેલા પોતાની દિકરીનું બગસરાના યુવાન સાથે સગપણ નક્કી કર્યુ હોઇ પણ આ યુવાન કંઇ કામધંધો કરતો ન હોવાની ખબર પડતાં બે મહિના પહેલા સગપણ તોડી નાખ્‍યું હતું. આ કારણે રોષે ભરાયેલો બગસરાનો એ શખ્‍સ સતત આ મહિલા અને તેના દિકરીને ધમકી આપી હેરાન કરતો હતો. ગત રાતે ફોન કરી મા-દિકરીને મારી નાખવાની ધમકી આપ્‍યા બાદ એક વખત ડેલી ખખડાવી ભાગી ગયા બાદ ફરીથી મોડી રાતે આવી બારીમાંથી પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતાં બારી નજીક જ સુતેલા મહિલા બંને પગ, પેટ, ગુપ્‍તભાગે ગંભીર રીતે દાઝી જતાં હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધવા તજવીજ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ભારતીબેન રમશેભાઇ પરમાર (ઉ.વ.૫૦) રાતે ઘરે હતાં ત્‍યારે કોઇ એ પેટ્રોલ છાંટી દઝાડી દીધાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં પહોંચતા તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમ, હેડકોન્‍સ. અલ્‍પેશભાઇ વઘેરાએ હોસ્‍પિટલે પહોંચી ભારતીબેન પરમારની પૃછા કરી વિગતો મેળવી હતી.

ભારતીબેને જણાવ્‍યું હતું કે તેમના પતિ હયાત નથી. પોતે ઘરકામ કરે છે. સંતાનમાં ચાર દિકરીઓ છે. જેમા મોટી દિકરી મધુનું સગપણ ચાર મહિના પહેલા બગસરા બસ સ્‍ટેશન પાછળ વાલ્‍મીકીવાસમાં રહેતાં રવિ કેશુભાઇ સોલંકી સાથે નક્કી કર્યુ હતું. સગાઇ કરવામાં આવી નહોતી પણ સવા રૂપિયો દઇ મીઠા મોઢા કરી વાત પાક્કી કરી લેવામાં આવી હતી. જે તે વખતે છુટક કામ કરતો હોવાનું જણાવાયું હતું. પણ બે મહિના બાદ ખબર પડી હતી કે રવિ કોઇ કામ ધંધો કરતો નથી અને બીજી કુટેવ પણ ધરાવે છે. આથી દિકરી મધુનું નક્કી કરેલુ સગપણ અમે તોડી નાંખ્‍યું હતું.

ભારતીબેન અને દિકરી મધુએ વધુમાં જણાવ્‍યુ઼ં હતું કે અમે સગપણ તોડી નાખતા રવિ રોષે ભરાયો હતો અને છેલ્લા બે મહિનાથી સતત અમને હેરાન કરતો હતો અને સગપણ રાખવા દબાણ કરતો હતો. તે વારંવાર રૂબરૂ આવીને અને ફોન કરીને પણ હેરાન પરેશાન કરતો હતો. ગઇકાલે રાતે તેણે એકાદ વાગ્‍યે ફોન કરી તમને મા-દિકરીને સળગાવી દઇશ તેવી ધમકી આપી હતી. બાદમાં થોડી જ વારમાં તે ઘરની ડેલીએ આવ્‍યો હતો અને ડેલી ખખડાવી હતી. પણ અમે ડેલી ન ખોલતાં તે જતો રહ્યો હતો. એ પછી અમે સુઇ ગયા હતાં.

મધુ પરમારે વધુમાં કહ્યું હતું કે પિતા હયાત ન હોઇ હું ઘરનું ગુજરાન ચલાવવા જંકશન પ્‍લોટની ખાનગી હોસ્‍પિટલમાં નોકરી કરુ છું. સગાઇ નક્કી થઇ ત્‍યારે રવિ બાલાજી હોલ પાસેની હોસ્‍પિટલમાં કામ કરતો હતો. એ પછી તે છુટો થઇ ગયો હતો. અમારે ઘરની ડેલી નજીક જ બારી આવેલી છે. રાતે બે વાગ્‍યા આસપાસ રવિએ બારીમાંથી પેટ્રોલ છાંટયું હતું અને દિવાસળી ચાંપતાં બારી પાસે મારા માતા ભારતીબેન સુતા હોઇ તે બંને પગે, ગુપ્‍ત ભાગે અને પેટના ભાગે દાઝી ગયા હતાં. દેકારો થતાં હું જાગી ગઇ હતી. એ વખતે રવિ ભાગી ગયો હતો. ભાગી છુટેલા રવિ વિરૂધ્‍ધ ગુનો નોંધી તેને શોધી કાઢવા પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી છે. આ બનાવથી સ્‍લમ ક્‍વાર્ટર વિસ્‍તારમાં ચકચાર મચી ગઇ હતી.

(3:00 PM IST)