તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
વીજતંત્રનું સ્માર્ટ મીટરઃ ગ્રાહકોમાં દેકારોઃ વીજ તંત્ર કહે છે.... જૂનુ બીલ ‘ભરપાઇ' ન હોય વધુ બીલ લાગે છે પત્રકારોને વિગતો આપતા ચીફ ઇજનેર વાળાઃ સાંજે ૭ પછી રીચાર્જ પુરૂ હશે તો લાઇટ નહી કપાયઃ તહેવારો-રજાઓનો પણ લાભ...
વડોદરામાં ભલે કામગીરી અટકીઃ પરંતુ રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છમાં કામગીરી ચાલુ રહેશે : સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૩૬૦૦ કરોડનો પ્રોજેકટઃ બે તબકકામાં ૩૪ લાખ ગ્રાહકોને આવરી લેવાશેઃ રાજકોટ ડિવીઝનમાં ૧૦ હજાર મીટર લાગ્યા... રાજકોટમાં માત્ર ૬૦ ફરિયાદો આવી છે

રાજકોટ તા.ર૦ : સ્માર્ટ વીજમીટરમાં વધુ બિલ આવતુ હોવાની ફરિયાદના જવાબમાં પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા મુજબ જુના યુનિટનું વીજબીલ ભરપાઇ થયું ન હોય. તે સ્માર્ટ મીટરમાં ઉમેરાય છે અને બાકી બીલ સાથે સ્માર્ટ મીટરમાં જયારે બિલ આવે છે તેથી ગ્રાહકોને એવું લાગે છે કે, વીજબિલ વધારે આવે છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે હવે તેઓ પહેલા વપરાયેલા બાકી યુનિટનું વીજબિલમાં આપી દેશે. ત્યારબાદ સ્માર્ટ મીટર નાખશે.
રાજકોટ ડિવીઝનને પ્રાથમિક તબકકે ર૩.૬૬ લાખ મીટર નાખવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં ૧૦ હજાર મીટર લગાવવામાં આવ્યા છે.જેમાંથી પ૭ર૮ મીટર રહેણાંક વપરાશ માટેના છે. તેમ પીજીવીસીએલના મુખ્ય ઇજનેર આર.જે.વાળાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું વધુમાં રાજકોટ ડીવીઝનમાં સ્માર્ટ મીટરને લઇને અત્યારે ૬૦ ફરિયાદ જ ચોપડે નોંધાઇ છે. જેમાં મોબાઇલમાં સ્માર્ટ મીટર ડાઉનલોડ કરવાની સમજણ ન હોય, તેમજ કોઇ ગેરસમજણ થતી હોય તેવા પત્રકારની વધારે નોંધાઇ છે.
સ્માર્ટ મીટર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કુલ ૬ તબકકામાં થાય છે. જેમાં પહેલીવાર મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરતી વેળાએ ફર્સ્ટ ટાઇમ યુઝર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત મોબાઇલ નંબર નાખવાના રહે છે. પછીના તબકકામાં યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગીન કરવાનું રહે છે. આ લોગીન થયા બાદ મોબાઇલ નંબર સાથે ગ્રાહક નંબર લિંક કરવા માટે ર૪ થી ૪૮ કલાકની રાહ જોવી પડે છે. આ પછી ગ્રાહક નંબર નાખવાના રહે છે. આ બધી પ્રક્રિયા થયા બાદ બધી વિગત જોઇને રિચાર્જ કરી શકાય છે.પીજીવસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાંખવાનો પ્રારંભ કરાતાની સાથે રાજકોટ - જામનગરમાં મિટર સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. જામનગરમાં અત્યાર સુધીમાં ૪પ૦૦ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મિટર લગાવવામાં આવ્યા છે. જયારે રાજકોટના મહિલા કોલેજ સબ ડિવીઝનમાં રપ૦૦ સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે. હવે સુરેન્દ્રનગર અને વેરાવળમાં મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પ્રોજેકટના મુખ્ય ઇજનેર આર.જે.વાળાએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરમાં ભ્રામક પ્રચાર થઇ રહયો છે. મિટરમાં કોઇ ફોલ્ટ નથી અને મીટર ફાસ્ટ પણ ચાલતા નથી.
હકિકતમાં જુના વપરાશનો ડેટા બતાવવામાં આવે છે. સ્માર્ટ મિટર નાંખવાનું શરૂ કરતા જ અમે ગ્રાહકો પાસેથી મીટરની લેવામાં આવેલી સિકયોરીટી ડિપોઝીટ આપવાનું શરૂ કર્યુ છે. અત્યાર સુધીમાં વીજ કંપનીએ ૬૦ લાખનું ચુકવણુ કરી દીધુ છે.
બીજી તરફ એનર્જી ચાર્જીસમાં બે ટકા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેની મંજુરી મળશે તો તેનો લાભ પણ ગ્રાહકોને આપવામાં આવશે. સ્માર્ટ મિટરના યુનિટમાં કોઇ વધારો થયો નથી. પ્રવર્તમાનદર મુજબ જ ગ્રાહકોને વીજબીલ આપવામાં આવ્યા છે. આમ છતા પણ કોઇ ગ્રાહકને સ્માર્ટ મિટરના પોસ્ટ પેઇડ બિલ જોતા હોય તો તે પણ આપવામાં આવશે.
દરમિયાન ચીફ ઇજનેરશ્રી વાળાએ પત્રકારોને જણાવ્યું હતું કે રિચાર્જ પુરૂથવામાં હોય ત્યારે ત્રણ વખત એલર્ટ અપાશે. જેમાં ૩૦૦ રૂપિયા, ર૦૦ રૂપિયા, ૧૦૦ રૂપિયા અને પ૦ રૂા.નો સમાવેશ થાય છે.
તેમણે જણાવેલ કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧ લાખ મીટર નખાયા બાદ સંજુલ કોલ સેન્ટર શરૂ કરાશે.
તેમજ સાંજે ૭ પછી રીચાર્જ પુરૂ થઇ ગયુ હશે તો પણ લાઇટ નહી જાય, બીજા દિવસે બપોર ૧ર સુધીનો સમય અપાશે તે ઉપરાંત તહેવાર અને રજામાં પણ પુરવઠો નહી કપાય શ્રીવાળાએ જણાવેલ કેર ાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચછમાં સ્માર્ટ મીટરનો ફુલ ૩૬૦૦ કરોડનો પ્રોજેકટ છે, તે તબકકામાં કુલ ૩૪ લાખ ગ્રાહકો આવરી લેવાશે.
(12:02 PM IST)










